દ્વારકાધીશ સોસાયટીમાં વધુ એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું
લાલપુરના જુની હવેલી શેરીમાં ભાડેથી રાખેલા જજના મકાનમાં બે દિવસ પહેલા કોઇ અજાણ્યા શખ્સોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર ત્રાટકીને રોકડા બે હજારની ચોરી કરીને નાશી છુટ્યાની ફરીયાદ ગઇકાલે નોંધાવવામાં આવી હતી,
બીજા બનાવમાં લાલપુરની દ્વારકાધીશ સોસાયટીમાં કર્મકાંડનું કામ કરતા વિપ્ર યુવાનના મકાનના નકુચા તોડી શર્ટના ખિસ્સામાંથી ૨૨૦૦ની ચોરી થયાનું બહાર આવ્યું છે. લાલપુર પંથકમાં બે સ્થળે રોકડની ચોરી થતા પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે.
જામનગર, શહેર, જીલ્લામાં ઘરફોડ, વાહન ચોરીના બનાવો ગત અઠવાડીયામાં બહાર આવ્યા બાદ લાલપુરમાં જજના મકાનમાંથી ચોરીનો બનાવ સામે આવતા ચકચાર વ્યાપી છે, જાણવા મળતી વિગત મુજબ લાલપુર કોર્ટના મેજીસ્ટ્રેટ એચ.એમ. કાજીના જુની હવેલી શેરીમાં ભાડેથી રાખેલા મકાનમાં તા.૨૧થી ૨૨ના સમયગાળામાં કોઇ અજાણ્યો શખ્સ ડેલો ટપીને અંદર મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. રૂમમાં ટેબલના ખાનામાં પડેલા રોકડા બે હજારની ચોરી કરીને તસ્કર નાશી છુટ્યો હતો
આ અંગેની વિગતો ગઇકાલે બહાર આવતા કોર્ટના પટ્ટાવાળા અને લાલપુર દરબારગઢ સરકારી વસાહતમાં રહેતા રજનીકુમાર રસિકભાઇ તરૈયા દ્વારા અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી. જજના મકાનમાંથી રોકડની ઉઠાંતરી થતા નાગરીકોમાં અનેક ચર્ચાઓ સાથે રોષની લાગણી ફેલાઇ હતી.
બીજા બનાવમાં લાલપુરના મુરીલાના વતની અને હાલ દ્વારકાધીશ સોસાયટી પ્લોટ નં.૨૯/૦૭ ખાતે રહેતા અને કર્મકાંડનું કામ કરતા નિરમેશ રમણિકભાઇ ભટ્ટના રહેણાંક મકાનમાં બે દિવસ પહેલા કોઇ અજાણ્યો શખ્સ ડેલા તથા મુખ્ય દરવાજાના નકુચા તિક્ષ્ણ હથિયાર વડે તોડીને અંદર પ્રવેશી ફરીયાદીના શર્ટના ખિસ્સામાં રાખેલા ા.૨૨૦૦ની ચોરી કરીને લઇ ગયો હતો. આ અંગે અજાણ્યા શખ્સની વિરુધ્ધ ફરીયાદ કરવામાં આવતા ઉપરોક્ત બંને બનાવ અંગે લાલપુરના પીએસઆઇ પી.વી. રાણા, ખોડુભા સહિતના સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.