સામાન્યત: કોઇ પણ યુગલ પરસ્પર એકબીજાને ડાયમંડ અથવા સોનાની વીંટી પહેરાવીને સગાઈ કરવાની ઓફર આપતો હોય છે, પરંતુ આ કેસમાં તો ચિત્ર સાવ અલગ છે. દીપકે તો પહેરાવી વીંટી પરંતુ સોના-ચાંદી કે હીરાજડેલી નહીં, પણ તદ્દન સ્મોગ-ફ્રી રિંગ!
ચાર વર્ષ પહેલા, કામ સબબ બેઇજિંગ ગયેલા રૂઝગાર્ડ ત્યાંના પ્રદૂષણથી ભયંકર રીતે કંટાળી ગયા અને તેમણે વિશ્વનાં સૌથી મોટા સ્મોગ-વેક્યુમ ક્લિનરનું ઇનોવેશન કર્યુ
સગાઇ-લગ્નનું ભવિષ્ય હવે ફક્ત ધાર્મિક વિધિ પૂરતું સીમિત ન રહેતાં, ટેક્નોલોજી ક્ષેત્રે ધરખમ પરિવર્તન લાવવા માટેનું એક મહત્વનું કારણ બની રહ્યું છે! સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, ગ્લોબલ વોર્મિંગ અને પોલ્યુશનની સમસ્યાનો ટ્રેડિશનલ-ભારતીય પરંપરાથી ઉકેલ લાવવા પાછળ બ્લુમબર્ગનાં ઇન્ડિયન ડેટા એનેલિસ્ટ દીપક પંજવાણીનો બહુ મોટો ફાળો છે. વધારે પડતાં સવાલો મગજની આસપાસ ઘેરાવો લેવાનું શરૂ કરી દે એ પહેલા સીધા મુદ્દા પર આવી જઈએ.
સપ્ટેમ્બર 2016ની આ વાત! એક્ઝિક્યુટિવ શેફ અને કેટરર તરીકે કામ કરતી ક્લો સ્ટેનને તેનાં બોયફ્રેન્ડ દીપક પંજવાણીએ સગાઈ માટે પ્રપોઝ કર્યુ. સામાન્યત: કોઇ પણ યુગલ પરસ્પર એકબીજાને ડાયમંડ અથવા સોનાની વીંટી પહેરાવીને સગાઈ કરવાની ઓફર આપતો હોય છે, પરંતુ આ કેસમાં તો ચિત્ર સાવ અલગ છે. દીપકે વીંટી તો પહેરાવી પરંતુ સોના-ચાંદી કે હીરાજડેલી નહીં, પણ તદ્દન સ્મોગ-ફ્રી રિંગ! વાતાવરણમાંથી હજારો-લાખો ગેલન કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી, તેને એક ટચૂકડી ડબ્બીમાં દબાણ આપીને ભર્યા બાદ, વીંટી જેવડા કદનાં નાનકડા બોક્સમાં ગ્રાહકને આપી દેવામાં આવે છે. એ વીંટીમાં ભરાયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલી હદ્દે નુકશાનકારક છે કે વ્યક્તિ એકવાર અગર એને સૂંઘી લે તો તેનાં જીવનનાં સાત-આઠ વર્ષોનું આયુષ્ય ઘટી જાય!
પર્યાવરણનાં મુદ્દાને કેન્દ્રમાં રાખીને અગર સગાઈ થઈ શકતી હોય, બે લોકો પરસ્પર હંમેશ માટે જોડાઈ શકતાં હોય તો એમાં ખોટું શું છે? 27 વર્ષીય ક્લો સ્ટેન અને દીપક પંજવાણી પોતાનાં સંબંધની શરૂઆત કંઈક અલગ પ્રકારે કરવા માંગતા હતાં. ડાયમંડ રિંગ અથવા મોંઘાભાવની અન્ય સરપ્રાઇઝ આપીને સેરેમનીનું આયોજન કરવામાં કોઇ નવી વાત નથી. પરંતુ હા, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીનહાઉસ ઇફેક્ટ જેવી વૈશ્વિક સમસ્યાને કેન્દ્રમાં રાખીને આ પગલું ઉઠાવવાથી ફક્ત બે વ્યક્તિ નહીં, પરંતુ સમાજનું પણ ભલું થઈ શકે છે!
