- કુમકુમના પગલા પડયા માડીના હેત ઢળ્યા જોવા લોક ટોળે વળ્યા રે, માડી તારા આવવાના એંધાણ થયા
- ખ્યાતનામ કલાકારો રાસની રમઝટ બોલાવશે
- ગ્રાઉન્ડમાં 2 લાખ વોટની હાઈટેક સાઉન્ડ સિસ્ટમ, એલઈડી સ્ક્રીન, સીસીટીવી કેમેરા સિકયોરીટી સહિતની સુવિધા ઉપલબ્ધ
- અબતકની મુલાકાતમાં જીતુભાઈ સોરઠીયા અને જયેશભાઈ સોરઠીયાએ જાજરમાન નવરાત્રી મહોત્સવની આપી વિગતો
મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રીની આગમનની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં કંઈક નોખા અનોખા અંદાજ સાથે શ્રી લેઉવા પટેલ સોશિયલ ગ્રુપ મવડી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ-2024 માં આ વર્ષે અર્વાચીન સાથે પ્રાચીન સંસ્કૃતિના સમન્વય સાથે પારિવારિક વાતાવરણમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ‘અબતક’ની મુલાકાત આવેલા શ્રી લેઉવા પટેલ સોશિયલ ગ્રુપ મવડીના ચેરમેન જીતુભાઈ સોરઠીયા, પ્રમુખ જયેશભાઈ સોરઠીયા, મનસુખભાઈ વેકરીયા, મૌલિકભાઈ સોરઠીયા અને રાજુભાઈ સોરઠીયા શ્રી લેઉવા પટેલ ગ્રુપના ભવ્ય આયોજનની આપતા જણાવ્યું હતું કે
લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ-મવડી આયોજિત નવરાત્રી મહોત્સવ બીજા રીંગરોડ ઉપર પાટીદાર ચોકમાં ખેલૈયાઓ ધૂમ મચાવશે અને લાખેણા ઇનામો જીતશે.
રાજકોટ શહેરમાં શ્રી લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ મવડીના સ્થાપનાના એક દાયકામાં સમૂહ લગ્ન,વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન સમારોહ જેવી સફળ સામાજિક પ્રવૃત્તિઓ સાથે આ વર્ષે નવરાત્રી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાટીદાર સમાજ સાથે સર્વ સમાજની બહેનો પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લેશે. આ આયોજન આગામી તારીખ: 3 થી 11 ઓક્ટોબર સુધી દરરોજ રાત્રે 9:00 થી 12:00 વાગ્યા સુધી પારિવારિક માહોલમાં ઉજવાશે.
આ આયોજનમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે 2 લાખ વોટની હાઇટેક સાઉન્ડ સિસ્ટમ, ગ્રાઉન્ડમાં એલઈડી સ્ક્રીન તેમજ મહેમાનો માટે વીવીઆઈપી બેઠક વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, દાતાઓ માટે અલગથી રિઝર્વ ગજીબા તેમજ દર્શકો માટે સુંદર બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડમાં લાઈટ ડેકોરેશન, સીસીટીવી કેમેરા તેમજ મેઇન સ્ટેજ પાછળ વિશાળ એલઈડી લગાડવામાં આવેલ છે.તદુપરાંત શહેરની ખ્યાતનામ ગોકુલ હોસ્પિટલ દ્વારા મેડિકલ ઇમરજન્સીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે વિશાળ પાર્કિંગ સુવિધા છે.
સલામતીના ભાગરૂપે ફાયર સિસ્ટમ ટાઈટ સિક્યુરિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મા નવદુર્ગાના આધ્યાત્મિક પર્વની ઉજવણી હોય દરરોજ માતાજીની આરાધના આરતી કરી આ નવલી નવરાત્રીની શરૂઆત કરવામાં આવશે.
આ આયોજનમાં દરરોજ સિનિયર તથા જુનિયર કેટેગરીમાં તેમજ વેલ ડ્રેસ કેટેગરીમાં ઈનામોની વણઝાર કરવામાં આવશે. છેલ્લે દિવસે મેગા ફાઈનલ રમાડવામાં આવશે તેમજ આ સાથે સેલ્ફીઝોન અને ફૂડ ઝોનનું ખાસ આકર્ષણ રહેશે. આ ઇવેન્ટનું દરરોજ લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
આ આયોજનમાં દરરોજ સિનિયર તથા જુનિયર કેટેગરીમાં તેમજ વેલ ડ્રેસ કેટેગરીમાં ઇનામોની વણઝાર કરવામાં આવશે. છેલ્લે દિવસે મેગા ફાઈનલ રમાડવામાં આવશે તેમજ આ સાથે સેલ્ફીઝોન અને ફૂડ ઝોનનું ખાસ આકર્ષણ રહેશે. આ ઇવેન્ટનું દરરોજ લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપના મવડીના આ આયોજનને સફળ બનાવવા ચેરમેન જીતુભાઈ સોરઠીયા, પ્રમુખ જયેશભાઈ સોરઠીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય મનસુખભાઈ વેકરીયા મૌલિક સોરઠીયા, જયેશભાઈ મેઘાણી, ડી.કે પટેલ , સંજયભાઈ ખૂટ , રાજુભાઈ સોરઠીયા, લલીતભાઈ સાવલિયા, વિજયભાઈ મેઘાણી, ગંગાદાસ ભાઈ ગજેરા, મિલનભાઈ મેનપરા, પ્રવિણભાઇ ગજેરા તેમજ સોશ્યલ ગ્રુપના 100 થી વધુ સ્વયંસેવકોની ટીમ છેલ્લા એક માસથી જહેમત ઉઠાવી રહી છે.
