જામનગરના સમર્પણ સર્કલ પાસે આવેલી દ્વારકાધીશ હોટલ પાન નામની દુકાને છ વર્ષ પહેલા હાજર બે દુકાનદારોએ ચા-પાન કરવા આવેલા નવ વ્યક્તિઓ પાસે પૈસા માગતા તે બાબત અને અગાઉની અદાવતના કારણે નવેય શખ્સોએ બન્ને દુકાનદારો પર હથિયારો સાથે હુમલો કરી તેઓની હત્યા નિપજાવી હતી.
ડબલ મર્ડરના કેસમાં અદાલતે નવેનવ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. જામનગરના ઈતિહાસમાં હત્યા કેસમાં નવ આરોપીઓને સજા થઈ હોય તેવો પ્રથમ કિસ્સો નોંધાવા પામ્યો છે. અગાઉ કલ્યાણપુરના મર્ડરમાં સાત આરોપીઓને સજા થવા પામી હતી.
જામનગરના સમર્પણ હોસ્પિટલ નજીકના સર્કલ પાસે હોટલ ધરાવતા ઘેલુભાઈ અરજણભાઈ ભાટિયા અને જગદીશભાઈ જેસાભાઈ આંબલિયા નામના બે આહિર યુવાનો ગઈ તા.૩-૧-૨૦૧૨ના દિવસે પોતાની હોટલે હાજર હતા ત્યારે ત્યાં આવેલા ચંદ્રેશ મનસુખ ઉર્ફે ચંદુ ગોહિલ, જગદીશ મનસુખ ગોહિલ, અજય બાબુ ગોહિલ, અર્જુન કનૈયાલાલ ઉર્ફે રંગો, રસીક માધુભાઈ પરમાર, વિજય કાંતિ રાઠોડ, શ્રીચંદ ત્રિજન રાઠોડ તથા મુન્ના રાજા ઉર્ફે મનોજ સોલંકી અને વિનોદ રાજન રાઠોડ નામના નવ શખ્સોએ ચા-પાણી પીધા પછી પાન-મસાલા લીધા હતા.
ત્યાર પછી ઘેલુભાઈ અને જગદીશભાઈએ આ શખ્સો પાસે તેના પૈસા માગતા ઉપરોક્ત શખ્સો તલવાર, છરી, ગુપ્તી, પાઈપ અને ધોકા વડે તૂટી પડયા હતા. આ હુમલામાં ગંભીર ઈજા પામેલા ઘેલુભાઈનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે જગદીશભાઈને ગંભીર ઈજા થતા હાયર સેન્ટર ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું પણ મૃત્યુ થયું હતું.
આ બનાવની પોલીસમાં નેભાભાઈ ચેતરિયાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ હુમલામાં ઘવાયેલા જગાભાઈનું પણ નિવેદન નોંધ્યા પછી આઈપીસી ૩૦૨, ૩૦૭, ૧૪૭, ૧૪૮ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતા આરોપીઓ પૈકીના બે આરોપીઓની ઓળખ થવા પામી હતી.
જ્યારે બાકીના આરોપીઓને ઓળખ પરેડમાં રજૂ કરાતા ઈજાગ્રસ્ત સહિત નજરે જોનાર સાક્ષી, તબીબો, તપાસ કરનાર પોલીસ અધિકારી અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટને તપાસવામાં આવ્યા હતા. ઉપરાંત વૈજ્ઞાનિક દસ્તાવેજી પુરાવા અને અન્ય પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.
આરોપી તરફથી રોકાયેલા વકીલે ફરિયાદી સહિતના વ્યક્તિઓની લાંબી ઉલટ તપાસ પણ કરી હતી તેમ છતાં સરકાર તરફથી રોકાયેલા પી.પી. અને મૂળ ફરિયાદી તરફથી રોકાયેલા વકીલે ધારદાર દલીલો કરવાની સાથે સુપ્રિમ કોર્ટ સહિતની ઉચ્ચ અદાલતોના વીસ કેસના રેફરન્સ રજૂ કર્યા હતા તેમજ આ હુમલો ચા-પાનના પૈસા આપવા ઉપરાંત જૂની અદાવતના કારણે કરવામાં આવ્યો હોવાની દલીલો કરવામાં આવી હતી.
બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી પાંચમા એડી. ન્યાયમૂર્તિ અશોક શર્માએ નવેનવ આરોપીઓને તકસીરવાન ઠરાવી તેઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં સરકાર તરફથી એડી. પી.પી. કોમલબેન ભટ્ટ તથા મૂળ ફરિયાદી તરફથી સિનિયર ધારાશાસ્ત્રી વી.એચ. કનારા રોકાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com