- રાજકોટ મ્યુનિ.કમિશનરે દંડની રકમમાં વધારો કરવા મૂકેલી દરખાસ્તમાં સ્ટેન્ડિંગ કમિટીએ કર્યા મોટા ફેરફાર
Rajkot News
જાહેર જગ્યાઓ પર ગંદકી કરનાર અને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરનારાઓ પાસેથી હાલ વસૂલવામાં આવતા દંડની રકમમાં વધારો કરવા માટે મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ભાજપના શાસકોએ રાજકોટને ગંદુ-ગોબરૂં કરનારાઓ પર પણ રહેમ દાખવ્યો છે અને દંડની રકમમાં મોટા ફેરફાર કર્યા છે.
જાહેરમાં કચરો ફેંકવા, ગંદકી કરવા કે કચરા પેટી બહાર કચરો નાંખવા બદલ રૂ.50 અને રૂ.250, કચરા પેટી ન રાખવા સબબ રૂ.50 અને રૂ.200, હોટેલ-રેસ્ટોરન્ટ, કોમ્યુનિટી હોલ, જ્ઞાતિની વાડીમાં કચરા પેટી ન હોય તો રૂ.1000, હોટેલ, રેસ્ટોરન્ટ, કોમ્યુનિટી હોલ, જ્ઞાતિની વાડી જો એંઠવાડ કોર્પોરેશનની કચરા પેટી કે જાહેર જગ્યા પર ફેંકે તો રૂ.2000, ઉદ્યોગ વિસ્તારમાં કચરા પેટી ન હોય તો રૂ.200, ડિસ્પેન્સરી, લેબોરેટરી, ફિઝીશ્યન, પેથોલોજી લેબોરેટરીમાં વગેરેમાં કચરા પેટી ન હોય તો રૂ.500, હોસ્પિટલમાં કચરા પેટી ન હોય તો રૂ.1000, બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરે તો રૂ.10,000, જાહેર મળ ત્યાગ કરવામાં આવે તો રૂ.50, કચરો સળગાવનાર સામાન્ય શેરીજન પાસેથી રૂ.300 અને કોર્પોરેશનના કર્મચારીઓ પાસેથી રૂ.500, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, બિલ્ડીંગ મટીરીયલ વેસ્ટ કે અન્ય કોઇપણ પ્રકારના વેસ્ટ જાહેરમાં ફેંકવા સબબ રૂ.1000 અને ત્યારબાદ રૂ.1200 વસૂલવામાં આવશે.
આ ઉપરાંત કોર્પોરેશન વિસ્તારમાં રોડ પર જો કચરો વેરાતો હોય તેવું વાહન પસાર થતું હશે તો રૂ.1000 અને રૂ.500, પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનાર પાસેથી રૂ.100 અને રૂ.500, બે કિલોથી વધુ અને 10 કિલોથી ઓછું પ્લાસ્ટીક મળે તો રૂ.1000, 10 કિલોથી વધુ પ્લાસ્ટીક મળે તો રૂ.3000, કોઇપણ પ્રકારની કોમર્શિયલ જાહેરાતના ચોપાનીયા, પોસ્ટર, સ્ટીકર, બેનરો કોર્પોરેશનની મિલકત પર લગાવવા કે કોઇપણ સ્થળે ફેંકવા બદલ રૂ.3000, શોપિંગ મોલ કોમ્પ્લેક્સ દ્વારા જો જાહેરમાં કચરો ફેંકવામાં આવશે તો રૂ.3000, કોર્પોરેશનના પ્લોટ કે જાહેર રસ્તા પર ઘાસચારો ફેંકવામાં આવે તો રૂ.200, વોંકળામાં કચરો-એંઠવાડ ફેંકવામાં આવે તો રૂ.200, ક્રશ કર્યા વિનાનો એંઠવાડ ડ્રેનેજમાં નાંખવામાં આવે તો રૂ.2000 અને કોઇપણ અનઅધિકૃત્ત વ્યક્તિ જાહેરમાં કચરો ઘાસચારો વેંચે તો રૂ.1000 દંડ વસૂલ કરવામાં આવશે.
આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ મટીરીયલ વેસ્ટ, બાંધકામ વેસ્ટનો જો આડેધડ કે કોર્પોરેશનના પ્લોટમાં ઠાલવવામાં આવશે તો પ્રથમ વખત રૂ.4000, બીજી વખત રૂ.7000 અને ત્રીજી વખત રૂ.10,000 વસૂલ કરવામાં આવશે. ટ્રક, ડમ્પર, ટ્રેક્ટર, રેંકડા, ગાડા, છકડામાં જો બાંધકામ વેસ્ટ ઉડતું હોય તો રૂ.2500 અને રૂ.1500 દંડ વસૂલ કરવામાં આવશે. ક્ધસ્ટ્રક્શન વેસ્ટ ફેંકતા તેવા આસામી પાસેથી રૂ.2000, બીજી વખત રૂ.4000 અને ત્રીજી વખત રૂ.6000 વસૂલ કરવામાં આવશે. હોસ્પિટલ ત્રીજી વખત મેડિકલ વેસ્ટ કચરા પેટીમાં ફેંકતા પકડાય તો રૂ.25,000 દંડ વસૂલ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સુધારો કરવામાં આવ્યો છે અને રૂ.20,000 સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિયત કરવામાં આવ્યા છે.