બગડેલી બુધ્ધિને પૂન: પવિત્ર અને નિર્મળ બનાવી દેવાની ખાતરી આપે એવા ડોકટરની જરૂર છે; મહિલા ડોકટરને પ્રથમ પસંદગી લાયકાત નકકી કરશે દેશની નવી પેઢી; વહેલા તે પહેલા ! ગાંધી-વિચારધારાની ડિગ્રી અને હાલની સંસદીય કામગીરીનો અનુભવ ગેરલાયકાત લેખાશે!
આ જાહેરાત દેશના સવા અબજ જેટલા પ્રજાજનોએ સમજી વિચારીને, શુધ્ધ બુધ્ધિથી તથા નિર્ભય પણે તેમજ પકોઈના કોઈપણ જાતના દબાણ તેમજ લાલચ વગર આપવામાં આવી છે. એમ માનવું !
આપણા દેશની ઘણી બધી કમજોરીઓમાં અને બુરાઈઓમાં જેનો સૌથી મોટો હિસ્સો છે તેમાં બગડેલી બુધ્ધિ તથા સંસદગૃહોમાં પગપેસારો કરી ગયેલો સડો છે.
આપણે ગંગાને મેલી કરી દીધી છે. અને તિર્થધામોને પારાવાર દૂષિત કરી ચૂકયા છીએ.
એક દેશભકત ચિંતકે સાચુ કહ્યું છે કે, ‘ચાલો આપણે બધા કાંતો આપણા દેશને પાયમાલીમાંથી ઉગારવાના અને કદરૂપી હેવાનિયતમાંથી બહાર કાઢવાના લક્ષ્ય સાથે જ જીવીએ, અથવા તો મરી જઈએ ! કારણ કે રૂદિયાની બળતરા હવે અસહ્ય બની છે !
બગડેલી બુધ્ધિને પૂન: પૂણ્યના કામોની સંજીવની અને પરમેશ્ર્વરને પ્રસન્ન કરે એવી રાષ્ટ્રના હિતની તેમજ સામાજિક કલ્યાણના કાર્યો દ્વારા વિશુધ્ધ તેમજ નિર્મળ કરી આપે એવા ઉગતી અને નવી પેઢીના નિષ્ણાંત ડોકટરની જરૂર છે. મીશનરી મહિલાને પહેલી પસંદગી…
હાલની સંસદના અનુભવને ગેરલાયકાત લેખવામાં આવશે!
અહી એક નોંધપાત્ર બાબત એ છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ બીજા અટલ બિહારી વાજપેયી મેમોરીયમને સંબોધન કરતા બહુમતી મુદે સરકારને સાવધ કરવા ઉપરાતં એક મહત્વના વિઘ્નમાં લોકસભાની બેઠક સંખ્યા ૧૦૦૦ કરવા ભલામણ કરી. હાલ ૫૪૩ બેઠકોના આ નિચલા ગૃહથી દેશનાં તમામ વિસ્તારોને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી તેવી તેમની દલીલ હતી એક વાત લોકસભામાં જો હાલ કરતા લગભગ ડબલ એટલે કે ૧૦૦૦ની આસપાસ સભ્ય સંખ્યા વધે તો તે મુજબ રાજયસભા અને બાદમા રાજયોની વિધાનસભાની બેઠકો પણ વધી શકે છે. કારણ કે પ્રતિનિધિત્વની વ્યશખ્યા સમાનતાથી લાગુ પડે છે. પ્રણવ મુખરજી જેવા પીઢ રાજનેતા જેણે ભારતીય રાજકારણના તમામ રંગ જોયા છે. અને સંસદનાં બંને ગૃહોનાં સભ્યપદથી લઈને વડાપ્રધાન સિવાયના તમામ સર્વોચ્ચ પદ તેઓએ સંભાળ્યા છે.તેથી તેઓ જો આ પ્રકારની સલાહ આપતા હોય તો તેમાં તર્ક ચોકકસ હશે તે નિશ્ર્ચિત છે.
