લાઠીમાં ચોથા દિવસે રામકથામાં પર્યાવરણ કાર્યકર્તાઓનાં વધામણાં
કલાપી નગરી લાઠીના આંગણે ગવાઈ રહેલી રામકથા” માનસ શંકર”ના ચોથા દિવસે પર્યાવરણના કાર્યકર્તાઓ પદ્મશ્રી મથુરભાઈ સવાણી કે જેઓ સૌરાષ્ટ્રની જલક્રાંતીની જાગૃતિના મશાલથી તરીકે ઓળખ ધરાવે છે. સાથોસાથ થોડાં દિવસોમાં જ અનેક નગરોને લીલાછમ બનાવવાની જેમની ઝંખના પુણે થઈ છે તેવાં રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ સાથે સંકળાયેલાં વિજયભાઈ ડોબરીયાનું વ્યાસપીઠ પરથી પુ. મોરારીબાપુના હસ્તે સ્વાગત -અભિવાદન કરવામાં આવ્યું. આજની કથામાં ભાગવતાચાર્ય ભુપેન્દ્રભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિ હતી. તેમના આશીર્વાદ પણ શ્રોતાઓને પ્રાપ્ત થયાં.
મોરારીબાપુએ આજની કથાવાણીને પ્રવાહિત કરતાં કહ્યું કે કોઈપણ વાણીના ત્રણ પ્રકાર હોય છે તેમાંથી એક નભવાણી, બીજી નાભીવાણી અને ત્રીજી નિર્દંભવાણી.નભવાણી અને નાભિવાણી સામાન્ય લોકોની ગજા બહારની વાત છે, પણ નિર્દંભંવાણીનો સૌ ઉપયોગ કરતાં રહે છે. આજે એક જિજ્ઞાસામાં બાપુએ શ્રોતાને કહ્યું કે જ્યારે તમને ઊંઘ ન આવે ત્યારે તમે ઊંઘવાના સમયે પૂજ્ય અને પ્રિય બંનેને યાદ કરો, સમાધાન મળી જશે.ગુરુ સ્વાધ્યાયના પાંચ લક્ષણો છે તેમાંથી પાંચમું લક્ષણ તે છે બુદ્ધ પુરુષો પાસે ખોટું ન બોલવું. પ્રારબ્ધના ત્રણ પ્રકાર છે નિવાર્ય, દૂર્નિવાર્ય અને ત્રીજો અનિવાર્ય. ભગવાનનું શંકરનું નામ માત્ર એક જ છે અને તે શંકર છે. બાકી બધાં જ નામ છે એ માત્ર વિશેષણ છે.
કથાના યજમાન ઘનશ્યામભાઈ શંકરનું આયોજન થોડી ત્રુટીઓને બાદ કરતાં સરાહનીય છે.આજનો યજમાન ડ્રેસ કોડ “રેડ” કલર હતો. પરંતુ પુરુષોના ડ્રેસ કોડમાં સિક્વન્સ જાળવી શકાઈ નહોતી. તેથી તેઓએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતાં. કથામાં રોજ 35- 40 હજાર લોકો ઉપસ્થિત રહે છે, ભોજન પ્રસાદ પણ મેળવે છે.બાપુએ ભાવથી પ્રસાદ ગ્રહણ કરવા વિનંતી કરી હતી. આજે સર્વરોગ નિદાનકેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં 654 દર્દીઓએ પોતાની સારવાર કરાવવાની સેવા લીધી હતી.આજે રાત્રે લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.