ચકચારી કેસમાં પોકસો કોર્ટનો ચૂકાદો: તરુણીને દેહવિક્રયનાં ધંધામાં ધકેલનાર માતા અને મદદગારી કરનાર બહેનને પણ સાત-સાત વર્ષની સજા
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી એક તરુણીને દેહવિક્રયના ધંધામાં ધકેલી દેવા તેમજ ગેંગરેપ અંગેના ચકચારી કેસમાં જામનગરની પોકસો અદાલતે ભોગ બનનારની માતા અને તેની મોટી બહેન સહીત આઠ આરોપીઓને તકસીરવાન ઠરાવ્યા પછી આજે તરુણીની માતા તથા બહેનને સાત સાત વર્ષની જેલ સજા ઉપરાંત ગેંગ રેપ પ્રકરણમાં જામનગરના ઉઘોગપતિ ભાવેશ સાયાણી સહીત છ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
આ કેસની વિગત એવી છે કે, જામનગર લાલવાડી વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાની સગી પુત્રીને ડરાવી ધમકાવી વૈશ્યવૃતિના ધંધામાં ધકેલી દીધી હતી. જેમાં તરુણીની મોટી બહેને પણ મદદગારી કરી હતી. આ ઉપરાંત તરુણી સાથે ગેંગરેપ આચરવા અંગે જામનગરના અગ્રણી ઉઘોગપતિ ભાવેશ સાયાણી ઉપરાંત રણજીતસિંહ ખુમાનસિંહ જાડેજા, બસીર હસન, અકબર ગુલામ, વિનોદ હરીભાઇ અને કિરણ જેરામભાઇ વગેરે છ આરોપીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
સને ૨૦૧૬માં સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા આ ગુન્હાનો કેસ જામનગરની પોકસો અદાલત સમક્ષ ચાલી જતાં સરકારી વકીલની દલીલો જુદી જુદી અદાલતના ચુકાદાઓ તબીબની જુબાની ૧૦ સાક્ષીઓ અને પ૦ થી વધુ દસ્તાવેજી પુરાવાઓ વગેરે ઘ્યાનમાં લઇને પોકસો અદાલતે તરુણીની માતા અને બહેન ઉપરાંત અન્ય છ પુરુષ આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા હતા. જેનો ચુકાદો આજે જાહેર કરાયો છે. જેમાં તરુણીની માતા અને બહેનને સાત સાત વર્ષની જેલ સજા, જયારે અગ્રણી ઉઘોગપતિ ભાવેશ સાયાણી સહીત અન્ય છ પુરુષ આરોપીઓને જીવે ત્યાં સુધી એટલે કે આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં સરકાર તરફે વકીલ એ પી પી કોમલબેન ભટ્ટ રોકાયા હતા.