પ્રદેશ કોંગ્રેસ મંત્રી મહેશ રાજપૂતે ભાજપને વળતો જવાબ આપ્યો
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પૂર પીડિતોના આંસુ લુછવા આવ્યા ત્યારે બુલેટપ્રુફ કારમાં કેમ ન બેઠા એવો સવાલ ઉઠાવનારા ભાજપના નેતાઓને જવાબ આપતા પ્રદેશ કોંગ્રેસના મંત્રી મહેશ રાજપૂતે કહ્યું કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ જ્યારે ગુજરાત આવે છે ત્યારે તેઓ પણ સાદી કાર જ વાપરે છે..જો ભાજપના નેતાઓ પોતાની આંખો ખુલ્લી રાખે તો તેમને આ સત્ય દેખાશે.
વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી લોકોની વચ્ચે ગયા ત્યારે સાદી કારમાં જ ગયા એ સત્ય સ્વીકારવા બદલ આભાર માનીએ છીએ. રાહુલ ગાંધી હંમેશા લોકોની વચ્ચે રહેવાનું પસંદ કરે છે. તેઓ ખોટો ભપકો કરતા નથી અને લોકોની વેદના સાંભળે છે.
રાહુલ ગાંધી બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા અને લોકોની વેદનાને વાચા આપી તેનાથી ભાજપીઓના પેટમાં તેલ રેડાયું છે. ગુજરાત સરકારે માત્ર વાતો જ કરી છે અને પૂરના આટલા દિવસો પછી પણ લોકોના હાલ બેહાલ છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી.
સરકારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં કામ ઓછું કર્યું છે અને પબ્લિસિટી વધુ મેળવી છે. લોકો સુધી પૂરતી રાહત પહોંચી નથી અને આ વાસ્તવિકતા રાહુલજીના માધ્યમથી બહાર આવી તેથી નેતાઓ અકળાયા છે.
સરકારની આ નિષ્ફળતાને ઢાંકવા માટે અને લોકોનું ધ્યાન બીજે ખેંચવા માટે રાહુલજીની કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે તેમ જણાવતા મહેશ રાજપૂતે કહ્યું કે, આવા હતગંડા અપનાવવાની ભાજપની કુટેવ છે પરંતુ આવા પ્રયાસો છતાં સત્યને બહાર આવતા અટકાવી શકાશે નહીં.
પોલીસે રાહુલજીની કાર ઉપર પથ્થરમારો કરનારા ભાજપના હોદ્દેદારની ધરપકડ કરી છે એ જ બતાવે છે કે આ કાંડ પાછળ ભાજપનો દોરીસંચાર હતો.