પોલીસ વિભાગને સાથે રાખી એન્ડફોર્સમેન્ટની કામગીરી વધુ કડક બનાવાશે: ઉદિત અગ્રવાલ
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. સુરત અને અમદાવાદ મહાપાલિકા દ્વારા આવતીકાલથી તમામ બાગ-બગીચાઓ અનિશ્ર્ચિત મુદત સુધી બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે કે, હાલ શહેરમાં બાગ-બગીચાઓ બંધ કરવા માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. દરમિયાન માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, અમદાવાદ અને સુરતમાં રાજકોટની સરખામણીએ કોરોનાના કેસ વધુ નોંધાઈ રહ્યાં છે. તકેદારીના ભાગરૂપે આ બન્ને મહાનગરોમાં બાગ-બગીચાઓ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યોના અન્ય મહાનગરોની સરખામણીએ કોરોનાનું સંક્રમણ હજુ ઓછુ હોવાના કારણે હાલ મહાપાલિકા દ્વારા બાગ-બગીચાઓ બંધ કરી દેવા માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ કોરોનાનું સંક્રમણને રોકવા હવે માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ વિભાગને સાથે રાખી એન્ડફોર્સમેન્ટ કડક કરી દેવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજકોટમાં સતત કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. છતાં મહાપાલિકાની તેની ગંભીરતા ન લઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. હજુ સુધી શહેરમાં ટેસ્ટીંગ બુથ પણ વધારવામાં આવ્યા નથી. અગાઉ જે 7 સ્થળે ટેસ્ટીંગ બુથ કાર્યરત હતા તે ચૂંટણી પહેલા બંધ કરી દેવાયા હતા. જે કોરોના કેસ વધ્યા બાદ પણ હજુ સુધી શરૂ કરવામાં આવ્યા નથી. ગઈકાલે કોરોનાના 80 કેસ નોંધાયા હતા. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. છતાં મહાપાલિકા હજુ તેની ગંભીરતા ન સમજતું હોય તેવું હાલ લાગી રહ્યું છે.