સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ મોરબી નગરપાલિકા દ્વારા મોરબીના ઉમિયા સર્કલ પર ૧૦૮ ફૂટ ઉંચા સ્તંભ પર તિરંગો લહેરાવી તિરંગાના સન્માનમાં શરૂ કરેલા હર ઘર તિરંગા અભિયાનમાં મહત્વનું યોગદાન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી નગરપાલિકા દ્વારા ઉમિયા સર્કલ પર ૧૦૮ ફૂટ ઊંચા સ્તંભ પર પોલિસ્ટરનો ૨૦/૩૦ ફુટનો તિરંગો હંમેશા લહેરાતો રહે તે માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન તિરંગો લહેરાવી શકાય તે માટે સ્તંભ ઉભો કરવા માટેની કન્સ્ટ્રક્શનની કામગીરી પણ તેજ ગતિએ કરવામાં આવી રહી છે.
આ બાબતે વધુ વિગતો આપતા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મોરબીના ઉમિયા સર્કલ પર રાષ્ટ્રીય એકતા અને ઉન્નતિના પ્રતીક સમો તિરંગો હર હંમેશ લહેરાતો રહે અને લોકોમાં દેશભક્તિની ભાવનાને ઉજજ્વલિત કરતો રહે તે માટે દસ લાખના ખર્ચે સ્તંભ ઉભો કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. આ સ્તંભ પર રાષ્ટ્રધ્વજ લહેરાવાની સાથે સર્કલ પર નયનરમ્ય લાઇટિંગ પણ લગાવવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દેશના ઘર ઘર પર તિરંગો લહેરાય, લોકોમાં તિરંગા પ્રત્યેની સન્માનની ભાવના વધુને વધુ પ્રદર્શિત થાય ઉપરાંત દેશના દરેક નાગરિકમાં દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવનાનો સંચાર થાય તેવું આયોજન સમગ્ર રાષ્ટ્રમાં કરવામાં આવનાર છે.