મોરબી જિલ્લા કલેકટર, મેકસન ગ્રુપના ધનજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં અન્નપૂર્ણા રથનો કરાશે પ્રારંભ
હળવદ શહેરમાં નિરાધારોનો આધાર બનેલ અને હરહંમેશ સેવાકીય પ્રવૃતિમાં જરૂરીયાતમંદો માટે સતત ખડેપગે રહેતી સંસ્થા એટલે રોટરી કલબ હળવદ. આગામી તા.૧૮ ડિસેમ્બરના રોજ રોટરી કલબ હળવદ દ્વારા ટોકન દરે ખીચડી – કઢી પીરસી માનવસેવાની પ્રવૃતિમાં વધુ એક પીચ્છુ ઉમેરાવા જઈ રહ્યું છે. શહેરના વૈજનાથ ચોકડીથી અન્નપૂર્ણા રથ પ્રસ્થાન કરશે અને હળવદ શહેરના મુખ્ય માર્ગ પર આ સેવા દ્વારા ભુખ્યાઓને માત્ર નજીવા ટોકનદરે શુધ્ધ આહાર એટલે કે ખીચડી – કઢીનું વિતરણ કરવામાં આવશે.
આજના હાઈટેક યુગમાં લોકો પાસે આમ જાવા જઈએ તો જમવાનો પણ સમય રહ્યો નથી, નાસ્તા-પાણી કરી આરોગ્યને પણ જાખમમાં મુકતા હોય છે તેવામાં એકદમ સાત્વીક અને શુધ્ધ દેશી ભાણું એટલે ખીચડી અને કઢીનું હળવદમાં તા.૧૮મીથી માત્ર રૂ.રના ટોકનદરે રોટરી કલબ દ્વારા પ્રારંભ કરાશે. ભુ્ખ્યાને ભોજન એ જ સાચો ધર્મ અને એજ સાચી માનવસેવા છે ત્યારે રોટરી કલબ હળવદ દ્વારા તા.૧૮મીથી આ અન્નપૂર્ણા રથને મોરબી જિલ્લા કલેકટર, મેકસન ગ્રુપના ધનજીભાઈ પટેલના હસ્તે લીલીઝંડી અપાશે ત્યારબાદ તા.૧૯મીથી શહેરના મુખ્ય માર્ગો પર દરરોજ સવારે ૧૦:૩૦થી ૧ કલાક દરમિયાન અન્નપૂર્ણા રથ દ્વારા જરૂરીયાતમંદોને પીરસાશે. રોટરી કલબના રાજેન્દ્રસિંહ રાણાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, શરૂઆતના પ્રારંભે ર૦૦થી ૩૦૦ જેટલા જરૂરીયાતમંદોને વિતરણ હળવદ શહેરમાં કરાશે તેમજ શહેરના વૈજનાથ ચોકડીથી વિતરણ સેવા શરૂ કરી શહેરના સરા નાકે, આંબેડકર સર્કલ સહિત વિવિધ માર્ગ પર અન્નપૂર્ણા રથ ફરી વળશે.