૧૮મી સપ્ટેમ્બરે ભૂમિપૂજન સમારોહ, દાતાઓનું સન્માન, સ્ટેજ કાર્યક્રમ, ભોજન પ્રસાદનું આયોજન:બે તબકકામાં બાંધકામ પૂર્ણ થશે, પ્રથમ ચરણમાં રૂમ, બેન્ક્વેટ હોલ, ડોરમેટ્રી હોલ અને ભોજનાલય બનશે
શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટના માધ્યમથી સોમનાથમાં અતિઆધુનિક કક્ષાના અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવશે. આ અતિથિ ભવનનું ભૂમિપૂજન તા.૧૮ સોમવારના રોજ થશે. આ પહેલા ૧૭મીએ સાંજે સોમનાથ મંદિરમાં ભવ્યથી ભવ્ય ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
શ્રી લેઉવા પટેલ અતિથિ ભવન વેરાવળ-સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ જણાવ્યું હતુ કે સોમનાથમાં અતિઆધૂનિક અતિથિભવનનું નિર્માણનું સ્વપ્ન જોનાર લેઉવા પટેલ સમાજના માર્ગદર્શન નરેશભાઈ પટેલના નેતૃત્વમાં ભૂમિપૂજન ૧૮મી સપ્ટેમ્બરને સોમવારે સવારે ૮ કલાકે જાણીતા ઉદ્યોગપતિ તુલસીભાઈ તંતીના હસ્તે કરવામાં આવશે. સમારોહના અધ્યક્ષ તરીકે નિરમા ગ્રુપના પદ્મ કરશનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હાજર રહેશે. જયારે સમારોહના ઉદઘાટક તરીકે ગોવિંદભાઈ ધોળકીયા, લાલજીભાઈ પટેલ, વસંતભાઈ ગજેરા,લવજીભાઈ ડાલીયા, સવજીભાઈ ધોળકીયા, મથુરભાઈ સવાણી, ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પૂર્વ ઉડ્ડયનમંત્રી પ્રફુલભાઈ પટેલ, સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ કોંગ્રેસસિધ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી. ફળદુ, ગુજરાત. મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, કાર્યકારી પ્રમુખ કોંગ્રેસ પરેશભાઈ ધાનાણી સહિતના સમાજના ટ્રસ્ટીઓ, આગેવાનો ઉપસ્થિત રહેશે.
વેરાવળ બાયપાસ તાલાલા ચોકડીથી આગળ હોટલ સુગર એન્ડ સ્પાઈસની બાજુમાં વેરાવળ સોમનાથ ખાતે લેઉવા પટેલ સમાજ અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવશે. જેના ભૂમિપૂજન પ્રસંગે સવારે ૯.૩૦ કલાકથી સ્ટેજ કાર્યક્રમનો પ્રારંભ થશે. દાતાઓનું સન્માન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બપોર ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારબાદ બપોરે ૧ થી ૪ દરમ્યાન ભવ્ય લોકડાયરો યોજાશે. લોકડાયરામાં કલાકારો અલ્પાબેન પટેલ, યોગીતાબેન પટેલ, બ્રીજરાજદાન ગઢવી અને મનસુખભાઈ ખીલોરીવાળા હશે.
લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન અતિઆધુનિક અને અતિઆધુનિક કક્ષાનું બનાવવામાં આવશે. અંદાજે ૧ લાખ સ્કવેર ફૂટનું બાંધકામ થશે. બાંધકામ બે તબકકામાં કરવામાં આવશે. પ્રથમ ચરણમાં ‚મ, બેન્કવેટ હોલ અને ભોજનાલયનું નિર્માણ કરવામાં આવશે.
બીજા તબકકામાંકલબ હાઉસ, સ્વીમીંગ પુલ, થીયેટર, પાર્ટીલોન્સ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. અતિઆધૂનિક કક્ષાનું ભવન હોવા છતા અતિથિઓને વ્યાજબી ભાવે રહેવાની સગવડ મળશે.