શ્રી કૃષ્ણના રંગે રંગાઈ જવાનો આ શુભ અવસર છે હાથવેંતમાં છે બાલકૃષ્ણલાલના જન્મોત્સવની રળિયામણી ઘડી: ચાલો,બની જઈએ કૃષ્ણના સખા!…
આપણે કૃષ્ણ જન્મોત્સવ અસંખ્ય ઉજવ્યા. ‘નંદ ઘેર આનંદ ભર્યો’નાં રૂડા વેણ’ સાથે નાચ્યા, અબિલ-ગુલાલની વૃષ્ટિમાં રંગે ચંગે રંગાયા, પારણે ઝૂલાવ્યા, એમના પ્રાગટયને હૈયાના હેતથી વધાવ્યા… તેમણે કહ્યું તે કરવાની મથામણો પણ કરી…
ભ્રષ્ટાચાર કંસ છે. કંસ મર્યો પણ ભ્રષ્ટાચાર ન જ મર્યો.
પાપાચાર અને દેશદ્રોહ કાળીનાગ છે. કાળીનાગને નાથ્યો, પણ પાપી અને દેશદ્રોહીઓને નાથી શકાયા નહિ.
શ્રી કૃષ્ણે રાક્ષસી પૂતનાને હતી ન હતી કરી નાખી પણ આપણે એમ કરવામાં, એટલે કે દુષ્ટાચારની ગટરોને નેસ્તનાબુદ કરવામાં નિષ્ફળ ગયા.
જન્માષ્ટમી ઉજવી ઉજવીને આપણે મનગમતો આનંદ ઉમંગ પામ્યા પણ જીવન જીવવાનું કૃષ્ણતત્વ પ્રાપ્ત કરી શકયા જ નહિ…
આપણે મનુષ્યો મનુષ્ય જીવનને શોભાવે અને માનવતાની મહેક ચોમેર ફેલાય એ રીતે બદલી શકયા નહિ. નવા મનુષ્યોને યુગધર્મી બનાવવા જેટલા બદલાવી શકયા નહિ અને શ્રી કૃષ્ણને ગમે એવા તથા શ્રી કૃષ્ણે ગીતામાં પ્રબોધેલા મનુષ્યોને જન્માવી શકયા નહિ અને ઘેર ઘેર ‘ગીતા’ને પ્રસ્થાપિત કરી શકયા નહી.
હૃદય અને મનની બદબૂ જેમની તેમ રહી છે.
કેટલાક રાજકર્તાઓ કંસવૃત્તિની હરિફાઈ કરે છે.
આજના ભારતને સવેળા યુગાવતાર ખપે છે.
આ જન્માષ્ટમીને શુભ સંકલ્પોનું પર્વ બનાવીએ એ આપણી માતૃભૂમિનો ગોકુળનો, વૃન્દાવનનો, યમુનાજીનો અને શ્રી કૃષ્ણના અધર (હોઠા) ઉપર રમેલી મુરલીનો તકાજો છે.
જન્માષ્ટમીના આ પર્વે એક સંકલ્પ જુગાર નહિ રમવાનો છે.
શ્રાવણ આવ્યો એટલે જુગારીઓ બસ ! પત્તા રમવાનું સ્થળ શોધે છે. ગુજરાતમાં લોકોની માન્યતા છે કે શ્રાવણમાં જન્માષ્ટમી ઉપર જુગાર રમવો જોઈએ ! કૃષ્ણ ભગવાન કદાપિ જુગાર રમ્યા નથી. તેમનું જીવન તો પાવન અને પવિત્ર જીવન હતુ. આ જુગાર રમવાની પધ્ધતિ કયાંથી આવી? આ જુગાર રમવાથી શ્રી કૃષ્ણનો આત્મા જરૂર દુ:ખી થશે!
જુગારીનાં ઘરમાં ખાલી માટલા ખખડે છે. ગૃહિણીની જીંદગી અકારી બની જાય છે. ઘણી જુગાર રમીને પૈસા ગુમાવે છે. અને ઘરનાં માણસો તેના પાપે ભૂખ્યા સુવે છે. જુગાર માટે તે જેની તેની પાસેથી પૈસા નથી. આપતા ત્યારે તે ઘરની ચીજવસ્તુઓ, સ્ત્રીના દાગીના જે હાથમાં વે તે વેચીને પૈસા કમાવવાની લાલચ તેનામાં દિનપ્રતિદિન બળવત્તર બની જાય છે. છેલ્લે તે પૈસા મેળવવા માટે ચોરીને રવાડે ચડી જાય છે. આમ જુગારને લીધે તે એક પછી એક વધારેને વધારે હલકા કામ કરવા તરફ વળતો જાય છે. આમ જુગારી પોતાનું તથા પોતાની પત્ની અને બાળકોનું જીવન બરબાદ કરે છે.
