પ્લાઝમા થેરાપી એટલે માનવતાની ચેઈન સાજા થયેલા દર્દી બીજાને સાજા કરી શકે છે
કોરોનાની રસી શોધવા માટે દેશ અને દુનિયાના વિજ્ઞાનીઓ રાત-દિવસ એક કરી રહ્યા છે અને તેના પરિણામો પણ આવશે પરંતુ અત્યારે કોરોનાના સંક્રમિત દર્દીને સાજા કરવા માટે પ્લાઝમાં આપવા જરૂરી છે પરંતુ આ દિશામાં હજુ લોકો વધુ જાગૃત નહીં હોવાથી દર્દીઓનો રીકવરી રેશિયો ઓછો જોવા મળે છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલ અને લાઈફ બ્લડ સેન્ટરને પ્લાઝમાં કલેકટ કરવાની અને દર્દીને ઈસ્યુ કરવાની પરવાનગી મળી છે પરંતુ અત્યાર સુધીમાં માત્ર દોઢ ડઝન લોકોએ જ પ્લાઝમાં ડોનેટ કર્યા છે. લાઈફ બ્લડ સેન્ટરના ડો.સંજીવ નંદાણીના જણાવ્યા અનુસાર કોરોના પોઝીટીવ દર્દી સાજા થયા પછી જો પ્લાઝમાં ડોનેટ કરે તો એ પ્લાઝમાં બીજા સંક્રમિત દર્દીને આપીને તેને સાજા કરી શકાય છે. હાલ ૧૨૧૫ લોકો સાજા થઈ ગયા છે. જો આ સાજા થયેલા વ્યકિત પોતાના પ્લાઝમાં ડોનેટ કરે તો તે બીજા દર્દી માટે આશીર્વાદરૂપ સાબિત થાય તેમ છે.
ડો.નંદાણીએ વધુમાં જણાવ્યું છે, કે પ્લાઝમાં થેરાપી અંતર્ગત વ્યકિત કોરોનાથી મુકત થયાના ૨૮ દિવસ પછી પ્લાઝમાં આપી શકે છે અને તેની વય ૧૮ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ. પ્લાઝમાં થેરાપી માટે બહુ કોઈ મોટી પ્રક્રિયા કરવામાં આવતી નથી. આ પ્લાઝમાં એફેરેસીસ પઘ્ધતિથી મેળવવામાં આવે છે અને આ પ્રક્રિયામાં ૪૦ મિનિટ જેટલો સમય લાગે છે. આ થેરાપી અંતર્ગત કોરોનામાં સાજા થયેલા દર્દીમાંથી એન્ટીબોડી મેળવવામાં આવે છે અને આ એન્ટીબોડીથી કોરોનાગ્રસ્ત દર્દીને સાજા કરી શકાય છે. આ થેરાપીના સારા પરિણામો પણ મળ્યા છે અને દર્દી ઝડપથી સાજા થાય છે. લાઈફ બ્લડ સેન્ટરના જ ડો.નીશીથ વાછાણીએ કહ્યું હતું કે, આ થેરાપીમાં જરા પણ જોખમ નથી. પ્લાઝમાં ખાસ કરીને વેન્ટીલેટર પર રહેલા દર્દી માટે સંજીવની સાબિત થઈ શકે છે. પ્રોજેકટ લાઈફ સંસ્થાના જોઈન્ટ એકઝીકયુટીવ ટ્રસ્ટી મીતલ કોટીચા શાહે કહ્યું છે કે, પ્લાઝમાં ડોનેટ કર્યા પછી માત્ર ૭૨ કલાકમાં જ વ્યકિતના શરીરમાં પ્લાઝમાં પ્રોટીન બનવા લાગે છે એટલે કોઈ વ્યકિતએ આ દિશામાં પણ ડર રાખવાની જરૂર નથી.
લાઈફ બ્લડ સેન્ટર આ કોરોના કાળમાં પણ ચોવીસેય કલાક લોકોની રકતની જરૂરીયાત પુરી પાડવા માટે કાર્યરત રહી છે અને અનેક લોકોને રકત પુરુ પણ પડયું છે. આ બ્લડ બેંક એન.એ.બી.એચ.થી પ્રમાણિત છે અને અત્યાધુનિક મશીનરી મારફત રકતનું પરીક્ષણ કર્યા પછી જ રકત આપવામાં આવે છે. વધુ વિગત માટે લાઈફ બ્લડ સેન્ટર, ૨૪ વિજય પ્લોટ, જે.કે.હીરો હોન્ડાના શોરૂમની પાછળ, ગોંડલ રોડ, રાજકોટનો (૦૨૮૧૨૨૩૪૨૪૨/ ૮૫૧૧૨ ૨૧૧૨૨) સંપર્ક કરવા જણાવાયું છે.