કોરોનાથી ડરવાની બિલકુલ જરૂર નથી, હિંમત રાખો એટલે સૌ સારા વાના થશે-મનીષાબેન ઠેસિયા
ભારતીય સંસ્કૃતિમાં ગૃહિણીને ઘરનીલક્ષ્મી માનવામાં આવે છે. ગૃહિણીઓ પર જ્યારે બીમારી રૂપી મુસીબત આવે ત્યારે શું થાય? જેમ સ્તંભ ડગમગે તો ઇમારત પણ હચમચી જાય તેમ ઘરના મોભ રૂપી મહિલા જો બિમાર પડે તો ?આ વિચાર માત્રથી જ આપણે માનસિક રીતે અસ્વસ્થ બની જઈએ છીએ. આપણી આવી માનસીક અસ્વસ્થા વચ્ચે પણ પરિવારને એક તાંતણે બાંધતી ગૃહિણી હિંમતભેર મુસીબતોનો સામનો કરી શકવા સક્ષમ હોય છે, જેનું જીવંત ઉદાહરણ છે, રાજકોટના નિર્ભીક મહિલા મનીષાબેન ઠેસિયા.
૫૩ વર્ષની વયે કોરોનાને હિંમતપૂર્વક હંફાવી મનીષાબેન પોતાના ઘરે પરત ફર્યા છે. પરંતુ પોતાના પર કોરોનારૂપી આવેલી આ મુસીબતનો સામનો તેમણે કંઈ રીતે કર્યો એ વિશે વિગતે વાત કરતાં તેઓ જણાવે છે કે, આપણી સોસાયટીમાં કોરોનાનો કેસ આવે એટલે આપણે સ્વભાવિક રીતે જ વધુ કાળજી રાખીએ. મારી બાબતમાં પણ એવુ જ થયું. અમારી સોસાયટીમાં કોરોનાનો કેસ નોંધાતા સાવચેતીના ભાગરૂપે અમેં બન્ને પતિ – પત્નીએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો, તેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ઘરમાં કામકાજ કરવાવાળી હું એક જ. જો મને કંઈક થાય તો આખું ઘર પાંગળુ બની જાય. તેમાં પણ મને કોરોના પોઝીટીવ આવતાં જ ઘરનાં સભ્યો તો હિંમત હારી ગયા. કહેવાય છેને કે ભગવાને સ્ત્રીઓને મુસીબત સામે લડવા મક્કમ મનોબળ આપ્યું છે,મારી આવી પરિસ્થિતિમાં જ મે હિંમતપૂર્વક પરિવારના લોકોને કહયું, કોરોનાથી ડરવાનું નથી, લડવાનું છે. મને કાંઇ નહીં થાય. મને કોરોનાના લક્ષણ ન જણાતા તેમજ કોઈ બીમારી પણ નહોતી તેથી મને એક જ દિવસમાં સિવિલમાંથી રજા મળી ગઈ અને હાલ હું હોમ આઇસોલેશનમાં છું. મનીષાબેન જણાવે છે કે, મારા સિવિલ હોસ્પિટલના માત્ર એક દિવસમાં મને ઘણું જોવા મળ્યું. અહીંયા ડોક્ટર્સ અને નર્સ રાત-દિવસ જોયા વિના સતત સેવારત છે.