મંદિરના ગૌરવતા ઇતિહાસની લાઇટ એન્ડ સાઉન્ડ શો સ્વરુપે લોકો માટે ખુલ્લો મુકાયો
પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ નાં જન્મશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગોંડલના અક્ષર મંદિર ખાતે તીર્થરાજ અક્ષર દેરી અને અક્ષર મંદિરની નિર્માણ ગાથાનાં ગૌરવવંતા ઇતિહાસને ધ્વનિ અને પ્રકાશનાં અદ્ભૂત સંયોજન કરી “લાઈટ એન્ડ સાઉન્ડ શો” ની પ્રભાવક પ્રસ્તુતિને તા. 1 ડીસે.ને ગુરુવારના રોજ માગશર સુદ આઠમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં જન્મદિને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો. આ પ્રસંગે રામજી મંદિર, ગોડલના મહંત જયરામદાસજી મહારાજ, બાંદરા ધામ ઉગમ આશ્રમનાં મહંત 1008 મહામંડલેશ્વર ગોરધનબાપુ, ગોંડલ હવામહેલનાં કુમાર સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે જયરામદાસજી મહારાજ તથા ગોરધનબાપુએ અક્ષર દેરી અને અક્ષર મંદિરનાં મહિમાને પોતાના વક્તવ્યમાં વર્ણવ્યો હતો. તેમજ સમાજમાં મંદિરનું શું પ્રદાન હોય છે તે અંગે પણ સમજાવ્યું હતું. આ અવસરે સારંગપુર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી જ્ઞાનેશ્વર સ્વામીએ પ્રાસંગીક ઉદ્દબોધન કરી મંદિરની નિર્માણ ગાથાને વર્ણવી હતી. કાર્યક્રમનાં અંતે પધારેલાં તમામ અતિથી તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો માં પોતાનું પ્રદાન આપનાર તમામનું શાલ ઓઢાડી અને હારતોરા દ્વારા જ્ઞાનેશ્વર સ્વામીએ સન્માન કર્યું હતું.
આ તકે બહોળી સંખ્યામાં હરિભકતો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં.તા: 2 ડિસે. નાં રોજ ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ તેમજ અન્ય કર્મચારીઓ અને અન્ય શ્રેષ્ઠીઓએ ખાસ ઉપસ્થિત રહી ઠાકોરજીનું પૂજન-આરતી કરી ત્યારબાદ “લાઇટ એન્ડ સાઉન્ડ” શોની પ્રભાવક પ્રસ્તુતિને નિહાળી હતી.