- રાજ્યના કુલ 116 જળાશયો સંપૂર્ણ ભરાયા: રાજ્યની જીવાદોરી ગણાતો નર્મદા ડેમ 87.99% ભરાયો: જયારે 143 જળાશયોને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા
છેલ્લા કેટલાક દિવસથી સતત મેઘ મહેરના કારણે ઉત્તર ગુજરાતમાં સીઝનના સરેરાશ સામે સો ટકાથી વધુ વરસાદ થતા રાજ્યના તમામ ઝોનમાં સો ટકાથી વધુ વરસાદ થવા પામ્યો છે. તે સાથે ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ વરસાદ 2024માં 122 ટકા થયો હતો તેનાથી પણ વધુ વરસાદ આ સીઝનમાં થવા પામ્યો છે. જો કે આટલો વરસાદ છતાંય 10 ડેમો એવા છે કે જેમાં 30 ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે. સૌરાષ્ટ્રમાં કુલ 141 ડેમ આવેલા છે, જે પૈકી 46 ડેમ છલકાઇ ગયા છે. કુલ ડેમમાંથી 81.51 ટકા ડેમ ભરાયા છે. આ સાથે ઘણા ડેમ માટે હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ભાવનગરનો શેત્રુંજી ડેમ અને મોરબીનો મચ્છુ-1 ડેમ હાઇ એલર્ટ પર છે. આ ઉપરાંત મોરબીના મચ્છુ-2 માટે ચેતવણી આપવામાં આવી છે. જ્યારે બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ, મહેસાણાનો ધરોઇ ડેમ, રાજકોટના ધરોઇ અને યુએનડી-1 ડેમ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં શરૂઆતમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના કારણે સીઝનના સરેરાશ સામે સો ટકાથી વધુ વરસાદ આ ઝોનમાં થયો હતો. મધ્ય-પૂર્વ અને ઉત્તર ગુજરાત ઝોનમાં સરખામણીમાં વરસાદનું પ્રમાણ અડધું હતું. જો કે ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહથી સપ્ટેમ્બરમાં પણ મેઘરાજાએ આ બન્ને ઝોન ઉપર અમી દ્રષ્ટિ કરતા ભરપૂર વરસાદ થવા પામ્યો છે અને પાણીની સમસ્યા પણ ટળી જવા પામી છે. જો કે બે થી ત્રણ જિલ્લાના ડેમોમાં હજુ પણ પાણીની ઘટ છે. ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 120 ટકાથી વધુ થવા પામ્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકાથી વધુ વરસાદ છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 128.44 ટકા, દક્ષિણ ગુજરાતમાં 122 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં 116.31 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 105 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં છેલ્લા એક પખવાડિયાથી સતત વરસાદના કારણે અનેક રસ્તા હજુ વાહન વ્યવહાર માટે બંધ હાલતમાં છે. 6 સપ્ટેમ્બરના માર્ગ-મકાન વિભાગના સાંજના અહેવાલ મુજબ કુલ 209 માર્ગો રાજ્યમાં વિવિધ જિલ્લામાં બંધ કરાયા છે. જેમાં 13 સ્ટેટ હાઇવે, 2 નેશનલ હાઇવે, 184 પંચાયતના માર્ગ અને 10 અન્ય માર્ગનો સમાવેશ થાય છે. કચ્છ અને છોટાઉદેપુર જિલ્લામાં એક-એક નેશનલ હાઇવે બંધ છે જ્યારે ખેડા, કચ્છ, રાજકોટ, પોરબંદર, આણંદ, ગાંધીનગર, પાટણ, નર્મદા, ભરૂચ અને મોરબીમાં 13 જેટલા નેશનલ હાઇવે બંધ કરાયા છે. રાજ્યના કુલ 116 જળાશયો સંપૂર્ણ ભરાઇ ગયા છે. રાજ્યની જીવાદોરી ગણાતો નર્મદા ડેમ 87.99 ટકા ભરાયો છે. 143 જળાશયોને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. એસટી નિગમના 29 જેટલા રૂટ બંધ છે જેમાં 102 ટ્રીપ કેન્સલ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં સિઝનનો 122% વરસાદ પણ 7 ડેમોમાં 25%થી ઓછું જળ
ગુજરાતમાં આવેલા 207 ડેમમાંથી 116 ડેમ છલકાઇ ગયા છે.બીજીબાજુ 45 ટકા ડેમો એવા છે જેમાં 70 ટકાથી વધુ પાણીનો સંગ્રહ જયારે 18 ડેમો એવા છે કે જેમાં 50 થી લઇ 70 ટકા સુધીનું પાણી, 20 ડેમોમાં 25 થી લઈને 50 ટકા જેટલું પાણી અને 7 ડેમો એવા છે કે જેમાં 25 ટકાથી પણ ઓછો પાણીનો સંગ્રહ છે. રાજ્યના 43 ડેમો હાઇએલર્ટ પર જયારે 10 ડેમો એલર્ટ પર અને 8 ડેમો વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.
આજે આઠ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના અનુમાન મુજબ 9મી સુધી રાજ્યમાં છુટછવાયા વરસાદનું અનુમાન છે તો રાજ્યમાં 8 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 સપ્ટેમ્બર એટલે કે આજે મહીસાગર, દાહોદ જિલ્લામાં કોઈ સ્થળોએ અતિભારે વરસાદ થઈ શકે છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ તથા અમરેલી અને ભાવનગર જિલ્લાના કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. 9 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટવાનું શરૂઆત થઇ શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આજે બે જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે તો આઠ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના આઠ જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. ભાવનગર, વલસાડ,છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.