પોલીસની નિગરાની વચ્ચેથી કેદી ફરાર કેવી રીતે થયો?: તપાસનો ધમધમાટ
ચોરીના આરોપમાં બદાઉન જેલમાં બંધ અંડર ટ્રાયલનો 61 વર્ષીય કેદી ગુરુવારે સવારે ગુજરાત પોલીસના જાપ્તામાંથી નાસી છૂટ્યાની ઘટના સામે આવી છે. ત્રણ દિવસ પહેલા વાયડ અરવલી કોર્ટમાં રજૂ કર્યા પછી તેને અન્ય કેદી સાથે જેલમાં પરત લઈ જવામાં આવી રહ્યો હતો. તે સમયે આ કેદી ફરાર થઈ ગયો હતો.
મામલામાં પોલીસે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસના હેડ કોન્સ્ટેબલ શૈલેષ કુમાર નરસિંહ દ્વારા સવારે સિકંદરરાવ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને ગુજરાતના વડોદરા જિલ્લાના રહેવાસી અન્ડર ટ્રાયલ કેદી બદરુદ્દીન સામે આઇપીસી કલમ 223 (કેદમાંથી ભાગી જવા) હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
જ્યારે બદરુદ્દીન નાસી છૂટ્યો ત્યારે અન્ય એક કેદી મોહમ્મદ ફઈમ પણ પોલીસ કસ્ટડીમાં હતો, એમ પોલીસે જણાવ્યું હતું. બંનેને ગુજરાતમાં ચોરીના કેસમાં 2 મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને 29 એપ્રિલના રોજ બદાઉન જેલમાંથી લઈ જવામાં આવ્યા હતા. હાથરસના એસપી વિકાસ વૈદ્યએ જણાવ્યું કે, સરકારી વાહનમાં 5-6 પોલીસ કર્મચારીઓ જ્યારે તેમની સાથે લઈ જઈ રહ્યા હતા ત્યારે અંડર ટ્રાયલ પોલીસ કસ્ટડીમાંથી કેવી રીતે છટકી ગયો તે દિશામાં હાલ તપાસ કરાઈ રહી છે.