જેમને હૈયે સદાય રાષ્ટ્રપ્રેમ, લોકકલ્યાણ અને જનસેવાની ભાવના વસેલી છે એવા ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ લોકસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય પ્રાપ્ત થયો છે તથા દેશના પ્રધાન મંત્રી પદે તેઓ પુન: બિરાજમાન થઈ રહ્યા છે તેનું ગુજરાતી તરીકે સહુ સવિશેષ ગૌરવની લાગણી અનુભવે છે. ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ‘ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીને લાગણીસભર પત્ર લખ્યો છે.
મુખ્યમંત્રી લખે છે કે, નરેન્દ્રભાઈ મોદીની અડગ રાષ્ટ્રભાવના અને અસંદિગ્ધ નિષ્ઠાનાં સથવારે એમના નેતૃત્ત્વ હેઠળ એનડીએ સરકારે કરેલાં ગરીબોનાં કલ્યાણ માટેનાં પ્રકલ્પો અને વિકાસનાં કાર્યોને દેશની જનતાએ સચોટ મહોર મારી છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’એ એક સૂત્ર જ નહિ પરંતુ લોકકલ્યાણ પ્રત્યેની પ્રતિબધ્ધતા સૂચવતો મંત્ર બની ગયો છે અને તેમાં હવે ‘સૌનો વિશ્વાસ પણ પ્રતિપાદિત થયો છે. નવભારતની સંકલ્પનાને પરિપૂર્ણ કરવા માટે નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ હેઠળ આપણે સહુ સંગાથે આગળ વધીએ…’