બીજો એક સંકલ્પ આપણે ત્યાં થતા આનંદમેળાઓમાં શિસ્તનું અને સંયમનું પૂરેપૂરૂં પાલન થાય તેવી વ્યવસ્થા કરવાનો છે, અને આવા મેળા દ્વારા થતી આવક વડે શ્રી કૃષ્ણ સંકુલો ઉભા કરવાનો છે. જયાં માત્ર કૃષ્ણ મંદિર જ નહિ, પણ કૃષ્ણલીલા તથા કૃષ્ણાવતારને સાંકળતી સમજણ મળી રહે એવી કેળવણી મળી રહે !
શ્રી કૃષ્ણ અને કૃષ્ણતિર્થો અંગે સંશોધનો કરવાનું પણ આપણા દેશની સંસ્કૃતિને સજીવન કરવાની અને તેને કોન્વેન્ટ સંસ્કૃતિની સામે વધુ સશકત થવાની ગરજ સારી શકે…
આપણા પ્રાચીન ધર્મગ્રંથોનાં કથન અનુસાર ક્ષત્રીય સંસ્કૃતિનો રક્ષક છે, બ્રાહ્મણ સંસ્કૃતિનો પોષક છે. વૈશ્ય સંસ્કૃતિનો વિસ્તરક છે જો રક્ષણ પાંગળુ હોય તો સંસ્કૃતિનું પોષણ અને વિસ્તરણ સંવર્ધન યોગ્ય રીતે થવાનું સંભવે નહિ આથી સમાજનું શૌર્ય ટકાવવાનું અનિવાર્ય બને તથા તેના રક્ષણકર્તા તરીકે ક્ષત્રીયની કામગીરી બીજા કરતા વિશેષ રહે.
વળી સમાજની ઉન્નતિ એકદમ થતી નથી તે માટે આદર્શ સતાધીશ, કર્મશીલ ઋષિ, સાધુચરિત વિચારવંતો અને સામાન્ય પ્રજાનો સ્વયં સ્ફુરિત સહકાર જોઈએ આ જગતમાં આપણને ભગવાને મોકલ્યા છે તે સમજી લેવું અને બીજાઓને તે સમજાવતા સમજાવતા નૈતિક મૂલ્યો પર અવિચળ નિષ્ઠા રાખીને તમામ દુન્યવી વ્યવહારો કરવા એ આપણો સૌનો ખરો ધર્મ લેખાય. જગતમા કેમ રહેવું કેવી રીતે જીવવું અને શાંતિથીભગવાન પાસે કેમ જવું તે આપણી સંસ્કૃતિ શીખવે છે. ભગવાને આ સંસ્કૃતિના રક્ષણ માટે અને સંવર્ધન માટે દશ દશ અવતારો લીધા છે. એ આપણે ન ભૂલીએ.
શ્રી કૃષ્ણને અને કૃષ્ણત્વને અનુસરવાનો છે. કૃષ્ણ-નીતિને પણ અનુસરવાનો છે. જન્માષ્ટમી પર્વના સંકલ્પોમાં એક મહત્વનો સંકલ્પ આપણે છે આપણે કૃષ્ણમાં જીવતાં શીખીએ અને જીવીએ !
મુરલી અને મોરપિચ્છ કૃષ્ણના પ્રતીકો છે. વૃંદાવનમાં મુરલી વાગે છે. રોજની પ્રાર્થનામાં વાગે છે. રોજના જીવનમાં વાગે છે. વૃંદાવન તો સામાન્ય વન છે. એમાં મુરલી છે એજ એની ખાસીયત છે. અને એજ વનશિરોમણી છે. આપણુ જીવન પણ સામાન્ય જીવન છે, પણ એમાં મુરલી આવશે તો એ ધન્ય બનશે, પૂણ્ય બનશે, સ્તુત્ય બનશે.
મુરલીમાં આખે આખા શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ ૧૪ વર્ષની વયે મથુરા ગયા ત્યારે આત્મિક સખી રાધાને સ્મરણમાં મૂરલી આપતા ગયા હતા. જેના વિના તેમના માટે જીવવું દોહ્યલુ હતુ. તે પછી રાધા મુરલીના સથવારે આખુ જીવન જીવી ગઈ. અર્થાંત્ તે કૃષ્ણમાં જ નિરંતર જીવી… આપણે કૃષ્ણમાં જ જીવીએ તો બદલીએ, આપણો ભ્રષ્ટાચારી અને મતિભ્રષ્ટ, બગડેલી બુધ્ધિવાળો દેશ પણ બદલે અને જન્માષ્ટમી-ઉત્સવ સાર્થક થાય ! કૃષ્ણમાં જીવવા જેવું છે એ નિર્વિવાદ છે. કૃષ્ણમાં રંગાઈ જઈને આપણા જીવનમાં વૈકુંઠ સર્જી એ!
અને હા, આજના રાજકારણથી જન્માષ્ટમી અભડાઈ શકે એ ન ભૂલીએ !