પંજાબના કોંગી મુખ્યમંત્રી અમરિંદરસિંઘે પદ્માવતી ફિલ્મને સમર્થન આપ્યું!!

એક તરફ રાજયમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે તો બીજી તરફ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનાં વિરોધ વંટોળ ઉભો થયો છે. ફિલ્મમાં રાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખીલજી વચ્ચે રોમેન્ટિક ડ્રિમ સ્કિવન્સ હોવાની વાતને લઈ રાજપુત સમાજમાં રોષ ભભુકયો છે અને આ પદ્માવતી ફિલ્મ કોઈ પણ સંજોગોમાં રીલીઝ ન થવા દેવાની હાંકલ કરી રહ્યાં છે. હજુ તો ફિલ્મ સેન્સર બોર્ડમાં ગઈ પણ નથી અને આ ફિલ્મ રીલીઝ થશે કે કેમ તેનો નિર્ણય બહારથી જ આવી રહ્યો છે. ત્યારે આ બાબતે ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ મંત્રી રાજવર્ધનસિંહ રાઠોડે નિવેદન આપ્યું છે કે, સેન્સર બોર્ડને તેનું કામ કરવા દો.

કોઈ પણ ફિલ્મ સ્ક્રિન પર પસાર થશે કે નહીં તેનાં નિર્ણય માત્ર સેન્સર બોર્ડ જ લઈ શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશન (સીબીએફસી સેન્સર બોર્ડ)ના મુખ્ય પ્રસુન જોષીએ જણાવ્યું છે કે, પદ્માવતી ફિલ્મને લઈ સેન્સર બોર્ડ તટસ્થ નિર્ણય કરશે અને આ માટે બોર્ડને પુરતો સમય જોઈએ છે. આથી ૧લી ડિસેમ્બરે પદ્માવતી રીલીઝ થાય તેવી શકયતા ઘણી ઓછી છે. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સરકારે પદ્માવતી ફિલ્મમાં રાજપુત સમાજની લાગણી દુભાવનારા કેટલાક દ્રશ્યો કાઢી નાખ્યા બાદ જ રીલીઝ કરવા જણાવ્યું છે. નહિતર આ ફિલ્મને કોઈ પણ સંજોગોમાં રીલીઝ ન થવા દેવા હાંકલ કરી છે. તો બીજી તરફ પંજાબના કોંગી મુખ્યમંત્રી અમરિંદરસિંઘે પદ્માવતી ફિલ્મને સમર્થન આપ્યું છે.

પદ્માવતી ફિલ્મને સમર્થન આપતા પંજાબ મુખ્યમંત્રી અમરિંદરસિંઘે જણાવ્યું હતું કે તે પદ્માવતી ફિલ્મના પ્રતિબંધને સપોર્ટ કરતા નથી અને ફિલ્મને લઈ થયેલા વિવાદોને ઉગ્ર ન બનાવવા જોઈએ અને જો ફિલ્મમાં ઈતિહાસ સાથે ચેડા થયા હોય તો તેનો શાંતિપૂર્ણ પણ નિકાલ લાવી શકાય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફિલ્મ નિર્માતા કે એકટ્રેસ પર કોઈ ડર કે ધમકી ઉભી ન કરવી જોઈએ. સીએમ અમરિંદરસિંહે નિવેદનમાં કહ્યું કે, મેં ફિલ્મ જોઈ જ નથી તો હું એ ફિલ્મનો વિરોધ કઈ રીતે કરી શકુ ? ઈતિહાસ સાથે ચેડા થયા હોય અને કોઈ વાંધો હોય તો કોઈ પણ વ્યક્તિ પાસે હક છે પરંતુ કોઈને ધાક ધમકીથી ડરાવી પોતાની વાત મનાવવી તે અયોગ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.