સુરેન્દ્રનગર ખાતે જિલ્લાકક્ષાનો ૧૫૦મી ગાંધી જયંતીની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: મહાનુભાવોએ સફાઈ અભિયાન ચલાવ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં રંભાબેન ટાઉન હોલ ખાતે જિલ્લાકક્ષાનો ૧૫૦મી ગાંધી જયંતી ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાંચ વર્ષ પહેલા શરૂ કરેલા “સ્વરછ ભારત મિશન” નું પરિણામ આજે સમગ્ર દેશમાં જોવા મળી રહયું છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આપણા સૌના સહિયારા પ્રયત્નો થકી આજે આપણે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સંપુર્ણ ભારતને ” ખુલ્લામા શૌચ મુકત” જાહેર કરી પુજ્ય બાપુને સાચી શ્રધ્ધાંજલી અર્પણ કરવા જઇ રહ્યા છીએ. આ કોઇ નાની વાત નથી, એક ઐતિહાસિક સિધ્ધિ છે તેમ જણાવી સ્વચ્છતાની આ ઐતિહાસિક સિધ્ધિ માત્રથી સંતોષ ન માનતા નાગરીકોના વિશાળ જન આંદોલન થકી ગામે ગામને સ્વચ્છ બનાવી, આપણે સૌએ સરકારના સ્વચ્છતાના પ્રયાસોમાં સહભાગી બનવું પડશે તેમ પણ જણાવ્યું હતું.
મંત્રીએ આ તકે પ્લાસ્ટીક પર્યાવરણને સૌથી વધારે નુકશાન કરતુ પ્રદુષક છે. પ્લાસ્ટીકથી ફેલાતુ પ્રદુષણ હજારો વર્ષો સુધી જળ, જમીન અને વાયુને નુકશાન કરતુ રહે છે, જેને ધ્યાને લઇને વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં પ્લાસ્ટિક વિરુધ એક જન આંદોલન શરૂ કર્યું છે તેમાં આપણે સૌએ જોડાવું પડશે તેમ ઉમેર્યું હતું.
સાંસદ ર્ડા. મહેન્દ્રભાઇ મુંજપરાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન સેગ્રીગેશન અને ડિસ્પોઝલ પર સંપુર્ણ ભાર મુકવામા આવ્યો છે. આ માટે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ લાવવા માટે નાગરિકોના વિશાળ જનઆંદોલન સ્વરુપે “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમનું ત્રણ તબક્કામા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. “સ્વચ્છતા હી સેવા-૨૦૧૯”ના કાર્યક્રમની મુખ્ય થીમ પ્લાસ્ટિક કચરાના સલામત નિકાલ અને વ્યવસ્થાપન છે, જેમાં પ્રત્યેક નાગરિકે સહભાગી બનવું પડશે, તેમ પણ જણાવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ ફીટ ઇન્ડીયા પ્લોગ મેરેથોન રનને મંત્રીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જયારે મંત્રીશ્રી તેમજ મહાનુભાવો દ્વારા ટાવર ચોકથી જેલચોક સુધી શ્રમદાન થકી રસ્તાની સફાઇ કરવામાં આવી હતી.