આપણા સંસદગૃહોમાં રાષ્ટ્રની સમસ્યાઓ વિષે અને નીતિરીતિઓ વિષે અને શાસનની ખૂબીઓ-ખામીઓ વિષે ચર્ચાઓ વિષે મુખ્યત્વે ચર્ચાઓ થવી જોઈએ. પરંતુ રાષ્ટ્રીય સમસ્યાઓની ચિંતાને બદલે પક્ષીય બાબતો વિષે જ ચર્ચાઓ થાય છે. અને આક્ષેપબાજીઓ નિંદા, ઉશ્કેરાટ, બૂમાબૂમ, દેકારો અને સભાનું કામકાજ બંધ રખાવવાનાં ઘોંઘાટ-દેકારામાં જ સમય પસાર કરી દેવાય છે. સરકાર પક્ષ અને વિરોધ પક્ષો સાથે મળીને લોકહિતના તેમજ રાષ્ટ્રહિતના મુદ્દાઓની ચર્ચાઓમાં પણ સંઘર્ષનાં રાજકારણનો આશરો લવાય છે!
આ બધુ જોતા એવો જ ખ્યાલ ઉપસે છે કે, આપણી સરકાર તેમજ આપણા સંસદગૃહો બંને આપણા દેશની હાલની બરબાદી માટે અને નિર્લજતા માટે દોષિત છે.
કાળઝાળ મોંઘવારી, કારમી બેરોજગારી, તંત્રની લાપરવાહી અને પ્રજાકીય હિતોની સુરક્ષાના મુદે આંખ આડા કાન, એ બધું જાણે સામાન્ય બની ગયું છે.
ડુંગરી, મગફળી, તેમજ અન્ય જીવનજરૂરી ચીજ-વસ્તુઓની લગતી એકધારી હાડમારીઓ વેઠી વેઠીને હવે પ્રજાની ધીરજ ખૂટી છે. અને એવો અવાજ ઉઠવા લાગ્યો છે કે, ‘ચાલો આપણે કાંતો પાયમાલીમાંથી દેશને બહાર કાઢવાનાં લક્ષ્ય સાથે જ જીવીએ, અથવા તો મરી જઈએ ! હવે હૈયાની બળતરાનાં વેઠવાની ત્રેવડ રહી નથી.
શાસકોની બુધ્ધિ બગડી છે. એને પૂન: પવિત્ર અને નિર્મળ બનાવ્યા વિના છૂટકો નથી. એને લગતા નિષ્ણાંત ડોકટર, એક કે એકથી વધારે જેટલા ખપે એટલા અનિવાર્ય પણે જરૂરી છે. બિમારી અટપટી પણ છે. અને એકધારી સારવાર વિના હટે તેમ નથી. જો રાષ્ટ્રપતિની ચૂંટણી આવી લાયકાતના ધોરણે થતી હોત અને સાંસદોની પસંદગી મહાત્મા-ગાંધીજીની વિચારધારાને વરેલા મહાનુભાવો દ્વારા થતીય તો અત્યારે અનુભવાતી હાડમારીઓની વેદના ન વેઠવી પડતા અને રામમંદિર તેમજ રામરાજયનું સૌભાગ્યા કયારનું સાંપડી ગયું હોત !
હજુ લેશમાત્ર વિલંબ વિના ચેતી જવાય અને સાચી દિશા અને સાચો ધર્મ સંભાળી લેવાય તો તે ડહાપણભર્યું લેખાશે!
‘પાપ તારૂ પ્રકાશ જાડેજા, ધરમતારો સંભાળ રે, તારી બેડલીને બૂડવા નહિ દઉ, જાડેજા રે, એમ તોરલ કહે છે જી…?
પાપનો પસ્તાવો કરવો અને રાજધર્મને સંભાળી લેવો, એજ ખરો ઉપાય છે.