લીફટ આપી બાઈક ચાલકે બળાત્કાર અને સૃષ્ટિ વિરુઘ્ધનું કૃત્ય આચર્યું ‘તું
ગોંડલ તાલુકાના મોવિયા ગામે સાડા છ વર્ષ પૂર્વે દિવ્યાંગ સગીરાને લીફટ આપી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુઘ્ધનું કૃત્ય આચરનાર શખ્સ વિરુઘ્ધ ગોંડલની અદાલતમાં કેસ ચાલી જતા ન્યાયાધીશે આરોપીને આજીવન કેદની સજાનો હુકમ
કર્યો છે.
વધુ વિગત મુજબ ગોંડલ તાલુકાના મોવીયા ગામમાં રહેતી ભોગ બનનાર અપંગબાળા અને તેની માતા મધુબેન રમેશભાઈ ગોહિલ તા.૨૪/૧૦/૧૩ના રોજ વાડીએથી ખેતી કામ કરી ઘરે આવતા હતા. દિવ્યાંગ સગીરાને મોટર સાયકલમાં ઘરે મુકીને જવાનું કહી ખેંગાર બીજલે બાળાને મોટર સાયકલ પાછળ બેસાડી ખેંગાર બીજલ પોતાના ઘરનાં રૂમમાં પુરી દિવ્યાંગ બાળા સાથે બળાત્કાર તેમજ સૃષ્ટિ વિરુઘ્ધનું કૃત્ય કરેલું અને ભોગ બનનારને દસ રૂપિયા આપી તેમજ કહેલ કે આ વાત કોઈને કહેતી નહીં તેમ કહી ભોગ બનનારને તેના ઘરે મોકલી દીધેલી જેથી ભોગ બનનારે બનાવની વાત તેની માતા ઉર્મિલાબેનને કરેલી જેથી ઉર્મિલાબેને ખેંગાર બીજલ ભરવાડ સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી.
સદર ગંભીર બનાવમાં ખેંગાર ભરવાડની ધરપકડ કરવામાં આવેલી અને ત્યારબાદ આ કામના આરોપી સામે કલમ-૩૭૬,૩૭૭ મુજબના ગંભીર ગુનાની ચાર્જશીટ કરવામાં આવેલ. સેશન્સ અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલે સરકાર તરફે દસ્તાવેજી પુરાવો અને ૧૪ સાહેદો તપાસવામાં આવેલા અને સેશન્સ અદાલતે મુખ્યત્વે ભોગ બનનાર દિવ્યાંગોની અને તેની માતાની તબીબની તેમજ અન્ય સાહેદોની જુબાની પુરાવામાં ગાહય રાખી અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ આરોપી ખેંગાર ભરવાડને ગંભીર ગુનામાં તકસીરવાન ઠરાવી સેશન્સ જજ જે.એન.વ્યાસે આજીવન કેદની સજાનો હુકમ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયા રોકાયેલા હતા.