કાગવડ સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ ખોડલધામ ખાતે નવનિર્મિત એમ્ફી થિએટરને ખુલ્લું મૂકતા ફળદુ
કૃષિ મંત્રી આર. સી. ફળદુએ કાગવડ સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ ખોડલધામ ખાતે નવનિર્મિત એમ્ફી થિએટરને ખુલ્લું મૂક્યું હતું. તેમણે જણાવ્યું કે, સૌ હળમળી રાષ્ટ્રના વિકાસ માટે કામ કરીએ અને અણમોલ માનવ સંપત્તિ બનીએ. ફળદુએ એમ પણ કહ્યું કે, નરેશભાઇ પટેલ અને તેમની ટીમે ખોડલધામમાં અનેક પ્રકારના સંકલ્પો સાકાર કર્યા છે. અહીં પરોપકારની ભાવનાથી મળેલા દાનના સથવારે ભવ્ય અને દિવ્ય યાત્રાસ્થાનનું થયું છે તથા તે લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. કૃષિમંત્રીએ પાટીદાર સમાજના સારસ્વત સંકલ્પની સરાહના કરી હજુ પણ વધુ મહેનતથી સમાજોત્થાન, શિક્ષણના કામ કરવાની જરૂરિયાત દર્શાવી હતી.
નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમાજના સહકારથી ખોડલધામના નિર્માણનું કાર્ય શક્ય બન્યું છે. ભવિષ્યની પેઢીને એકતાનું કેન્દ્ર આપવાની ભાવનાથી આ મહાન કાર્ય કરવામાં આવ્યું છે.
આણદાબાબા આશ્રમના દેવપ્રસાદ મહારાજે આશીર્વચન આપ્યા હતા. આ તકે રમેશભાઇ ટીલારા પરિવાર દ્વારા આયોજિત ધ્વજારોહણ પ્રસંગમાં જોડાયા હતા અને મા ખોડિયારના મંદિર ઉપર ભવ્ય ધ્વજા ચઢાવવાના પ્રસંગના સાક્ષી બન્યા હતા. તે પૂર્વે તેમણે મંદિરમાં દર્શન કરી મંગલ કામના કરી હતી. બાદમાં એમ્ફી થિએટરને ખુલ્લું મૂક્યું હતું. આ વેળાએ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, હંસરાજભાઇ ગજેરા, ચંદ્રકાંતભાઇ પટેલ, શંભુભાઇ પરસાણા, રમેશભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખિયા, ઘોઘુભા જાડેજા, ગોવિંદભાઇ ખૂટ, ચેતનભાઇ રામાણી, મગનભાઇ ટીલારા, ખોડીદાસભાઇ ટીલારા, દિનેશભાઇ સોરઠિયા, પરેશભાઇ ગજેરા, જસુમતીબેન કોરાટ, ભગવાનભાઇ રંગાણી, હર્ષદભાઇ માલાણી ઉપસ્થિત રહ્યા હતા.
નરેશભાઈ પટેલની પૌત્રી નિષ્ઠાની રજત તુલા
દીકરીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ઘરે દીકરીનો જન્મ થાય તો કહેવાય છે કે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા. ત્યારે આ લક્ષ્મીરૂપી દીકરીના વધામણાં કરવા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના પરિવારે અનુકરણીય પગલું ભર્યું છે. નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજભાઈ પટેલ અને પુત્રવધુ ચાર્વીબેન પટેલના ઘરે દીકરીનો જન્મ થયો છે. શિવરાજભાઈ પટેલ અને ચાર્વીબેન પટેલની દીકરી નિષ્ઠાની ખોડલધામમાં રજત તુલા કરાઈ હતી. દીકરી જન્મની ખુશીમાં નરેશભાઈ પટેલના પરિવારે રજતતુલા કરીને દીકરીના વજન બરાબર ચાંદી મા ખોડલના ચરણોમાં સમર્પિત કરી હતી. શિવરાજભાઈ અને ચાર્વીબેનની દીકરી નિષ્ઠાની રજત તુલા કરીને આ ચાંદી ખોડલધામ ટ્રસ્ટને અર્પણ કરી સમાજને એક અનોખો વિચાર અને પ્રેરણા પૂરી પાડી છે.