જુગાર રમવાના રૂ.૫૦ ન આપતા પરિણીતાને કેરોસીન છાંટી જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી’તી
ગોંડલ તાલુકાના લીલાખા ગામે ૨૨ માસ પૂર્વે જુગાર રમવાના પૈસા આપવાની ના પાડતા પત્નીને જીવત સળગાવી અને મોતને ઘાટ ઉતારવાના બનાવના ગુનાનો કેસ ગોંડલની સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે ડી.ડી.માનીને મૃતકના પતિને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ ગોંડલ તાલુકાના લીલાખા ગામે તા.૪/૮/૧૬ના રોજ દશામાનું વ્રત હોય અને ભારતીબેન ઘરમાં હતા ત્યારે તેના પતિ દિનેશ નાનજીભાઈ સોલંકી ઘરે આવી જુગાર રમવા જવું છે તેમ કહી ભારતીબેન પાસે પચાસ રૂપિયા માંગેલા અને ભારતીબેને પૈસા દેવાની ના પાડતા પતિ દિનેશ નાનજીએ ભારતીબેન સાથે મારકુટ કરેલી અને ભારતીબેન ઉપર કેરોસીન છાંટેલ અને વ્રતનો દીવો ચાલુ હોય તે દીવા વડે ભારતીબેનને દીનેશે સળગાવી નાખેલા અને બાદ ભારતીબેનને સળગતી હાલતમાં સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલા. ભારતીબેને પોતાના પતિ દિનેશ નાનજી સોલંકી વિરુઘ્ધ ફરિયાદ લખાવેલી. ભારતીબેને મામલતદારને પોતાનું મરણોન્મુખ નિવેદનમાં લખાવેલું અને સારવારમાં ભારતીબેનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. ભારતીબેનના પતિ દિનેશ નાનજીભાઈ સોલંકી વિરુઘ્ધ ભારતીય દંડ સહિતાની કલમ-૩૦૨ મુજબનો ગુન્હો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરવામાં આવેલો.
સદર ગંભીર બનાવનો ગુન્હો દાખલ થયા બાદ પોલીસે આરોપી દિનેશ નાનજીભાઈ સોલંકીની ધરપકડ કરી તપાસ પૂર્ણ થયા બાદ ગોંડલ તાલુકાના પી.એસ.આઈ એ.એલ.મહેતાએ ગુજરનાર ભારતીબેનનું મરણોન્મુખ નિવેદન મેળવી કોર્ટમાં ચાર્જશીટ કરેલું ત્યારબાદ ઉપરોકત કેસ સેશન્સ અદાલત ગોંડલ ખાતે કમીટ થતા સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલા અને ત્યારબાદ સરકાર તરફે ૧૫ સાહેદો તપાસવામાં આવેલા અને મુખ્યત્વે ગુજરનાર ભારતીબેનનું મરણોન્મુખ નિવેદન અદાલતે ધ્યાને લઈ તેમજ સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ આરોપી દિનેશ સોલંકીને કલમ-૩૦૨ના ગંભીર ગુન્હામાં તકસીરવાન ઠરાવી સેશન્સ જજ જે.એન.વ્યાસે આજીવન કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલો છે.