પશ્ર્ચિમથી ઉતર-પશ્ર્ચિમ તરફનો પવનવહેતા મહત્તમ તાપમાનમાં વધુ કોઈ ફેર નહીંપડે:
40 થી 42 ડિગ્રી તાપમાન રહેશે

સૌરાષ્ટ્રના વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે, જેમાં સાંજના સમયે વાદળછાયુ વાતાવરણ અને બપોર દરમિયાન અસહ્ય ગરમી ત્યારે ફરી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસ ફરી 30 થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને કચ્છમાં ભારે પવન સાથે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડશે. ત્યારે મંગળવારના રોજ જેતપુર, ધોરાજી, ભાયાવદર, ગોંડલ અને મોટાદડવામાં હળવો વરસાદ પડ્યો હતો. ત્યારે આગાહી પ્રમાણે પશ્ચિમથી ઉતર-પશ્ચિમ તરફનો પવન વહેતા મહત્તમ તાપમાનમાં વધુ કોઈ ફેર નહીં પડે અને તાપમાન 40 થી 42 વચ્ચે રહેશે.

મંગળવાર બપોરના 2 વાગ્યા આસપાસ શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી જોવા મળ્યું હતું. બીજી તરફ શહેરનું ન્યુનતમ તાપમાન 25.9 ડિગ્રી નોંધાયું હતું, અને હવામાં ભેજના પ્રમાણમાં પણ સતત વધઘટ થઇ રહી છે અને સવારના સમયે 79 ટકા અને સાંજના 21 ટકા ભેજનું પ્રમાણ હવામાં જોવા મળ્યું હતું. ત્યારે હવાની ગતિમાં પણ બદલાવ આવ્યો હતો અને સવારના 11 કિલોમીટર પ્રતિકલાક અને સાંજના 14 કિલોમીટર પ્રતિકલાક નોંધાઇ હતી. હવામાં ભેજનું પ્રમાણ વધઘટ થતા ગરમીમાં પણ સતત બદલાવ આવ્યો છે, પરંતુ યથાવત્ રીતે સાંજના સમયે ઠંડા પવનની પણ અનુભૂતિ લોકો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ બપોરના સમયે ગરમીની અનુભૂતિ પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.