તંત્રે જે જગ્યા નક્કી કરી ત્યાં તડકો હોવાથી શાકભાજી બગડી જતા હોય અને રૂ. ૧૦૦૦ ઉઘરાવવામાં આવતા હોવાની રાવ
પડધરીમાં શાકભાજીના વેપારીઓએ આજે હડતાલ પાડી હોવાની ઘટના સામે આવી છે. જગ્યા મુદ્દે શાકભાજીના વેપારીઓ અકળાય ઉઠ્યા છે અને આજે સજ્જડ બંધ પાડીને તંત્ર સમક્ષ જૂની જગ્યા ફાળવવાની માંગ ઉઠાવી છે.
હાલ લોકડાઉનમાં તંત્ર દ્વારા શાકભાજીના વેપારીઓને એક ખુલ્લા પ્લોટમાં પોતાના શાકભાજીનું વેચાણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ તેની સામે શાકભાજીના વેપારીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ ખુલ્લાં પ્લોટમાં તડકાના લીધે શાકભાજી બગડી જાય છે અને આ નવી જગ્યાએ ઉભા રહેવાના એક વેપારી પાસેથી રૂ. ૧૦૦૦ ઉઘરાવવામાં આવે છે.
આ કનડગતના લીધે આજથી શાકભાજીના વેપારીઓએ હડતાલ પાડી છે. જેના પગલે આજે ગામમાં એક પણ શાકભાજીના વેપારી દેખાયા ન હતા અને લોકોને શાકભાજી વગર રસોઈ બનાવવાનો વારો આવ્યો છે. આ મામલે તંત્ર ઘટતું કરે જેથી શાકભાજીના વેપારીઓની હડતાલ સમેટાઇ જાય તેવી ગ્રામજનો માંગ ઉઠાવી રહ્યા છે.