આકાશમાં કાળા ડિંબાગ વાદળોનો જમાવડો જામે છે પણ વરસાદ પડતો નથી: હવે મોલાતને મેઘ મહેરની જરૂરિયાત
છેલ્લા દશેક દિવસથી આકાશમાં કાળા ડિંબાગ વાદળોનો જમાવડો જામે છે. વાતાવરણ મેઘાવી બને છે પરંતુ વરસાદ પડતો નથી. હવે મોલાતને મેઘ મહેરની જરૂરિયાત છે. ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને અમરેલી જિલ્લા હળવા ઝાપટા પડ્યા હતા. આજે સવારથી રાજકોટમાં મેઘાવી માહોલ છવાયો છે. વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના માત્ર 19 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ અર્ધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એકાદ પખવાડીયાથી મેઘ વિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળો બંધાય છે પરંતુ મેઘરાજા મહેર ઉતારતા નથી. હવે મોલાતને પણ વરસાદની જરૂરિયાત છે. મંગળવારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 11 મીમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત તાલાલા, ખાંભા, કોડિનાર, કેશોદ અને મહુવામાં હળવા ઝાપટા પડ્યા હતા. આજે સવારે રાજકોટમાં મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. હજી ત્રણથી ચાર દિવસ રાજ્યભરમાં ભારેથી અતિભારે અથવા સાર્વત્રિક વરસાદ પડે તેવી કોઇ જ સિસ્ટમ સક્રિય નથી. મોલાતને હવે વરસાદની તાતી જરૂરિયાત છે. જો એકાદ સપ્તાહમાં મેઘરાજાનો એકાદ સારો રાઉન્ડ આવે તો ધાનના ઢગલા ખડકાશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 80 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં 135.80 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.91 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.48 ટકા, સૌરાષ્ટ્રમાં 109.58 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 70.73 ટકા વરસાદ પડ્યો હતો.
ભચાઉમાં 2.4ની તીવ્રતાનો ભૂંકપ
રાજ્યમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે ત્યારે ગઈકાલે બપોરે કચ્છના ભચાઉથી 17 કિમી દૂર 2.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.
જો કે કચ્છમાં છેલ્લા 10 દિવસમાં 15થી વધુ આંચકા આવ્યા છે અને આ આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.