નાની જ્ઞાતિઓ સુધી પહોંચવા કોંગ્રેસનો પ્રયાસ: વાણંદ સમાજને પ્રતિનિધિત્વ આપવાની ગુજરાત પ્રભારી ગેહલૌતની હૈયાધારણા ‘બાપુ’ની સુચક ગેરહાજરી
વિધાનસભાની ચૂંટણી ધ્યાને રાખીને ગુજરાત કોંગ્રેસ નાની જ્ઞાતિઓ સુધી પહોચવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં જ વાળંદ સમાજના સંમેલનમાંક કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને અગ્રણી એહમદ પટેલે ઉપસ્થિત રહી સમાજને રિઝવવાનો પ્રયાસ કર્યો છે.
વાળંદ સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના સલાહકાર અને અગ્રણી નેતા એહમદ પટેલે આ સમાજને વધુ મજબૂત થવાની હાકલ કરી હતી સાથે જ તેમણે ભાજપનું નામ લીધા વિના એવો કટાક્ષ પણ કર્યો હતો કે,તેમનું કામ સિયાસત કરવાનું છે પણ અમારું કામ તો મોહબ્બત કરવાનું છે.
કોંગ્રેસ પક્ષ તમામ વર્ગ, ધર્મ અને જ્ઞાતિના સમાજોનો શુભચિંતક હતો અને રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વાળંદ સમાજને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમમાં વિધાનસભામાં કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાની ફરી એકવાર સૂચક ગેરહાજરી જોવા મળી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત એહમદ પટેલે વાળંદ સમાજને સમાજના સાચા સંદેશવાહકો ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે,વોટ્સએપ અને ઇમેઇલ તો આજે આવ્યા છે. પરંતુ જે જમાનામાં વોટ્સએપ અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ નહોતા, ત્યારથી સમાજને જોડવાનું કામ વાળંદ સમાજ દ્વારા કરવામાં આવતું હતું. આ સમાજની અનેક આગવી વિશેષતાઓ છે. ખાસ કરીને આ સમાજમાં ભાગ્યે જ કોઇ અસામાજિક તત્ત્વ જોવા મળે છે. જો કે, દુર્ભાગ્યે આ સમાજ પ્રત્યે બહુ ધ્યાન અપાયું નથી. ત્યારે સમાજના અગ્રણીઓએ સમાજને સંગઠિત અને મજબૂત કરવાની દિશામાં આગળ વધવું જોઇએ. આ પ્રકારના સંમેલનો કરતા રહેવા જોઇએ અને સોશિયલ મીડિયા પર થતાં અપ્રચારની સામે સાચો પ્રચાર કરી સમાજ અને સમાજ થકી રાષ્ટ્રને મજબૂત બનાવવું જોઇએ.
કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એવું જણાવ્યું હતું કે,વાળંદ સમાજ અગત્યનો છે અને શાસક પક્ષ દ્વારા તેની સતત ઉપેક્ષા થતી રહી છે. પરંતુ કોંગ્રેસ આ સમાજને તેનું યોગ્ય સ્થાન અપાવવા મક્કમ અને કટિબદ્ધ છે. આગામી ચૂંટણીમાં આ સમાજને પ્રતિનિધિત્વ મળે તેની કાળજી લેવાના પ્રયત્નો કરવામાં આવશે. આ તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે,વાળંદ સમાજના ધર્મસ્થાન એવા પાટણના લિંબચ ખાતેના મંદિરનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરવામાં આવશે. જો કે, સમગ્ર કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલાની ગેરહાજરી આંખે ઉડીને વળગે એવી રહી હતી. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગજગ્રાહ જામ્યો છે અને તે અવારનવાર અનેક જાહેર કાર્યક્રમોમાં જોવા મળી રહ્યો છે.