જામનગરના ગોકુલનગરમાં એક પરિણીત શખ્સે પોતાની પ્રેમિકાને પામવા માટે ત્રણ વર્ષ પહેલા પ્રેમિકા સાથે મળી પત્નીને ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસ થયા પછી હકીકત ઉજાગર થઈ હતી. પોલીસે તે શખ્સ તથા તેની પ્રેમિકાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા અર્જુન એપાર્ટમેન્ટમાં રહેતા જયેશ કરશનભાઈ રાવલિયા નામના શખ્સના પત્ની નયનાબેન ત્રણેક વર્ષ પહેલા પોતાના ઘરે હતા ત્યારે બાથરૂમમાં અકસ્માતે લપસી પડતા તેઓને ગંભીર ઈજા થઈ છે તેવી વાત સાથે જયેશભાઈએ બેશુદ્ધ રહેલા નયનાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં ફરજ પરના તબીબે નયનાબેનને મૃત્યુ પામેલા જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઉપરોક્ત બનાવની જાણ થતા દોડી ગયેલી પોલીસ સમક્ષ જયેશના પિતા કરશનભાઈ પબાભાઈ રાવલિયાએ નિવેદન આપી તેમાં જણાવ્યું હતું કે, પોતાના પુત્રવધૂ નયનાબેન અકસ્માતે બાથરૂમમાં પડી જતાં મૃત્યુ પામ્યા છે. જ્યારે મૃતક નયનાબેનના પિતા ભીખાભાઈ વેજાણંદભાઈ બેરાએ પોતાની પુત્રીને જમાઈ જયેશ તથા તેની પ્રેમિકા સોનલ ભંડેરીએ મોતને ઘાટ ઉતારી દીધી છે તેવી ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ હાથ ધરાતા ખૂલેલી વિગત મુજબ જયેશ રાવલિયાને નજીકના જ વિસ્તારમાં રહેતી સોનલ પ્રદીપભાઈ ભંડેરી નામની યુવતી સાથે પોતે પરિણીત હોવા છતાં પ્રેમ થઈ જતાં જયેશ તથા સોનલે પોતાના સંબંધમાં આડખીલી બનતી જયેશની પત્ની નયનાને બાથરૂમમાં લઈ જઈ, ગળાટૂંપો આપી મારી નાખી હોવાની વિગત ખૂલી હતી. પોલીસે બન્ને વ્યક્તિઓની નયનાબેનની હત્યાના ગુન્હામાં ધરપકડ કરી ચાર્જશીટ કર્યું હતું.
ઉપરોક્ત કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ન્યાયમૂર્તિ કે.આર. રબારી સમક્ષ ચાલવા પર આવ્યા પછી સરકાર તરફથી રોકાયેલા પી.પી.એ સમગ્ર બનાવની ચેઈન સાબિત કરી હતી તેમજ બનાવના સમયે બન્ને આરોપીઓની સ્થળ પર હાજરી હોવાનું સાહેદોની જુબાની પરથી પુરવાર કર્યું હતું. ઉપરાંત આરોપીના મ્હોં પર ઉજરડાના રહેલા નિશાનો અને મેડિકલ પુરાવાથી પણ મૃતકનું મૃત્યુ માથામાં કોઈ ઈજા થવાથી નહીં પરંતુ ગળું દબાવવાથી, શ્વાસ રૃંધાઈ જવાના કારણે થયું હોવાનું સાબિત કરતા અદાલતે આરોપી જયેશ કરશનભાઈ તથા સોનલ પ્રદીપ ભંડેરીને હત્યાના ગુન્હામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે. સરકાર તરફથી એડી. પી.પી. ધર્મેન્દ્ર એ. જીવરાજાણી તથા મૂળ ફરિયાદી તરફથી કે.બી. બગડા રોકાયા હતા.