- અરિહંત સિધ્ધ દોનો ખડે… કિસકો લાગુ પાય
- જીવન જીવવાની જડીબુટ્ટી બતાવે અને મૃત્યુને પણ મહોત્સવ બનાવી દે તે ગુરૂ
- ગુરૂપૂર્ણિમા અવસરે ‘અબતક’ દ્વારા જૈન દર્શન અને ગુરૂનું મહત્વ વર્ધમાન મહિલા મંડળ તથા પારસ નિર્મળ જ્ઞાન મહિલા મંડળના બહેનો ચિંતનથી માહિતીગાર કર્યા
ગુરૂપૂર્ણિમાં અવસરે અબતક દ્વારા જૈન દર્શન અને ગુરૂનું મહત્વ રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળા સંચાલિત વર્ધમાન મહિલા મંડળ તથા પારસ નિર્મળ જ્ઞાન મહિલા મંડળના ઉત્સાહી બહેનો દિવ્યાબેન સંઘવી, દેવ્યાનીબેન પારેખ, ઈન્દિરાબેન ઉદાણી સાથે મનોજ ડેલીવાળા ચિંતનથી ગુરૂ મહિમાથી માહિતગાર કર્યા ગુરૂ શુહ છે અને મનુષ્યના જીવનમાં ગુરૂનો મહિમા શું છે ગુરૂએ જીવન તો સુધારે છે સાથે સાથે મૃત્યુ પણ મહોત્સવ બનાવી દે છે. ગુરૂ જીવન જીવવાની સાચી દિશા બતાવે છે. દેવ, ગુરૂ અને ધર્મ આ ત્રિતત્વમાં દેવ અને ધર્મની જોડતી મજબુત સાંકળ જો કોઈ હોય તો એ ગુરૂ જ છે.
દેવ,ગુરુ અને ધર્મ આ ત્રિતત્વમાં દેવ અને ધર્મની જોડતી મજબુત સાંકળ જો કોઈ હોય તો એ ગુરુ રહેલા છે..
વિશ્વ વંદનીય તારક તીથઁકર પરમાત્માએ ગુરુનું મહત્વ બતાવતાં જૈનાગમ ઠાણાંગ સૂત્રમાં ફરમાવ્યુ કે ઉપકારી ગુરુદેવનો ઉપકાર જીવનમાં કદી વાળી શકાતો નથી.
જૈન શાસ્ત્રોમાં ગુરુ પૂર્ણીમાં દિવસનો સ્પષ્ટ ઉલ્લેખ કયાંય વાંચવા મળતો નથી,પરંતુ આગમમાં પરમાત્માએ ઠેર – ઠેર ગુરુની મહત્તા બતાવેલ છે.ગુરુ એ સાચો રાહ બતાવનાર ભોમિયા સમાન છે.નમસ્કાર મહા મંત્ર – પંચ પરમેષ્ઠિ નવપદમાં સિદ્ધ ભગવંતો મોક્ષમાં બીરાજે છે,છતાં પ્રથમ નમસ્કાર અરિહંત પદને કરવામાં આવે છે કારણ કે અરિહંતો જ સિદ્ધ પદ સુધી પહોંચાડનાર પથદર્શક રહેલા છે.એટલે જ મનોજ ડેલીવાળા કહે છે કે……
અરિહંત સિદ્ધ દોનો ખડે,
કિસ કો લાગુ પાય,
બલિહારી ઉપકારી અરિહંત કી,
જિસને સિદ્ધ દિયે મિલાય.
જૈન દર્શનમાં ગુરુ દક્ષિણા એટલે કે શિષ્ય ગુરુને દક્ષિણારૂપે કાંઈ અર્પણ કરતાં હોય તેવો ઉલ્લેખ આવતો નથી પરંતુ ગુરુની આજ્ઞા ” આણાએ ધમ્મો ” અર્થાત્ આજ્ઞા એજ ધર્મ છે તેવો નિર્દેશ છે.
ગુરુ આજ્ઞામાં જેનું જીવન તહેત્ત…તેની મુક્તિ હાથવેંત.
જૈનોના ગુરુદેવ કદી કોઈને આશીર્વાદ પણ આપે નહીં કે શ્રાપ પણ આપે નહીં. તેઓ તો સદા અનંતી કૃપા વરસાવતા હોય છે કે જલ્દી – જલ્દી દરેક જીવાત્માઓ મોક્ષના શાશ્ર્વતા સુખોને પ્રાપ્ત કરે.
સંસારીઓ કદી હીત વગર હેત કે પ્રીત કરતાં નથી જયારે ગુરુ ભગવંતો નિસ્વાર્થ ભાવે
” તિન્નાણં – તારયાણં ”
અર્થાત્ સ્વયં તરે અને પરીચયમાં આવનાર દરેકને ભવ સાગરથી તારનાર બને છે.
અનંત ઉપકારી પ્રભુ મહાવીરે પોતાની અંતિમ દેશના શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ગુરુ વિશે જે ઉલ્લેખ કરેલ છે,ચાલો તેનું ચિંતન,મનન કરીએ.
