- ભારે જહેમત બાદ યુવકને બસની નીચેથી બહાર કાઢવામાં આવ્યો
- યુવક માનસિક બીમાર હોવાથી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરાયો
સુરતમાં સિવિલ હોસ્પિટલ પાસે એક યુવક સિટી બસ નીચે સૂઈ ગયો હતો જેને લઈને ત્યાં ભારે ટ્રાફિક જામ થયો હતો. તેમજ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. ત્યારે ત્યાં હાજર લોકોએ માનવતા દાખવીને ભારે જહેમત બાદ તેને બસ નીચેથી બહાર કાઢ્યો હતો. યુવક માનસિક બીમાર હોવાના પગલે તાત્કાલિક તેને સુરત સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર કરવામાં આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે સુરત સિવિલ હોસ્પિટલના ગેટની બહાર આજે બપોરના સમયે એક યુવક સીટી બસ ઉભી રહેતા જ તેની નીચે ઘૂસી ગયો હતો. આ બાબતે આસપાસના લોકો દ્વારા ડ્રાઇવરને જાણ કરવામાં આવી હતી. મુસાફરો ભરેલી બસની નીચે યુવક ઘૂસી જતા ભાગદોડ મચી ગઈ હતી. બસમાંથી મુસાફરો પણ નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ બસની નીચે ઘૂસી ગયેલા યુવકને બહાર કાઢવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. જોકે તે બહાર નીકળી રહ્યો ન હતો.
સુરત સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાકટ વર્ગ-4 ના સુપર વાઇઝર ગણેશ, પ્લમ્બર લોકેશ અને ઓક્સિજન વિભાગના કર્મચારીએ માનવતા દાખવીને યુવકને બસ નીચેથી બહાર કાઢવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી ટ્રાફિક જામ રહેતા લોકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. અડધો કલાકની ભારે જહેમત બાદ યુવકને બસ નીચેથી બહાર કાઢી સિવિલ લઈ ગયા હતા. જેના પગલે સીટી બસ રવાના થતા વાહન ચાલકોએ ટ્રાફિકમાંથી રાહત મેળવી હતી.
સુરત સીટી બસની નીચે ઘૂસી ગયેલો યુવક માનસિક બીમાર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સિવિલના કર્મચારીઓ અને લોકો દ્વારા હાથ-પગ બાંધીને યુવકને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લઇ જવાયો હતો. હાલ આ યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવક ને બસ નીચેથી કાઢીને સુરત સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા માનવતા દાખવવામાં આવી હતી.
અહેવાલ: ભવેશ ઉપાધ્યાય