કાયમી બેન્ચ માટે કાયદામાં સુધારો લાવવો પડે અને સરકીટ બેન્ચ માટે રાજયપાલની મંજુરી જરૂરી: સૌરાષ્ટ્રમાં નવા પાંચ જિલ્લાના ઉમેરા સાથે ઉદ્યોગિક અને શૈક્ષિણીક વિકાસના કારણે હાઇકોર્ટ જરૂરીયા અંગે બાર એસોસિએશન પ્રમુખ સંજય વ્યાસની વિસ્તૃત રજૂઆત
સૌરાષ્ટ્ર માટે રાજકોટને હાઇકોર્ટની કાયમી બેન્ચ ફાળવવા માટે છેલ્લા ૧૯૮૩માં થયેલા આંદોલનથી અત્યાર સુધી ચાલી રહેલી લડત અંગેની વિસ્તૃત વિગતો સાથેનો પત્ર બાર એસોસિશનના પમુખ સંજય વ્યાસે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.
૧૯૬૦ પહેલા સૌરાષ્ટ્ર રાજય અલગ હતુ ત્યારે રાજકોટમાં હાઇકોર્ટ કાર્યરત હતી તે મહારાષ્ટ્રમાંથી છુટા પડી ગુજરાત રાજયની રચના થતા રાજકોટની હાઇકોર્ટ બેન્ચ છીનવાઇ ગયા બાદ સૌરાષ્ટ્ર માટે ફરી હાઇકોર્ટ બેન્ચ મેળવવા સમયાંતરે રજૂઆત અને આંદોલન થયા છે. ૧૯૮૩માં જબરજસ્ત આંદોલન થયું હતું તેના પગલે સુપ્રિમ કોર્ટના નિવૃત જજ પાલેકરની કમિશન તરીકે નિમણુંક કરી હતી અને ૧૯૮૫માં તેઓએ રાજકોટને સર્કીટ બેન્ચ આપી શકયા તેવી કાયદાકીય જોગવાઇ અંગેનો અભિપ્રાય આપ્યો હતો. તેમજ છતાં હજી સુધી રાજકોટને હાઇકોર્ટ બેન્ક કે સર્કીટ બેન્ચ મળી નથી. રાજકોટને હાઇકોર્ટ બેન્ચ ફાળવવા અંગે રાજયસભાના સાંસદ લલિતભાઇ મહેતાએ રાજયસભામાં ખાનગી બીલ લાવી માગણી કરી હતી. પરંતુ તે અંગે સરકારે કાયદામાં સુધારો લાવવાની હૈયાધારણા આપતા બીલ પાછુ ખેચી લીધુ હતુ. હજી સુધી હાઇકોર્ટ અંગે કાયદામાં સુધારો લાવવાની કોઇ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી નથી. દેશના બંધારાણની જોગવાઇ મુજબ દરેક રાજય માટે એક હાઇકોર્ટની જોગવાઇ કરવામાં આવી છે. બોમ્બે રિ ઓર્ગેનાઇઝેશન એકટની કલમ ૨૮ (૩) મુજબ હાઇકોર્ટના ચીફ જસ્ટીશ અને રાજયપાલની મંજુરીથી રાજકોટને સર્કીંટ બેન્ચ ફાળવી શકાય તેવી જોગવાઇ છે. મહારાષ્ટ્રમાં મુંબઇ ખાતે હાઇકોર્ટની કાયમી બેન્ચની સાથે નાગપુરમાં પણ કાયમી બેન્ચ કાર્યરત છે તે રીતે કાયદામાં જ‚રી સુધારો કરી રાજકોટને પણ કાયમી હાઇકોર્ટ બેન્ચ મળી શકે તેમ હોવાનું પત્રમાં જણાવ્યું છે. થોડા સમય પૂર્વે જ પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, બોટાદ અને દેવભૂમિ દ્વારકા નવા જિલ્લા અમલમાં આવ્યા હોવાથી સૌરાષ્ટ્રમાં ઉદ્યોગીક અને શૈક્ષણિક રીતે વ્યાપ વધ્યો હોવાથી સૌરાષ્ટ્ર માટે હાઇકોર્ટની જ‚રીયાત હોવાનું જણાવ્યું છે. બોમ્બે એકટની કલમ ૨૮(૩)ની જોગવાઇ મુજબ રાજકોટને સર્કીટ બેન્ચ માટે રાજય સરકારને કોઇ અધિકાર નથી પરંતુ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને રાજયપાલની મંજુરીથી રાજકોટને સર્કીટ બેન્ચ મળી શકે તેવી જોગવાઇ હોવાનું જણાવ્યું છે. હાઇકોર્ટની કાયમી બેન્ચ માટે કાયદામાં જરૂરી સુધારો કરી પાર્લામેન્ટમાં બીલ પસાર કરી હાઇકોર્ટ માટે મંજુરી આપી શકે તેમ છે. કાયમી બેન્ચ માટે પણ રાજકોટ માટે ઉજળા સંજોગો હોવાનું પત્રના અંતમાં સંજય વ્યાસે જણાવ્યું હતું કે કેન્દ્રમાં અને રાજયમાં ભાજપની સરકાર છે. કાયદામાં સુધારો કરે તો રાજકોટને કાયમી હાઇકોર્ટ બેન્ચ મળે તેવા સંજોગો હોવાથી રાજકોટના વિકાસ માટે તાકીદે નિર્ણય કરી હાઇકોર્ટનો વર્ષો જુનો પ્રશ્ર્નનો નિકાલ થાય તેમ હોવાનું જણાવ્યુ છે.