કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને રોજગારલક્ષી ‘સાધન સહાય વિતરણ’ કાર્યક્રમ યોજાયો
રાજકોટના જિલ્લા કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ સમાજ સુરક્ષા વિભાગના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે જરૂરિયાતમંદ બાળકો અને તેમના પરિવારને રોજગારલક્ષી સાધનોરૂપી સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રોજગારલક્ષી સાધનો જેવા કે રેકડી, સાયકલ, સિલાઈ મશીન તેમજ ઈ-શ્રમ કાર્ડ, આધારકાર્ડ, PMJAY કાર્ડ, રેશનકાર્ડ જન ધન યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભથી 17 પરિવારના 41 બાળકોને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક જરૂરિયાતમંદ નાગરીકને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે માટે સકારાત્મક અભિગમ દાખવીને કામગીરી કરવામાં આવી રહી છે. આજે ખુશીનો દિવસ છે કે, સાધન સહાય કીટ, વિવિધ યોજનાઓના લાભ પગભર બનવામાં અને સારુ જીવન જીવવવામાં મદદરૂપ થશે. જેનો વ્યસ્થિત ઉપયોગ કરવાથી આપની સાથે બાળકોનું પણ ભવિષ્ય સુધરશે. દરેક માતા-પિતા ઈચ્છતા હોય છે કે પોતાના બાળકનું ભવિષ્ય સંઘર્ષમય ન હોય ત્યારે બાળકોને શાળાએ મોકલીએ અને ભણાવી ગણાવીને તેનું ઉજ્જવળ ભવિષ્ય સુરક્ષિત કરીએ.
ઉલ્લેખનીય છે કે, આ તકે રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા મેડીકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયનેક, મેડીસીન, પીડીયાટ્રીક, ઈ.એન.ટી. સર્જન અને રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમની ટીમ ઉપસ્થિત રહી હતી. તેમજ કલેકટરએ પ્રાંત અઘિકારીઓ અને સમાજ સુરક્ષા – બાળ સુરક્ષાની કામગીરીને બિરદાવી હતી. વધુમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અલ્પેશ ગોસ્વામીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રક્ષાબેન બોડિયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થાના પ્રતિનિધિ હરેશભાઈ વોરા, પ્રાંત અધિકારી સર્વેશ્રી વિવેક ટાંક, કે.જી.ચૌધરી, સંદીપકુમાર વર્મા, સમાજ સુરક્ષા અધિકારી મહેશ ચૌહાણ, અનુસૂચિત જાતિના નિયામક સી.એન.મિશ્રા, PMJAY નોડલ અઘિકારી હરસુખભાઈ સોજીત્રા, સમાજ સુરક્ષા વિભાગના અન્ય કર્મચારીઓ અને સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.