પ્રેમ પ્રકરણના પ્રશ્નેયુવકનું અપહરણ કરી કણકોટ ગામ પાસે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો‘તો
શહેરના લક્ષ્મીનગરના યુવાનનું ચાર વર્ષ પૂર્વે પ્રેમ-પ્રકરણના મામલે માલવિયા ચોક પાસેથી અપહરણ કરી મવડી રોડ નજીક કણકોટ પાસે એન્જીનીયરીંગ કોલેજ પાસે લુંટ ચલાવી છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવ્યાના બનાવમાં કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે આરોપી બંને ભાઈને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના લક્ષ્મીનગર-૧માં રહેતા સંજય દામજીભાઈ સોઢા નામના યુવાનનું ગત તા.૨૯/૬/૨૦૧૪ના રોજ માલવિયા ચોક નજીક સમાધાનના બહાને બોલાવી મવડીના કણકોટ ગામે આવેલી સરકારી એન્જીનીયરીંગ કોલેજ ખાતે અપહરણ કરી મોબાઈલ અને એકસેસની લુંટ ચલાવી છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવ્યાના બનાવમાં મૃતકના ભાઈ પ્રવિણભાઈ સોઢાની ફરિયાદ પરથી ગોંડલ રોડ નજીક આવેલા લોહાનગરમાં રહેતા કિશન દિલીપ ગતીયા અને કાનો દિલીપ ગતીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ભાઈ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસે બંને ભાઈની ધરપકડ કરી પ્રાથમિક પુછપરછમાં મૃતક સંજય સોઢા અને આરોપી કિશન ગતીયા બંને એક યુવતીના પ્રેમમાં રોષ આપી બંને વચ્ચે ચાલતી માથાકુટમાં મૃતક સંજયને સમાધાનના બહાને બોલાવી અપહરણ કરી મોતને ઘાટ ઉતારી લુંટ ચલાવ્યાની કબુલાત આપી હતી.
તપાસ પૂર્ણ થતા તપાસનીશ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી અને કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજુઆત બાદ સરકાર પક્ષ દ્વારા કરાયેલી ધારદાર દલીલો તથા તપાસનીશ અધિકારીનો રીપોર્ટ તેમજ આરોપીની ઓળખ પરેડમાં મૃતકના પત્નીએ બંને આરોપીઓને ઓળખી બતાવેલ તેમજ પંચનામામાં છરી કબજે લીધી છે તથા આરોપીના કપડા પર મૃતકના લોહીના નિશાન મળી આવેલા જે તમામ દલીલો ધ્યાને લઈ અધિક સેશન્સ જજ એચ.બી.ત્રિવેદીએ બંને શખ્સોને આજીવન કેદની સજાના હુકમ કર્યા છે.આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ દિલીપભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.