સ્માર્ટ સિટી પ્રોજેકટને ધ્યાનમાં લઈ લેવાયેલો નિર્ણય: રાજય સરકારનું હકારાત્મક વલણ, વિધાનસભામાં ખરડો લાવવા મુખ્યમંત્રી સાથે ચર્ચા: થેલેસેમિયાના દરરોજ ૧૦૦ ટેસ્ટ કરવાનો નિર્ધાર
કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને મહાનગરપાલિકા રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટે એન.જી.ઓ. તરીકે પ્રોજેકટ ‘લાઈફ’ અને લાઈફ બ્લડ સેન્ટર જેવી સેવાકીય પ્રવૃતિના હેતુથી કાર્યરત સામાજીક સંસ્થાએ રાજકોટને થેલેસીમિયા મુકત કરવાનું બીડુ ઝડપ્યું છે અને એ દિશામાં કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. લાઈફ બ્લડ સેન્ટર-પ્રોજેકટ ‘લાઈફ’નાં જોઈન્ટ એક્ઝિકયુટીવ ટ્રસ્ટી મીતલ કોટિચા શાહના જણાવ્યા અનુસાર, રાજકોટને થેલેસીમિયા મુકત કરવા માટેના પ્રયાસો ૨૦૧૮નાં વર્ષમાં કરવામાં આવશે. જેના માટે પ્રારંભિક તબકકે રોજના એકસો જેટલા થેલેસીમિયા ટેસ્ટ કરવામાં આવશે. આ માટે શાળા-કોલેજો ઉપરાંત લગ્ન માટે ઈચ્છુક લોકો માટે પરિચયમેળા ગોઠવતી સંસ્થાઓનો સહયોગ પણ લેવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, થેલેસીમિયાએ કોઈ રોગ નથી પરંતુ એક વારસાગત રકતવિકાર છે. થેલેસીમિયામાં દર્દીને થાક લાગવો, શ્ર્વાસ ચડવો, ચહેરામાં ફિકાશ, શરીરનો ધીમો વિકાસ જેવા લક્ષણો જોવા મળે છે. તે ઉપરાંત સૌથી મહત્વનું એ છે કે દર્દી (થેલેસીમિયા મેજર)નો જીવનકાળ ૨૦ વર્ષથી વધુ નથી. પતિ-પત્ની બન્ને માયનોર હોય ત્યારે તેમના બાળકોમાં થેલેસીમિયા મેજર થવાની પુરી શકયતા રહે છે. લાઈફ બ્લડ સેન્ટર દ્વારા ૨૦૧૮નાં વર્ષમાં વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
થેલેસીમિયા ટેસ્ટ ફરજિયાત કરવાની દિશામાં પણ ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી રહી છે. જેના તબકકે અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશ્યન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (આપી)ના ટ્રસ્ટી અને પરીખ વર્લ્ડવાઈડ મીડિયાના ચેરમેન અને પબ્લિશર ડો.સુધીર પરીખ સાથેની મુલાકાત દરમિયાન લગ્નવયે પહોંચેલા ગુજરાતનાં તમામ યુવક અને યુવતીઓ માટે થેલેસીમિયા-પરીક્ષણ ફરજિયાત કરવા માટે વિધાનસભામાં બિલ લાવી, કાયદો કરવા અપીલ કરવામાં આવી હતી. થોડા સમય પૂર્વે પ્રોજેકટ ‘લાઈફ’નાં એકિઝકયુટીવ ટ્રસ્ટી ચંદ્રકાન્તભાઈ કોટિચા અને અમેરિકાથી આવેલા ડો.સુધીર પરીખ ગાંધીનગર ખાતે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળ્યા હતા અને આ સંદર્ભે ચર્ચા કરી હતી.
પ્રોજેકટ ‘લાઈફ’ દ્વારા થેલેસીમિયા ટેસ્ટ ફરજિયાત કરવા માટે વિધાનસભામાં ખરડો લાવવાનું સુચન મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રીએ પણ આ દિશામાં સરકાર હકારાત્મક હોવાનું જણાવ્યું હતું. પ્રોજેકટ લાઈફ દ્વારા આ બાબતે વડાપ્રધાન કાર્યાલય સુધી પણ રજુઆત કરવામાં આવી છે. લાઈફ બ્લડ સેન્ટર દ્વારા ૨૦૧૮નાં વર્ષમાં થેલેસીમિયા નાબુદી માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. વિવિધ સ્કૂલ-કોલેજોમાં સેમિનાર, પરીક્ષણ કેમ્પ, સ્લોગન કોમ્પિટીશન વગેરે હાથ ધરવામાં આવશે. લાઈફ બ્લડ સેન્ટર દ્વારા લોકોને આ જનજાગૃતિ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે લાઈફ બ્લડ સેન્ટર, ૨૪-વિજય પ્લોટ, બોમ્બે ગેરેજની સામે, ગોંડલ રોડ, રાજકોટનો સંપર્ક કરવા જણાવાયું છે.