‘મારા મત વિસ્તારમાં ડી.ડી.ઓ. રાણાવસીયા કોરોનાના આંકડા છુપાવી શું કરવા માંગે છે’: લલિત વસાયોનો ધ્રુજારો
એક બાજુ જિલ્લા પંચાયત દ્વારા ઘરે ઘરે જઇ સર્વે કરાયુ છે, બીજી બાજુ આંકડા આપવામાં આનાકાની: પોલીસ, આરોગ્ય વિભાગ અને નગરપાલિકાના આંકડા અલગ અલગ
હાલ સમગ્ર વિશ્ર્વ કોરોના મહામારીમાં સપડાઇ ચુકયું છે ત્યારે કોરોના મહામારીને રાષ્ટ્રીય આપતિ સમજી રાજય અને દેશના લોકો પોતાનું દુ:ખ સમજી કોરોના મહામારી સામે જંગ ખેલી રહ્યા છે ત્યારે રાજકોટના ડી.ડી.ઓ. કોરોના કેસોના આંકડા છુપાવી શું કરવા માંગે છે?
મારા મત વિસ્તાર ધોરાજી- ઉપલેટામાં છેલ્લા બે દિવસમાં કોરોનાના ૧૦૦ થી વધુ કેસ નોંધાયા હોવા છતાં આરોગ્ય વિભાગ આંકડા છુપાવી રહ્યું છે આ અંગે રાજયના આરોગ્ય મંત્રીને ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયાએ પત્ર લખી સાચા આંકડા આપવા માંગ ઉટાવી છે.
ધોરાજી-ઉપલેટા વિસ્તારના લડાયક ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ જણાવેલ કે રાજકોટના ડી.ડી.ઓ. સરકારમાં સારા થવા માજ્ઞે મારા મત વિસ્તાર ધોરાજી, ઉપલેટા કોરોના કેસમાં આંકડા છુપાવી રહ્યા છે વધુમાં વસોયાએ જણાવેલ કે હાલ સમગ્ર રાજય તેમજ દેશની જનતા કોરોના મહામારી સામે જંગ ખેલી રહી છે. રાજય અને કેન્દ્રની સરકાર પણ લોકોની મદદ માટે ખડે પગે છે વિવિધ સમાજના આગેવાનો, સંસ્થાઓ પણ નાની મોટી સેવા કરી કોરોના વોરિયર્સનું મોરલ વધારા રહ્યા છે. છેલ્લા બે દિવસથી રાજકોટ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મારા મત વિસ્તાર ધોરાજી-ઉપલેટા માં ડોર ટુ ડોર કોરોના સર્વે કરી કોરોનાના લક્ષણો ધરાવતા લોકોનો સર્વે કરી તેનો ટેસ્ટ કરી કોરોના સંક્રમિત લોકોને શોધી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં આશરે એકાદ લાખ કરતા વધુ લોકોની તપાસણી કરવામાં આવી છે. ત્યારે સ્વભાવિક છે કે સરકારની કામગીરી સારી છે. જે લોકો કોરોના સંક્રમિત છે તેવા લોકોને સારવાર વહેલી મળવાથી કોરોના આગળ વધતો નથી. સર્વે કરવાથી છેલ્લા ત્રણ દિવસથી ધોરાજી-ઉપલેટામાં ૧૫૦ કરતાં વધુ કેસ નોંધાયા છે. આ નોંધાયેલા કેસોની યાદી પોલીસ સ્ટેશન તેમજ નગરપાલિકાન જે તે વિસ્તારના આરોગ્ય વિભાગના અધિકારીઓએ મોકલવાની હોય છે. ત્યારે મારી જાણ મુજબ તપાસમાં આવતા ધોરાજી-ઉપલેટા વિભાગના આરોગ્ય વિભાગના આંકડા અને પોલીસ અને નગરપાલિકાના આંકડા અલગ અલગ આવે છે. પોલીસ અને નગરપાલિકામાં કોરોનાના કેસની સંખ્યાના આંકડા વધુ જોવા મળે છે જયારે આરોગ્ય વિભાગના અધિકારીઓ અન્ડર પ્રોસેસના બહાને આંકડા છુપાવી રહ્યા છે આ આંકડા છુપાવવા પાછળ ડી.ડી.ઓ. અનીલ રાણાવસીયાનો હાથ હોવાનું જણાઇ રહ્યું છે ખુદ જીલ્લા આરોગ્ય વિભાગના અધિકારી સર્વેનો આદેશ કરે છે ત્યારે તેના ઉપરા અધિકારી આંકડા છુપાવી રહ્યા છે ત્યારે આંકડા છુપાવી ડી.ડી.ઓ. શું કરવા માંગે છે. રાજય સરકાર તો પ્રજાને ગુમરાહ કરી રહી છે ત્યારે તેના અધિકારીઓ પણ કોરોનાનું ખરુ ચિત્ર પ્રજા સામે આવવા દેતા નથી રાજય સરકારના અધિકારીઓ પણ રાજયના ઇશારે નાચી રહ્યાનો આક્ષેપ ધારાસભ્ય લલીત વસોયાએ કર્યા છે. ડી.ડી.ઓ. અનિલ રાણાવસીયા એક કોરોના વોરિયર્સ છે. ત્યારે તેને એ ન ભૂલવું જોઇએ જીલ્લાના તમામ તાલુકાના ગામોમાં માત્ર આરોગ્ય વિભાગે નહિ પણ જે તે વિસ્તારના આગેવાનો પણ કોરોના સામે જંગ લઢવામાં મદદ કરી રહ્યા છે.
સરકારમાં બેઠેલા નેતાઓને મોઢે સારા થવા માટે તો આવું નહિ કરતા હોય ને અને જો કરતાં હોય તો એ પણ સમજી લ્યે કે સરકાર તો આવે ને જાય પણ સરકારી અધિકારીએ લોકોના દુ:ખમાં દુ:ખી અને સુખમાં સુખી રહેવું જોઇએ. જો ડી.ડી.ઓ. દ્વારા મારા મત વિસ્તારના આંકડા છુપાવાનો પ્રયાસ કરશે તો ના છુટકે મારે જીલ્લા પંચાયત સામે આંદોલન કરવાની ફરજ પડશે.