- સ્પે. પી.પી. અનિલભાઇ દેશાઇ દ્વારા કરવામાં આવેલી દલીલ અને પુરાવા ધ્યાને લેતી સેશન્સ કોર્ટ
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે 10 વર્ષ પૂર્વે ભાજપ અગ્રણી અને કાઠી બંધુની હત્યાના ચકચારી બનાવનો કેસ સાવરકુંડલાની અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે 9 આરોપીઓને આજીવન કેદનો અને 20 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ લીલીયા તાલુકાના ગુંદરણ ગામે સરકારી ગોડાઉન પાસે તારીખ 30 /11 /13 ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ ના અગ્રણી , ભાજપના અગ્રણી અને ભરતભાઈ પવનભાઈ કુમાર અને અજીતભાઈ પવનભાઈ ખુમાણ નામના બંને ભાઈઓ ઉપર બંદૂક તલવાર ધારીયા અને કુહાડી વડે મામદ નુર મહંમદ દલ ઇમરાન મહમદ દલ ખાલીદ મામદ દર સલીમ અબ્દુલ દલ ,હકીમ નુરમામદ દલ,દિન મોહમ્મદ ભીખુ દલ, યુનુસ મનુ લાખાપોટા, સુમાર અબ્દુલ દલ ,ઉસ્માન નૂરમહંમદ દલ અને ઈસ્માઈલ ઉર્ફે મુન્નો યુસુફ લાખાપોટા સામે લીલીયા પોલીસ મથકમાં દકુભાઈ ગીગાભાઈ જેબલીયાએ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી બાદ રાજ્ય સરકાર દ્વારા આ ચકચારી કેસમાં સૌરાષ્ટ્રના સિનિયર ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ નિમણુક કરવામાં આવી હતી.તેમજ આ કામનાં પકડાયેલ વિરૂધ્ધ પુરતો પુરાવો હોય જેથી પોલીસ ધ્વારા લીલીયાના જયુડી. મેજી. કોર્ટમાં આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કરેલા કેસ સેશન્સ કોર્ટમાં કેસ કમીટ કરેલો.ત્યારબાદ સૌપ્રથમ લીલીયા પોલીસ સ્ટેશનનું જયુરીડીક્શન અમરેલી સેશન્સ કોર્ટનું હોય જેથી કેસ ત્યાં કમીટ કરેલ અને ત્યાં અમુક મહત્વના સાહેદોની જુબાનીઓ લેવામાં આવેલો. ત્યારબાદ સાવરકુંડલા ખાતે એડી. સેશન્સ કોર્ટની સ્થાપના થતાં આ કેસ સાવરકુંડલાની એડી. સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર થયેલ અને બાકી રહેતો પુરાવો ત્યાં નોંધવામાં આવેલ. જેમાં મહત્વના પુરાવા તરીકે ફરીયાદી, નજરે જોનાર સાહેદ, પંચ સાહેદો, એફ.એસ.એલ. અધિકારી તથા પોલીસ ઓફીસરોની જુબાનીઓ લેવામાં આવેલ. આમ, સમગ્ર પુરાવો પુરો થતાં સ્પે. પી.પી. તથા મુળ ફરીયાદી તરફે એડવોકેટએ દલીલો કરેલી અને જણાવેલ કે ફરીયાદી તથા નજરે જોનાર સાહેદો બનાવને સમર્થન આપે છે આરોપીઓ પાસેથી જે હથિયારો રીકવરી અને ડીસ્કવરી કરવામાં આવેલા છે.
જે મહત્વનો મુદામાલ એફ.એસ.એલ. કચેરી બને પૃથ્થકરણમાં ગયેલ તેમાં પણ બનાવની હકીકતને સમર્થન મળે છે. જેથી ભારપુર્વક આરોપીઓને ખુનના ગુન્હામાં તકસીરવાન ઠરાવવા રજુઆત કરેલ અને સર્વોચ્ચ અદાલત તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકી આરોપીઓને સજા કરવા અરજ કરેલ. આમ, ઉપરોકત દલીલોને ધ્યાનમાં લઈ સાવરકુંડલાના એડી. સેશન્સ જજ ડી. એસ. શ્રીવાસ્તવ દ્વારા આરોપીઓ મામદભાઈ નુરમામદભાઈ દલ, ખાલીદભાઈ મામદભાઈ દલ, સલીમભાઈ અબ્દુલભાઈ દલ, હકીમભાઈ નુરમામદભાઈ દલ, દિનમહંમદ ભીખુભાઈ દલ, યુનુસભાઈ મનુભાઈ લાખાપોટા, સુમારભાઈ અબ્દુલભાઈ દલ, ઉસ્માનભાઈ નુરમામદભાઈ દલ, ઈસ્માઈલ ઉર્ફે મુન્નો યુનુસભાઈ લાખાપોટાને તકસીરવાન ઠરાવવામાં આવેલ. આ કામમાં સરકાર વતી સ્પે.પી.પી. અનિલભાઈ દેસાઈ તથા મુળ ફરીયાદી વતી એડવોકેટ નિતેશ કથીરીયા રોકાયેલ હતા.