લેઊવા પટેલ સોશ્યલ ગ્રુપના ચેરમેન જીતુભાઈ સોરઠીયા દ્વારા પોતાના ખર્ચે આશરે 250 ગંગા સ્વરૂપ બહેનોને પણ દર મહિને ₹1200 ની કિંમતની રાશન કીટ છેલ્લા બે વર્ષથી આપવામાં આવે છે.આ તકે આ નવરાત્રી મહોત્સવને સમગ્ર વિસ્તારમાંથી ખૂબ જ આવકાર મળી રહ્યો છે.
બીજાનું ભલું કરવાનું વિચારે એ અમારા મિત્ર: જીતુભાઇ સોરઠીયા
માનવ સેવા અને સમાજમાં ગરીબ જરૂરિયાત મંદોની સેવામાં 24 કલાક જાગતા રહેતા જીતુભાઈ સોરઠીયાએ જણાવ્યું હતું કે લેઉવા પટેલ સોશિયલ ગ્રુપ ના સેવા અને ધર્મ સંબંધી આયોજનમાં સેવા માટે લોકો હમેંશા તત્પર રહે છે. અમે દરેકને ન્યાય મળે તેની ચીવટ રાખીએ છીએ અમારા મન બીજાનું ભલું કરવાનો વિચાર કરનાર અમારો મિત્ર ગણાય છે, માનવસેવા અને પરોપકારના કામ માટે તત્પર રહેનારને અમે હંમેશા મિત્ર માનીએ છીએ. તેમ જણાવી જીતુભાઈ કે કહ્યું હતું કે નવરાત્રીના આયોજન હોય કે સમાજની સેવા અમે હંમેશા સેવાને મહત્વ આપીએ છીએ.
સેવાને સીમાડા હોતા નથી પરિવારના સંસ્કારો જીવંત રાખવા માટે મે સેવાનો માર્ગ પસંદ કર્યો છે. સેવા માટેની તત્પરતા આજે દરેકમાં હોય છે. અમે દરેક સેવાભાવનાથી આવનાર કાર્યકરોને માન આપીએ છીએ અને તેને અનુરૂપ કામ આપીએ છીએ. અમારા આયોજનમાં ખેલૈયાઓની સાથેસાથે કાર્યકરોને પણ સેવાનો પુરો સંતોષ મળે તેવી અમે ખેવના કરીએ છીએ તેમ જીતુભાઇએ જણાવ્યું હતું.
લેઉવા પટેલ સોશિયલ ગ્રુપ મવડીના નવરાત્રી મહોત્સવમાં સુરક્ષા સાથે અદ્ભુત વ્યવસ્થાનો સમન્વય : જયેશભાઇ સોરઠીયા
શ્રી લેઉવા પટેલ સોશિયલ ગ્રુપ મવડી દ્વારા તારીખ 3 થી 12 ઓક્ટોબર સુધી સાંજે 9:00 થી 12:00 પાટીદાર ચોક મવડી કણકોટ રોડ પિરામિડ પાર્ટી પ્લોટની સામે આયોજિત નવરાત્રી મહોત્સવ-2024 માં 5000 ખેલૈયાઓ એક સાથે આધુનિક ડીજે સિસ્ટમ અને વડોદરાની જેમ જ આસમાનમાં ગોઠવેલા ઇલેક્ટ્રોનિક સમીયાણામાં પ્રસિદ્ધ કલાકારોના તાલે ગરબે ઘૂમશે. આ આયોજનમાં આધુનિક રાસોત્સવમાં પ્રાચીન પરંપરા સાથે સમન્વય સાધવામાં આવ્યો છે. આ રાસોત્સવમાં માતાજીના નવે નવ રૂપની સ્થાપના કરવામાં આવી છે. દરરોજ માતાજીના પાઠ કરવામાં આવશે. અર્વાચીન વ્યવસ્થાની સાથે સાથે સુરક્ષા માટે પૂરતો સિક્યુરિટી સ્ટાફ અને બાઉન્સરો સાથે ફાયર સેફટીની પણ વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું જણાવી મુખ્ય આયોજક જયેશભાઈ સોરઠીયા આ રાસોત્સવને મૂળભૂત સાંસ્કૃત્તિકના જતન સાથેનો રાસોત્સવ ગણાવ્યો હતો.