ભવનાથમાં સાધુ-સંતોનું આગમન ભાવિકોની પ્રવેશબંધથી મેળો સુમસામ
જૂનાગઢના ભવનાથ ખાતેના મહા શિવરાત્રી મેળાને બે દિવસ પૂર્ણ થયા છે, અને મેળાના આકર્ષણરૂપ સાધુ, સંતો, મહંતો અને તપસ્વીઓ મેળાના પ્રારંભમાં ઓછી સંખ્યામાં આવ્યા હોવાથી ધુણાઓની સંખ્યાઓ ઘટી હતી પરંતુ ગઈકાલ સાંજથી મેળામાં સાધુઓની સંખ્યા વધી રહી છે. બીજી બાજુ જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં આવેલ ભવનાથ મંદિર સહિતના આશ્રમોને રોશનીથી શણગારવામાં આવ્યા છે, પરંતુ આ અલભ્ય નજારો લેવા માટે લોકો ની સંખ્યા નથી.
જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભવનાથ મંદિર, ભારતી આશ્રમ, અગ્નિ અખાડા, દસનામ જૂના અખાડા, ભારતી આશ્રમ, રુદ્ર ભારતી આશ્રમ સહિત ગૌરક્ષક આશ્રમ સહિતના આશ્રમ અને મંદિરોને રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા છે. દર વર્ષે શિવરાત્રિ દરમિયાન પવિત્ર અને ધાર્મિક સ્થળોને રોશનીથી શણગારવામાં આવે છે અને આ મંદિરો અને ધાર્મિક સ્થળો પણ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે, રાત્રીના સમયે આ નજારો માણવા લોકો મોટી સંખ્યામાં પહોંચે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે જૂનાગઢ શહેર સહિતના બહારગામથી આવતા ભાવિકો માટે પ્રવેશબંધી હોવાથી જૂનાગઢના ભવનાથ મેળાના સોમવારે બીજા દિવસે ગણ્યાગાંઠ્યા લોકો જ ભવનાથ ક્ષેત્રમાં જોવા મળી રહ્યા હતા, ગત રાત્રીના મેળામાં કરફ્યુ જેવું વાતાવરણ હતું.
જિલ્લા કલેક્ટરના જાહેરનામાના અનુસંધાને પોલીસ દ્વારા સખત બંદોબસ્ત યથાવત્ રાખવામાં આવ્યો છે અને ગિરનાર રોડ ઉપર આવેલ સ્મશાન ખાતે પોલીસ દ્વારા જૂનાગઢ શહેર તથા અન્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને અહીં ચેકપોસ્ટો પર જ રોકી દેવામાં આવે છે જેથી ભવનાથ ના મુખ્ય માર્ગો સુમસામ ભાસી રહ્યા છે.
આ સિવાય સ્મશાન ખાતે આરોગ્ય વિભાગ દ્વારા એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, અહીં ભવનાથમાં પ્રવેશ કરતા લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે, અને બાદમાં જ ભવનાથ ક્ષેત્રમાં પ્રવેશ આપવામાં આવે છે.
ટૂંકમાં કહીએ તો, ભવનાથ ક્ષેત્રમાં મેળાના દિવસો સિવાય જે શનિ, રવિ અને રજાના દિવસોમાં સ્થાનિક લોકો હજારોની સંખ્યામાં અહી ઊમટતા હોય છે તેની એક ટકો સંખ્યા પણ જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં દેખાતી નથી. સાધુ-સંતો માટે યોજાયેલા આ વખતના મેળામાં લોક ડાઉન જેવું વાતાવરણ છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી ભવનાથ ક્ષેત્રમાં સાધુ-સંતોની સાથે પોલીસ સ્ટાફે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.
શિવરાત્રીન મેળામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં સાધુ, સંતો, તપસ્વીઓ તથા નાગા સાધુઓ ધૂણા ધખાવીને અલખની હેલી જગાવવા આવતા હોય છે, પરંતુ આ વખતે પચાસ ટકાથી પણ ઓછી દિવ્ય મૂર્તિઓ મેળામાં આવી છે, જેને લઇને મેળામાં ધુણાની સંખ્યા પણ ઘટી છે.અને મુખ્ય આકર્ષણ ઓછું થયું છે. જોકે, સોમવાર બપોર બાદ સંતો, સાધુઓનું આગમન થવા લાગ્યું છે, અને ધીરે ધીરે મેળામાં સાધુ, સંતો, તપસ્વીઓ તથા નાગા સાધુઓની સંખ્યા વધશે.
ર વર્ષે રવેડી નો રૂટ ખૂબ જ લાંબો હોય છે અને આ રવેડીમાં લાખોની સંખ્યામાં સાધુ, સંતો, મહંતો, ભાવિક ભક્તજનો અને રાજકીય, સામાજિક અગ્રણીઓ જોડાતા હોય છે અને નાગાબાવા દ્વારા અંગ કસરતના ના પ્રયોગો થતા હોય છે.આ સિવાય રવેડીમાં ધ, પાલખી અને વિવિધ અખાડાના રથ જોડાઈ છે તે સિવાય બેન્ડ પાર્ટી, ડી.જે., ધૂન મંડળો પણ આ રેલીમાં સામેલ હોવાથી રવેડીની લંબાઈ જ લગભગ એકાદ કિલોમીટર જેટલી લાંબી હોય છે અને એ ભવનાથ મંદિર નજીકથી શરૂ થઈ આખા ભાવનાથ વિસ્તારના મુખ્ય માર્ગ પર ફરી દત્ત ચોક પાસેથી ફરી ભવનાથ મંદિરે પરત ફરે છે પરંતુ આ વખતે કોરોના ના કારણે સાધુઓની સંખ્યા પણ ઓછી હોય અને ભાવિકો પણ રવેડીના પ્રત્યેક્ષ દર્શન કરી શકવાના ના હોય, સંભવત રવેડીનો રૂટ ટૂંકાવામાં આવે તેવું મનાય રહ્યું છે. અને તેનો નિર્ણય શિવરાત્રીના દિવસે લેવાય તેવું જાણવા મળ્યું છે.