નીતા મહેતા
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. મહાદેવને મનાવવાનો શ્રેષ્ઠ અવસર એટલે શ્રાવણ માસ. તો આ પવિત્ર શ્રાવણ માસના પ્રસંગે આજે આપણે ભગવાન શિવ ની બાર જ્યોતિર્લિંગ માંથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ જ્યોતિલિંગ નું મહત્વ અને તેની કથા જાણીશું.ગુજરાત રાજયના કાઠીયાવાડ ક્ષેત્રમાં સમુદ્રના કિનારે સોમનાથ નામનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહીંયા સ્વયંભૂ સોમનાથ જ્યોતિર્લિંગ છે. પહેલા આ ક્ષેત્ર પ્રભાસ પાટણ નામથી જાણીતું હતું.
સોમનાથ જ્યોતિર્લિંગની કથા
દક્ષ પ્રજાપતિ ને 27 પુત્રીઓ હતી, તે બધી પુત્રીના લગ્ન ચંદ્રદેવ સાથે થયા હતા. પરંતુ ચંદ્રદેવ ફક્ત રોહિણી ને જ પ્રેમ કરતા હતા, તેથી તેમની બાકીની 26 પુત્રીઓ ખૂબ દુઃખી થતી હતી. તેમણે પોતાની આ વ્યથા પોતાના પિતા દક્ષ પ્રજાપતિ ને કહી. દક્ષ પ્રજાપતિ એ ચંદ્રદેવને ઘણી વખત સમજાવ્યા, પરંતુ રોહિણી થી આકર્ષિત ચંદ્રદેવ નાં હૃદય પર આ વાતની જરા પણ અસર ન થઈ.
અંતે દક્ષ પ્રજાપતિએ ક્રોધિત થઈને ચંદ્રદેવને ક્ષયગ્રસ્ત થઈ જવાનો શ્રાપ આપ્યો. આ શ્રાપને કારણે ચંદ્રદેવ તરત જ ક્ષયગ્રસ્ત થઈ ગયા. તેમના ક્ષયગ્રસ્ત થવાથી પૃથ્વી પર સુધા, શીતળતા વરસાવવા જેવા દરેક કાર્ય રોકાઈ ગયા. ચારે બાજુ ત્રાહિ ત્રાહિ થવા લાગ્યું, ચંદ્રદેવ પણ ખૂબ દુઃખી થયા. તેમની પ્રાર્થના સાંભળીને ઇન્દ્રદેવ અને બીજા દેવો તેમજ ઋષિમુનિઓ ચંદ્રદેવના ઉધ્ધાર માટે પિતામહ બ્રહ્માજી પાસે ગયા.
બ્રહ્માજીએ પૂરી વાત સાંભળીને કહ્યું, ચંદ્રમા એ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે, અન્ય દેવો અને ઋષિઓ સાથે પૃથ્વી પરનાં પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં જઈને મહામૃત્યુંજય ભગવાન શિવ ની આરાધના કરવી. મહાદેવની કૃપાથી ચંદ્રદેવ અવશ્ય શ્રાપમાંથી મુક્તિ મેળવશે અને તે રોગ મુક્ત થઈ જશે.
બ્રહ્માજીના કહેવા અનુસાર ચંદ્ર દેવે મૃત્યુંજય ભગવાનની આરાધના કરી, તેમણે ઘોર તપસ્યા કરીને દસ કરોડ વખત મૃત્યુંજય મંત્રનો જાપ કર્યો. ભગવાન શિવજીએ પ્રસન્ન થઈને ચંદ્રદેવને અમરત્વ નું વરદાન આપ્યું. શિવજીએ કહ્યું, ચંદ્રદેવ તમે દુઃખી થાવ નહીં મારા વરદાનથી તમારો શ્રાપ ઓછો તો થશે જ સાથોસાથ પ્રજાપતિ દક્ષનાં વચન ની રક્ષા પણ થશે.
કૃષ્ણ પક્ષમાં દરરોજ તમારી એક એક કળા ક્ષીણ થશે, પરંતુ ફરીથી શુક્લ પક્ષમાં એ જ ક્રમમાં દરરોજ એક એક કળા વધી જશે. આ પ્રમાણે દરેક પૂનમ નાં દિવસે તમે પૂર્ણ ચંદ્ર બની જશો. ચંદ્રદેવને મળેલ આ વરદાનથી સર્વે લોકના પ્રાણીઓ પ્રસન્ન થઈ ગયા, સુધાકર ચંદ્રદેવ દશે દિશાઓમાં પોતાનું કાર્ય પૂર્ણ કરવા તૈયાર થઈ ગયા.શ્રાપ મુક્ત થઈને ચંદ્રદેવે અન્ય દેવો સાથે મળીને ભગવાન મૃત્યુંજય ને પ્રાર્થના કરી કે તમે દેવી પાર્વતી સાથે હંમેશા માટે પ્રાણીઓના ઉદ્ધાર અર્થે અહીંયા નિવાસ કરો.ભગવાન શિવે ચંદ્રદેવની એ પ્રાર્થનાનો સ્વીકાર કરીને જ્યોતિર્લિંગ સ્વરૂપે માતા પાર્વતી સાથે અહીંયા રહેવા લાગ્યા.
પવિત્ર પાવન પ્રભાસ પાટણ નાં સોમનાથ જ્યોતિર્લિંગ ની મહિમા મહાભારત, શ્રીમદ ભાગવત તેમજ સ્કંદપુરાણ માં વિસ્તારથી સમજાવવામાં આવી છે. ચંદ્રદેવનું એક નામ “સોમ” પણ છે, તેમણે ભગવાન શિવને પોતાના નાથ, સ્વામી માનીને અહીંયા તપસ્યા કરી હતી, તેથી આ જ્યોતિર્લિંગ ને સોમનાથ જ્યોતિર્લિંગ કહેવાય છે.
સોમનાથ જ્યોતિર્લિંગ નાં દર્શન, પૂજા કરવાથી ભક્તજનોના જન્મ – જન્માંતર ના પાપો અને દુષ્કૃત્ય નષ્ટ થઈ જાય છે. અને ભગવાન શિવ તેમજ માતા પાર્વતીની અક્ષય કૃપા ને પાત્ર બની જાય છે.