શહેર અને બહારગામથી પરીક્ષા આપવા આવતા અનેક અરજદારોને ભારે હાલાકી: ટ્રેકને ફરી ધમધમતો કરવા તંત્રની મથામણ
રાજકોટ શહેરમાં ગઈકાલે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે રાજકોટ આરટીઓમાં આવેલી ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકની સીસ્ટમને વીજળીના કડાકા-ભડાકાના કારણે નુકશાન થતાં આજે ડ્રાઈવીંગ ટેસ્ટની કામગીરી ખોરવાઈ જતાં અનેક અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. રાજકોટ શહેર અને બહારગામથી પરીક્ષા આપવા આવતા અરજદારોને ધરમનો ધકકો થયો હતો. આ અંગે તંત્રએ મથામણ શરૂ કરી ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકને ફરી શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.
આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે સાંજના વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાજકોટ આરટીઓ ખાતે વીજળી વેરણ બની હોય તેમ ગઈકાલે વીજળીના કડાકા ભડાકા થતાં આરટીઓ ખાતે આવેલ ડ્રાઈવીંગ ટેસ્ટના ટ્રેકની સેન્શર સીસ્ટમને માઠી અસર થઈ હતી. આજે સવારે રાજકોટ શહેર અને બહારગામી પરીક્ષા આપવા આવતા અરજદારોની લાંબી લાઈનનો ખડકલો થઈ ગયો હતો ત્યારે આરટીઓના કર્મચારીઓ દ્વારા સવારે સીસ્ટમ શરૂ કરવામાં આવતા ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકના સેન્સરો કામ કરતા બંધ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. કોમ્પ્યુટર સીસ્ટમી લેવાતી ડ્રાઈવીંગ ટેસ્ટની પરીક્ષાની કામગીરી ખોરવાઈ ગઈ હતી. પરીક્ષા આપવા આવેલા અનેક અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો અને બહારગામી આવતા અરજદારોને ધરમનો ધકકો થયો હતો.
ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકમાં સર્જાયેલી ખામીની જાણ આરટીઓના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવતા તેઓએ એન્જીનીયરોને બોલાવી મથામણ શરૂ કરી હતી. બે દિવસમાં ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકને ફરી ધમધમતો કરવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આવતીકાલ સુધીમાં ફરી ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક શરૂ થઈ જશે તેવી આરટીઓ અધિકારીએ આશા વ્યકત કરી હતી.