લોકલ ટ્રેન વ્યવહારની સાથે સાથે ૧૭ ફલાઈટ ડાયવર્ટ, ભારે વરસાદને પગલે ટ્રાફિકજામ, ઠેર-ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા, આજે ભારે વરસાદની આગાહી
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં ૧૫૦થી ૧૮૦ મીમી વરસાદ થયો છે અને આજે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન લોકોને ઘરની બહાર ન નીકળવા અને સમુદ્ર કિનારે ન જવા સલાહ અપાઈ છે. ખરાબ મોસમના કારણે અત્યાર સુધીમાં કુલ ૧૭ ફલાઈટ રદ્દ ફલાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. મહાલક્ષ્મી એકસપ્રેસ બદલાપુર અને વાંગની સ્ટેશનો વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જતા ટ્રેન ફસાઈ ગઈ છે અને તેમાં ફસાયેલા ૨૦૦૦ મુસાફરોની બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ રવાના થઈ ચૂકી છે.
મહત્વનું છે કે ઠેર-ઠેર પાણી ભરાતા હોવાને કારણે લોકલ ટ્રેન વ્યવહારને પણ ભારે અસર થઈ છે. મુંબઈના જુદા જુદા વિસ્તારો પરેલ, દાદર, વડાલા, કુર્લા, સાવન, તિલકનગર, અંધેરી, ગોરેગાંવ, મલાડ, ખાર, સાન્તાક્રુઝ અને કોલાબામાં નિચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. સાન્તાક્રુઝમાં ૮ ઈંચ જ્યારે કોલાબામાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૦૫માં પણ મુંબઈમાં ભારે વરસાદને પગલે અતિવૃષ્ટિ થઈ હતી અને ઘણા બધા મુંબઈકર આ અતિવૃષ્ટિનો ભોગ બન્યા હતા. હવામાન ખાતાની આગાહી પ્રમાણે મુંબઈકરોને હજુ વરસાદથી રાહત મળવાનો કોઈ અણસાર નથી. વરસાદનું જોર મજબૂત હોવાના કારણે આવનાર ૪૮ કલાકમાં ઉત્તર કોંકણ વિસ્તારમાં ભારે વરસાદ થવાની શકયતા છે.
ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે રાજ્યમાં હવાઈ યાત્રાને પણ ભારે અસર થઈ છે. હવામાન ખાતાએ મુંબઈનાં કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.