- રાજકોટની સયાજી, ઇમ્પિરિયલ પેલેસ સહીતની 10 હોટેલમાં બૉમ્બ મુકાયાની ધમકીથી હડકંપ
- ધમકીભર્યો ઇમેઇલ મળતા હડકંપ મચી જવા પામ્યો છે
- બૉમ્બ વિસ્ફોટની ધમકીને પગલે બૉમ્બ સ્કવોડ, એસઓજી સહીતની પોલીસે ચેકીંગ હાથ ધર્યું
રાજકોટ શહેરની નામાંકિત હોટેલમાં બૉમ્બ મૂકી દેવાયાની ધમકીને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમાં ઇમ્પિરિયલ પેલેસ, સયાજી, સીઝન્સ, ભાભા સહીતની હોટેલમાં બૉમ્બ વિસ્ફોટ કરવાની ધમકીને પગલે પોલીસની વિવિધ ટીમો દોડતી થઇ છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન, બે ડઝનથી વધુ ફ્લાઇટસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ આ ધમકીઓ પોકળ સાબિત થયાં બાદ વધુ એક ધમકી મળી છે. પ્રાપ્ત વિગત અનુસાર શહેરની અલગ અલગ દસેક હોટેલને એકસાથે બૉમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી છે.
અલગ અલગ હોટેલને આ અંગે ઇમેઇલ કરીને હોટેલમાં બૉમ્બ મુકાયાની ધમકી ઉચ્ચારવામાં આવી છે. આ દસ હોટેલમાં શહેરની નામાંકિત હોટેલનો સમાવેશ થાય છે. યાજ્ઞિક રોડ પર આવેલી ઇમ્પિરિયલ પેલેસ, કાલાવડ રોડ નજીક આવેલી હોટેલ સયાજી, સીઝન્સ હોટેલ, ત્રિકોણ બાગ નજીક આવેલી હોટેલ ભાભા, યાજ્ઞિક રોડ પર આવેલી હોટેલ સેન્ટોસા, કાલાવડ રોડ પર આવેલી હોટેલ K.K બીકન, ઢેબર રોડ પર આવેલી હોટેલ ધ ગ્રાન્ડ રેંજન્સી અને જ્યોતિ હોટેલમાં બૉમ્બ મૂકી દેવામાં આવ્યો છે તેવી ધમકીભર્યો ઇમેઇલ મળતા હડકંપ મચી જવા પામ્યો છે.ધમકી મળતાની સાથે જ રાજકોટ શહેર SOG, સ્થાનિક પોલીસ અને બૉમ્બ સ્કવોડ સહીતની ટીમોએ તમામ હોટેલમાં ચેકીંગ શરૂ કરી દીધું હતુ
પાર્થ ભટ્ટી