ઈંગીયાગાર સંપન્ને એટલે કે શિષ્ય ગુરુના ઈશારા તથા સંકેતને સમજી કાર્ય કરતાં હોય તેને વિનીત શિષ્ય કહેવાય છે.( અ.1 ગાથા 2).
ના પુઠ્ઠો વાગરે કિંચિ એટલે કે વિનીત શિષ્ય ગુરુને પૂછ્યા વિના કંઈ પણ બોલે નહીં.( અ.1 ગાથા 14).
મમ લાભો ત્તિ પેહાએ એટલે કે ગુરુ કોમળ કે કઠોર વચનથી શિખામણ આપે તો શિષ્ય એમ સમજે કે આ મારા લાભ માટે જ છે.( અ.1 ગાથા 27).
સાહૂ કલ્લાણ મન્નઈ…
ગુરુની શિખામણ હિતકારી માને ( અ.1 ગાથા 39).
પસન્ના લાભઈસ્સંતિ એટલે કે ગુરુ પ્રસન્ન થાય એટલે શિષ્યને શ્રુત જ્ઞાનરૂપી સંપત્તિ આપે.( અ.1 ગાથા 46).
વસે ગુરુકુલે…
શિષ્યોએ સદા ગુરુ આજ્ઞા રહેવું. ( અ.11 ગાથા 14 ).
તુભ્ભે ધમ્માણ પારગા…
હે ગુરુ ભગવંત આપ જ ધર્મના પારંગત છો.( અ.25 ગાથા 38).
તસ્સેસ મગ્ગો ગુરુ વિદ્ઘસેવા
એટલે કે ગુરુજન આદિની સેવા એ મોક્ષ માર્ગછે.( અ.32 ગાથા 3).
શ્રી દશ વૈકાલિક સૂત્રના વિનય સમાધિ ” નામના અધ્યયન 9 ગાથા 7 માં કહ્યું છે કે ગુરુની હીલના કે અશાતા કરનારનો કદી મોક્ષ થતો નથી.આ જ અ.ની 11 મી ગાથામાં ચિંતનનીય વર્ણન આવે છે કે કદાચ ગુરુની પહેલાં શિષ્યને અનંત જ્ઞાન સંપન્ન કે કેવળજ્ઞાન થઈ જાય તો પણ કેવળજ્ઞાની શિષ્યે છદ્દમસ્થ ગુરુનો વિનય,ભક્તિ,સેવા સંપૂર્ણ સમર્પણ ભાવે કરવા જોઈએ.
આ બાબતમાં મૃગાવતી તથા ચંદનબાળાની કથા સુપ્રચલિત છે.
ગુરુ એ તો જીવન શિલ્પી છે.
પ્રભુ મહાવીર અને ગૌતમ ગણધરની ગુરુ – શિષ્યની બેનમૂન તથા અજોડ જોડી હતી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર હોય કે શ્રી ભગવતી સૂત્ર પ્રભુને પ્રશ્ર્ન પૂછવામાં આવે એટલે પ્રભુના મુખારવીંદથી શબ્દ નીકળે હે..ગોયમા( ગૌતમ) સંબોધન કરી પછી પ્રશ્ર્નનું સમાધાન આપે.
ખૂદ ત્રિલોકીનાથના શ્રી મુખે શિષ્યનું નામ આવે તેનાથી વિશેષ બીજું શિષ્યને શું જોઈએ ?
પ્રસન્ન થયેલ ગુરુદેવ શિષ્યોને શ્રુત સંપત્તિ તથા આચાર સંપત્તિ પ્રદાન કરે છે,જેનાથી શિષ્યો આત્મિક લક્ષ્મીને પ્રાપ્ત કરી મોક્ષ પદને વરે છે.
સાધનાના ક્ષેત્રમાં સદ્દગુરુનું મહત્વ સર્વોપરી માનવામાં આવે છે.જૈન દર્શનમાં ગુરુને ભગવંતની ઉપમા આપી નવાજવામાં આવેલ છે.
ગુરુ વિના જીવન અધુરૂ,ગુરુથી જીવન બને મધુરૂ.પ્રતિક્રમણના પ્રથમ પાઠનો પ્રથમ શબ્દ
” ઈચ્છામિણં ભંતે ” એટલે હે ગુરુ ભગવંત !
આપની આજ્ઞા લઈ આવશ્યક સૂત્ર, પ્રતિક્રમણ કરુ છું. ગુરુ ભગવંતની આજ્ઞા વિના શિષ્ય એક પણ કાર્ય કરે નહીં.ગુરુ કયારેક પ્રત્યક્ષ હાજર ન હોય છતાં પણ દરેક કાર્ય કરતાં પહેલાં અરે ! માંગલીક ફરમાવતાં પહેલાં પણ ગુરુદેવની આજ્ઞા એમ પ્રગટ પણે ઊચ્ચારણ કરીને માંગલીક ફરમાવતાં હોય છે.