સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.૧૩.૮૨ કરોડના વિકાસ કામોને બહાલી: વોર્ડ નં.૧૦માં બનતા કોમ્યુનિટી હોલમાં ઈલેકટ્રોનીકસ કામના ટેન્ડરમાં ભાવ ઉંચા લાગતા નિર્ણય

રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.૧૩.૮૨ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. ૪૪ પૈકી ૪૩ દરખાસ્તોને મંજુરીની મહોર મારવામાં આવી હતી. જયારે વોર્ડ નં.૧૦માં નવા બની રહેલા કોમ્યુનિટી હોલમાં ઈલેકટ્રોનીકસ કામનો કોન્ટ્રાકટ આપવા માટે પ્રસિઘ્ધ કરવામાં આવેલા ટેન્ડરમાં ઉંચા ભાવો લાગતા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૬માં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે અત્યાધુનિક લાયબ્રેરી બનાવવા રૂ.૪.૬૭ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં.૬માં ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે ટીપી સ્કીમ નં.૮ના ફાઈનલ પ્લોટ નં.૨૧૯ના ૧૫૮૬ ચો.મી.વિસ્તારમાં અત્યાધુનિક લાયબ્રેરી બનાવવા માટે રૂ.૪.૬૭ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. ૪૩૩૪ ચો.મી.ના બાંધકામ આ લાયબ્રેરીમાં કરવામાં આવશે. લાયબ્રેરીમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર કવર્ડ પાર્કિંગ, યોગા રૂમ, માટે અલગ-અલગ ટોઈલેટ, સિકયોરીટી રૂમ, પ્રથમ માળે રીશેપ્સન રૂમ, લગેજ રૂમ, વાંચનાલય, કોન્ફરન્સ રૂમ, ડીજીટલ લાયબ્રેરી, બીજા માળે વાંચનાલય, સ્ટાફ રૂમ, વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે અલગ-અલગ ખાસ વાંચનાલય રૂમ, ત્રીજા માળે વાંચનાલય, મલ્ટી મીડિયા રૂમ, પાણી રૂમ, લીફટ જેવી અત્યાધુનિક વ્યવસ્થા હશે. લાયબ્રેરીનું એલીવેશન કલરફુલ અને આકર્ષક રહેશે. સંપૂર્ણ લાઈટ અને પંખાની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરના અલગ-અલગ પાંચ રાજમાર્ગો પર સેન્ટર એલઈડી લાઈટીંગ કરવા માટે રૂ.૧.૧૭ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. જેમાં વોર્ડ નં.૧૮માં કોઠારીયામાં સ્વાતી પાર્ક મેઈન રોડ પર, ઢેબર રોડ સાઉસ્ત્રી નેશનલ હાઈવે સુધી, વોર્ડ નં.૩માં સાધુ વાસવાણી કુંજ રોડ, વોર્ડ નં.૭માં ટાગોર રોડ પર હેમુગઢવી હોલથી વિરાણી ચોક સુધી અને વોર્ડ નં.૧૧/૧૨માં અંબિકા ટાઉનશીપ પુલથી સર્વોદય સ્કુલ સુધીના રસ્તા પર ૧૨૬ નંગ એલઈડી સહિત પાંચેય રાજમાર્ગો પર ૫૬૪ નંગ એલઈડી લાઈટ ફિટ કરવામાં આવશે. શહેરના વોર્ડ નં.૧૦માં એસ.એન.કે. સ્કુલ પાસે નવા બનતા કોમ્યુનિટી હોલના ઈલેકટ્રોનિક કામ માટે પ્રસિઘ્ધ કરવામાં આવેલા ટેન્ડરમાં ૨૫ ટકા જેવી તગડી ઓન આવતા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૪૪ પૈકી ૪૩ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી અને રૂ.૧૩.૮૧ કરોડના વિકાસ કામો મંજુર કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.