ગત સાલ ત્રીજી સપ્ટેમ્બરનાં રોજ દીપક અને ક્લો સ્ટેનનાં ન્યુજર્સી ખાતે ધામધૂમથી લગ્ન થયા અને હવે તેઓ સપરિવાર સાન ડિઆગો શિફ્ટ થઈ રહ્યા છે. આપણામાંથી ઘણા બધા લોકો એવા હશે જે પોતાનાં સગાઇ-લગ્નને ખાસ બનાવવા માંગે છે. આજકાલ ડેસ્ટિનેશન વેડિંગ અને થીમ એન્ગેજમેન્ટ ટ્રેન્ડમાં છે. પરંતુ સ્મોગ-ફ્રી રિંગનાં માર્કેટ-આગમન બાદ એક સાવ નવો ટ્રેન્ડ જોર પકડે એવી શક્યતા સેવાઈ રહી છે. વિશ્વમાંથી પ્રદૂષણ કરનાર ટચૂકડી વસ્તુનો ટ્રેન્ડ ગ્લોબલ વોર્મિંગનાં ખાત્મા પાછળનું કારણ બને એ વાત કેટલી અદભુત છે!
ડચ આર્ટિસ્ટ અને ટેક્નોલોજિસ્ટ ડાન રૂઝગાર્ડે આવા પ્રકારની સ્મોગ-ફ્રી રિંગ શા માટે અને કેવી રીતે બનાવી એ પ્રશ્ન પણ યથાયોગ્ય છે. ચાર વર્ષ પહેલા, કામ સબબ બેઇજિંગ ગયેલા રૂઝગાર્ડ ત્યાંના પ્રદૂષણથી ભયંકર રીતે કંટાળી ગયા અને તેમણે વિશ્વનાં સૌથી મોટા સ્મોગ-વેક્યુમ ક્લિનરનું ઇનોવેશન કર્યુ. દર કલાકે 30,000 ક્યુબિક મીટર (80 લાખ ગેલન) પ્રદૂષિત હવાને શોષી તેનું શુદ્ધ હવામાં રૂપાંતર કરી શકવા સક્ષમ હતું. સમગ્ર પ્રક્રિયાને અંતે થોડાક પાર્ટિકલ્સ જ્યારે બચી ગયા ત્યારે તેમનું માઇક્રોસ્કોપમાં નિરીક્ષણ કરતાં વૈજ્ઞાનિકોને જાણ થઈ કે તેમાંથી અડધા ભાગનું મટિરિયલ તો કાર્બન છે! રૂઝગાર્ડે વિચાર્યુ કે કાર્બનને ઉચ્ચ દબાણ હેઠળ પ્રક્રિયા કરાવવામાં આવે તો તે હીરાનું સ્વરૂપ ધારણ કરી લે છે. આથી શા માટે આપણે પણ આ બચી ગયેલા કાર્બન સ્મોગનો ઉપયોગ કોઇક ખાસ પ્રકારની જ્વેલરી બનાવવામાં ન કરીએ?!
શરૂઆતી સમયમાં તો અમે મજાક પણ કરી લેતાં કે, કયું દંપતી પ્રદૂષણ પહેરવાની હિંમત કરશે..!!? સ્મોગ-ફ્રી રિંગની બ્યુટી લુઇસ વુઇટ્ટન, ફેરારી, રોલેક્સ કે અન્ય કોઇપણ બ્રાન્ડેડ કરતાં ઘણી વધારે છે. પર્યાવરણને શુદ્ધ અને પ્રદૂષણરહિત કરી શકવાની ક્ષમતા બીજી કઈ બ્રાન્ડ છે ખરી? ડાન રૂઝગાર્ડે મીડિયા-ઇન્ટરવ્યુ દરમિયાન પોતાની વાત રજૂ કરી હતી. એમની કંપની સ્ટુડિયો રૂઝગાર્ડને અલગ-અલગ દેશોમાંથી સ્મોગ-ફ્રી રિંગ માટેનાં ઓર્ડર મળી રહ્યા છે.
