દિલ્હીના વિવેક વિહાર પોલીસ સ્ટેશનમાંથી એક અત્યંત ચોંકાવનારી તસવીર સામે આવી છે. વિવાદાસ્પદ ધર્મગુરુ રાધે મા પોલીસ સ્ટેશનની અંદર એસએચઓની ખુરશી પર બિરાજમાન છે. રૂમમાં કેટલાક પોલીસકર્મીઓ પણ નજરે ચડી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ પોલીસ સ્ટેશનમાં ભક્તોની ભીડ રાધે માની જયજયકાર કરી રહી છે. SHO હાથ જોડીને ઊભેલા છે.
હાથમાં ત્રિશુલ લઈને પોતાના ભક્તો વચ્ચે અજબ ગજબ મુદ્રાઓને લઈને ચર્ચિત રાધે મા દિલ્હીના વિવેક વિહાર પોલીસ સ્ટેશનમાં SHOની ખુરશીમાં બિરાજમાન હતા. પોલીસ યુનિફોર્મના ઈજ્જતની જરાય પરવા કર્યા વગર SHO સંજય શર્મા ભક્તની મુદ્રામાં હાથ જોડીને રાધે મા સામે અભિભૂત અવસ્થામાં જોવા મળી રહ્યાં હતાં. યુનિફોર્મ પર માતારાનીની ચૂંદડી પણ નાખી રાખી હતી.
SHOને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેઓ પોતાના કર્તવ્યના મંદિર એટલે કે પોલીસસ્ટેશનમાં નહીં પરંતુ દેવીના મંદિરમાં ઊભા હોય. પોલીસ સ્ટેશનમાં જ્યારે SHOના આ હાલ હોય તો બીજા પોલીસકર્મીઓનું તો શું કહેવું? રાધે માના આશીર્વાદ લેવામાં તેઓ પણ લાઈન લગાવીને ઊભા રહી ગયા. વિવેક વિહાર પોલીસ સ્ટેશનની આ તસવીર નવરાત્રિ દરમિયાન આઠમની છે.
અત્રે જણાવવાનું કે સંતોની એક સંસ્થાએ હાલમાં જ રાધે માને બનાવટી સંત જાહેર કર્યા છે. આવામાં સવાલ એ ઉઠે છે કે પોલીસ સ્ટેશનમાં રાધે મા પ્રત્યે આટલી શ્રદ્ધા કેટલી યોગ્ય છે? પોલીસ સ્ટેશનના SHOએ તેમને પોતાની જગ્યાએ બેસાડવાની શું જરૂર હતી? દરેક ખુરશીની માન મર્યાદા હોય છે કારણ કે આ ખુરશી કોઈ વ્યક્તિની નહીં પરંતુ દિલ્હી પોલીસના એક જવાબદાર ઓફિસરની છે.