ગામ લોકોની હોંશ ખાલી ખેતીનાં ધંધાએ છીનવી લીધી, ને ગામડા બોલતાં બંધ થઈ ગયા ! ગામડા ભાંગતા ગયા ને શહેરો બનવાનાં ફાંફા મારતા રહ્યા: ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય સંસ્કૃતિનો બેહુદો હાસ ભારત વર્ષની અસલીઅતને છિન્નભિન્ન કરી નાખવાની દહેશત! સત્તાધીશો માટે જાગી જવાની આલબેલ !
આપણા દેશનાં ગામોને ગોકુળસમા બનાવી દેવાનાં વચનો બીજા અસંખ્ય નહીં પળાયેલા મૃત વચનોનાં ડુંગરની પંકિતમાં ગોપાલકૃષ્ણની ભૂમિની કમનશીબી ! કોરોનાગ્રસ્ત દેશની ગરીબાઈમાં સળગતી પ્રજા ત્રાહિમામ્ જબરા પરિવર્તન અને ઉથલપાથલ નવા-જૂનીઓની કાગડોળે રાહ જોતો આખો દેશ રાજનેતાઓ -રાજગાદીલક્ષી રાજકારણમાં જ ડુબાડુબ અકળ પરિણામો ?
આપણો દેશ ખેતી આધારિત દેશ છે. ખેતીપ્રધાન દેશ છે. આપણો દેશ મોટા ભાગે ગામડાઓનો દેશ પણ મનાતો આવ્યો છે. અહીં ખેતી અને ગામડું પરસ્પર આધાર્તિ છે. ખેતી અને ગ્રામ વિકાસ માટે અનેક નીતિગત નિર્ણયો લેવાયા, પરંતુ આ બધુ હજુ ઠેરના ઠેર છે. સ્વતંત્ર ભારતનું પાયાનું એકમ ગામડું છે. ભારતની મોટાભાગની વસતિ ગામડા અને ખેતી ઉપર આધારિત છે, અર્થાત્ ખેતી ઉપર જ નભે છે. અનેક સરકારો આવી ને ગઈ, પણ ગ્રામ વિકાસ અને ખેતી ક્ષેત્રે જે પ્રયત્નો સફળ થવા જોઈતા હતા. તે થયા નથી પરિણામે અત્યારે ગામડા અને ખેતી ઉપર તેની વિપરીત અસર જોવા મળે છે. એમ કહી શકાય કે ગામડાઓ આ દેશનો આત્મા છે અને ખરૂ ભારત ગામડામાં જ વસવાટ કરે છે. ગ્રામીણ સમાજ, ગ્રામીણ પરંપરા અને પ્રણાલીકાઓ, સંસ્કૃતિ અને મોટા ભાગના રીતરિવાજ એ આપણી ઓળખ છે.
આજે ગામડાની સ્થિતિ વધુને વધુ ચિંતા ઉપજાવનારી બની છે. યુવા વર્ગ ગામડું છોડીને શહેરો તરફ વળ્યો છે. એનું મુખ્ય કારણ ગ્રામીણક્ષેત્રે રોજગારીની અછત રહેવા લાગી મહાત્મા ગાંધીજીએ એવો મત વ્યકત કર્યો હતો કે, ગામડા ભાંગે અને તે શહેરો બનવાનાં ફાંફા મારે તે અનુચિત બનશે. એના બદલે પ્રત્યેક ગામોમાં ગૃહ ઉદ્યોગ કે ગૃહમાં જ રોજી મળી રહે એવા હુન્નર અપનાવવા જોઈએ અને પ્રત્યેક ઘર નાની નાની ફેકટરી (કારખાના)માં પરિવર્તિત થવા જોઈએ એનો અર્થ એ કે પ્રત્યેક ઘર શહેરમાં પલ્ટાવું જોઈએ.
કમનશીબે એનાથી ઉલ્ટું જ થયું અને ગામડાઓ ભાંગી ભાંગીને શહેરોમાં પરિવર્તિત થવા લાગ્યા ! એનું પરિણામ એ આવ્યું કે, ગ્રામ્ય ક્ષેત્રે રોજગારીનો અભાવ રહ્યો અને યુવાવર્ગ શહેરોમાં જતો રહેવાની સ્થિતિ ફરજીયાત બનતી ચાલી. આ બધું જોતા આપણા દેશમાં અત્યારે ગ્રામ વિકાસ અને ખેતીના ધંધાની સ્થિતિ સારી રહી નથી.
આપણા દેશના તમામ ગામડાઓને ગોકુળ જેવા સમૃધ્ધ ગામોમાં ફેરવી દેવાનાં વચનો સત્તાધીશો પાળી શકયા નથી અને તેમાંનાં કેટલાય ગોબરા-ગંધારા જ રહ્યા છે એ આપણા દેશનો જબરો કટાક્ષ નથી.
ગોપાલકૃષ્ણની ભૂમિને તિર્થસ્થાન સમી બનાવવાનો ધર્મ આપણા સત્તાધીશો અને રાજકર્તાઓ બજાવી શકયા નથી.
અયોધ્યામાં રામજન્મભુમિ મંદિરનાં નિર્માણનો ઘંટારવ સાચો કે ખોટો થયા કરે છે તે વખતે આપણા ગામડાઓને અર્ધાપર્ધાય તિર્થસ્થાનો સમા બનાવવાની સુઝ આપણા રાજકારણીઓએ દાખવી નથી.
વૃંદાવન, મથુરા ગોકુળની ગોપાલકૃષ્ણની અને નંદ-જશોદાની ભૂમિને તિર્થભૂમિમાં ફેરવી નાખવામાં રાહ જોવી એ કેવું નવાઈજનક લાગે છે ! અયોધ્યા મંદિરની ભૂમિ અને ગોપાલકૃષ્ણની ભૂમિ વચ્ચે શો ભેદ હોઈ શકે ?
ભારત ખેતી પ્રધાન દેશ છે, ગામડાઓનો દેશ છે. ગ્રામ વિકાસને પ્રાધાન્ય આપીને એ તરફ આવશ્યક લક્ષ્ય આપ્યા વિના રાજગાદીલક્ષી ચૂંટણીઓનાં રાજકારણમાં જ ડૂબાડૂબ રહેવું, એતો ‘ખોટનો વેપલો’ લેખાશે! અત્યારે આપણો દેશ ‘કોરોના’ સહિત ઘણી બધી મુશ્કેલીઓ તેમજ મુંઝવણોથી ઘેરાયેલો છે. અને ભારેલા અગ્નિ સમો રાજકીય ધુંધવાટ પણ ચરમસીમાએ પહોચ્યો છે.
આ બધું હોવા છતાં ગ્રામ્ય પ્રદેશો, ગામડાઓ, ખેતી, કૃષિ, કિસાનો, ખેડૂતો વગેરે પ્રતિની ઉપેક્ષા અમંગળ એંધાણ જ લેખાશે એ નિર્વિવાદ છે. દેશની પોણા ભાગની વસતિની ઉપેક્ષા રાજકીય દ્રષ્ટિએ પણ પાલવે તેમ નથી. આમાં સરવાળે સંસ્કૃતિ-સંસ્કાર અને સુખશાંતિના મુદા પાયામાં રહેશે, એ પણ દીવા જેવું સ્પષ્ટ છે.