મજૂરીના પૈસાની લેતી-દેતી મામલે કુટુંબીએ જ મહિલાને માથામાં લાકડું ઝીકી દીધું’તું

 

લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામમાં ગત તા.5મી નવેમ્બરના રોજ મજૂરીના પૈસા બાબતે થયેલી માથાકૂટમાં કુટુંબીએ જ મહિલાને માથામાં લાકડું ઝીકી દેતા તેણીનું સારવાર દરમિયાન મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામે કરશનભાઇ હરખાણીની વાડીમાં રહેતા લાલુ સુરતીયાભાઇ કટારીયા નામના મુળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમા અહી ખેતમજુરી કરતા યુવાને પોતાના વતનના ગણકર હિરૂભાઇ માવી નામના શખ્સ સામે લીલીયા પોલીસમા ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા કરમ નામની યુવતી સાથે થયા હતા. તેની પત્ની કરમ ગત તા.5મી નવેમ્બરના રોજ પૈસાની લેતીદેતી બાબતે ગણકર હિરું માવી સાથે માથાકુટ થઇ હતી.

જેથી ગણકરે લાકડીનો એક ઘા કરમના માથામા મારી દીધો હતો અને બાદમા ધોકા વડે માર પણ માર્યો હતો. અહી પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ મહિલા વતનમા ચાલી ગઇ હતી. પરંતુ તબીયત લથડતા દાહોદ બાદ તેને વડોદરા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ સારવારમા તેનુ મોત થયુ હતુ.

પોલીસે મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો હતો. જેમાં કરમનું મોત માથામાં થયેલી ઇનાના કારણે થયું હોવાનો ઘસ્ફોટ થતા મૃતકના પતિ લાલુએ તેના વતનથી લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે લીલીયા પોલીસ મથકના પીએસઆઈ એમ. ડી.ગોહિલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.