સાચા ડાયમંડની સરખામણીએ ક્યાંય વધુ સસ્તી અને છતાં કિંમતી એવી આ વીંટીની કિંમત લગભગ 300 ડોલર (250 યુરો) જેટલી નક્કી કરવામાં આવી છે. બેઇજિંગ, રોટ્ટરડમ, પોલેન્ડ અને મેક્સિકોમાં હાલ આવી વીંટી ઉપલબ્ધ છે. આગામી સમયમાં ભારત અને કોલંબિયા પાસે પણ તે ઉપલબ્ધ થઈ જશે. દરેક શહેરમાં પ્રદૂષિત હવાની માત્રા જુદી જુદી છે. કોઇકમાં વાહનોનો ત્રાસ વધુ છે તો ક્યાંક ફેક્ટરી-ઇન્ડસ્ટ્રીનો! કયા શહેરમાંથી હવાનું શુદ્ધિકરણ થવું જોઇએ એ વાતની પસંદગી સ્મોગ-ફ્રી રિંગની ખરીદી કરનાર ગ્રાહક પોતે કરે છે. શરત માત્ર એટલી કે, એણે પસંદ કરેલા શહેરમાં સ્મોગ-ફ્રી ટાવર ઉભો કરવામાં આવ્યો હોવો જોઇએ.
2015નાં નવેમ્બર મહિનામાં મિયામી ખાતે 35 વર્ષીય ક્રિશ કેચલેજ અને તેની ગર્લફ્રેન્ડ વનેસ્સા હર્ટ્ઝ દ્વારા રિંગને ઓનલાઇન ઓર્ડર કરવામાં આવી. તેઓ સ્પષ્ટપણે માને છે કે આટલી વિષકારક વસ્તુનો ઉપયોગ સમાજનાં ભલા માટે થઈ શકતો હોય તો સમગ્ર વિશ્વનાં દેશોએ એકજૂઠ બનીને તેનો સ્વીકાર અને પ્રચારપ્રસાર કરવો જોઇએ. સોના-ચાંદીની વીંટીઓ હવે કદાચ એટલી આકર્ષક ન લાગે એવું પણ બને! મજાની વાત એ છે કે ડાન રૂઝગાર્ડ પોતે પરણેલા નથી. તેઓ હજુ પણ પોતાનાં લાઇફ-પાર્ટનરની શોધમાં છે જેને તેઓ પોતાની ઇન્વેન્ટ કરેલી સ્મોગ-ફ્રી અંગૂઠી પહેરાવી શકે!
તદ્દન નવો અને ઇકોફ્રેન્ડલી એવો આ કોન્સેપ્ટ યુવાનોને તો ઘણો પસંદ પડે એમ છે. પરંતુ જુની રૂઢિમાં માનનારાઓ તો હજુ પણ સ્મોગ-ફ્રી રિંગને સગાઈ જેવા પ્રસંગોમાં ઉપયોગમાં લેવા માટે આનાકાની કરશે જ! દીપક પંજવાણી અને ક્લો સ્ટેનનાં સંબંધો બંધાયા એ વખતે પણ પરિવારનાં સભ્યોનું એ જ માનવું હતું કે સગાઈની રિંગ તો પારંપરિક હોવી જોઇએ. વર્ષોથી જે પ્રથા ચાલી આવે છે તેનું અનુસરણ થવું જોઇએ. પરંતુ આખરે ધાર્યુ તો ધણીનું જ થયું! મોંઘીદાટ વસ્તુઓ જ હંમેશા શ્રેષ્ઠ હોય છે એ માનસિકતામાંથી આપણા સમાજે બહાર નીકળવું જ પડશે. એમણે એક વાત ખાસ સમજવી પડશે કે દરેક વસ્તુની કિંમત હોવી જરૂરી નથી, અમુકનું મૂલ્ય કરોડો-અબજો કરતાં પણ વધુનું હોય છે. સમગ્ર પર્યાવરણ માટે લાભદાયી નીવડી શકે એવી વીંટીનું મૂલ્ય હીરા-મોતી, પ્લેટિનમ કે સોના કરતાં ઘણું વધારે છે!