સ્કોર્પીયોમાં ઘસી આવેલા અજાણ્યા શખ્સોએ હોસ્પિટલ અને મકાનમાં કરી તોડફોડ: ડોકટરની ડીગ્રી અંગે કોર્પોરેશન દ્વારા તપાસ
કુવાડવા રોડ પર આવેલી લાઇફ કેર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલના તબીબ સહિત ત્રણ સામે હોસ્પિટલના કર્મચારીને માર મારી અપહરણનો ગુનો નોંધાયો છે. બીજી તરફ સ્કોર્પીયોમાં ઘસી આવેલા અજાણ્યા શખ્સોએ હોસ્પિટલ અને મકાનમાં તોડફોડ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે અપહરણ અને તોડફોડ અંગેનો ગુનો નોંધી ચોક્કસ ઇરાદા સાથે ડોકટરને ટારગેટ બનાવવા કર્મચારીના અપહરણનું તરકટ કરાયું છે કે ડોકટર ખરેખર બોગસ ડીગ્રી ધરાવે છે અને અપહરણમાં સંડોવાયા છે તે અંગે પોલીસ તપાસ હાથધરી છે.
મુળ સુત્રાપાડાના પ્રાસલી ગામના વતની અને કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાઇફ કેર હોસ્પિટલમાં ફરજ બજાવતા મયુર રાજાભાઇ મોરીને કારમાં બેસાડી ડોકટર શ્યામ રાજાણી અને રાજુ તેમજ અન્ય એક શખ્સ માર મારતા હોવા અંગેનો વીડિયો વાયરલ થતા પ્રાસલી ગામના સરપંચ તળશીભાઇ ગોવિંદભાઇ જાદવે બી ડિવિઝન પોલીસમાં અપહરણ અંગેનો ગુનો નોંધ્યો છે.
બી ડિવિઝન પોલીસે ડો.શ્યામ રાજાણી સહિત બેની અટકાયત કરી મયુર મોરીની ભાળ મેળવવા પૂછપરછ હાથધરી છે. મયુર મોરીને માર માર્યાનો વીડિયોમાં સ્પષ્ટ રીતે શ્યામ રાજાણી દેખાય છે પણ તેના અપહરણમાં પોતાની સંડોવણી ન હોવાનું અને પોતાને ચોકકસ ટારગેટ સાથે અપહરણની ઘટનામાં ફસાવવામાં આવ્યાનું પોલીસને જણાવી રહ્યા છે.
મયુર મોરી ભેદી રીતે લાપતા બન્યાની ઘટના અંગે તેની માતા રાજકોટ દોડી આવી હતી પણ અપહરણની ફરિયાદ ગામના સરપંચ તળશીભાઇ જાદવે નોંધાવવા પાછળ પણ કેટલીક શંકા ઉદભવતી હોવાનું જણાઇ રહ્યું છે. બીજી તરફ હોસ્પિટલમાં તોડફોડ કરનાર શખ્સો અંગે પણ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે ત્યારે કેટલાક શખ્સો પોલીસ તપાસને ડાયવર્ડ કરવા પ્રયાસકરતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.