શહેરો અને ગામોમાં અવનવી કઠણાઈઓનો ભોગ આમ પ્રજા બની રહી છે જીવતર દોહલાં બનતા હોવાનો પોકાર પેટ્રો ચીજોમાં ભાવો આસમાને: મોંઘવારી બેકાબુ બનતા અને જીવન જરૂરી ચીજ વસ્તુઓની કિંમતો ચરમસીમાએ પહોંચતા તમામ સ્તરે કેળવણી ઉપર બેહુદી તરાપ: વહીવટી તંત્ર તદ્ન ખાડે ! કોરોના અને વરસાદની સ્થિતિ ઉપર દેશનાં ભાવિનો આધાર!
સત્યનું જ આચરણ કરવાનો ધર્મ નહિ બજાવવાનો આકરો બદલો: આપણી સ્વર્ગસમી માતૃભૂમિને કયાં સુધી નર્ક જેવી બનાવ્યા કરશું ? સત્ય અને અહિંસાના પુજારી મહાત્મા ગાંધી હોત તો આપણી ઉગતી પેઢી એમને આ સવાલ પુછત!
આપણા દેશના અતીત અને વર્તમાન કાળની સમીક્ષા કરતી વખતે એવો સૂર નીકળે છે કે, કયારેક કોઈ આ દેશની દયા ખાય છે. કયારેક કોઈ આ દેશની વાહ કરે છે… કયારેક કોઈ એવો ખ્યાલ બાંધે છે કે, આ દેશ વિશ્ર્વના મહાન રાષ્ટ્રોની હરોળમાં ઉભો રહેશે. કયારેક કોઈને એવુંલાગે છે કે, આ દેશનું અધ:પતન થશે !
કયારેક કોઈને આ દેશ પ્રગતિ કરતો અને વિકાસ સાધતો હોય એવું લાગે છે. કોઈને આદેશ તેની અવનતિની ચરમસીમાએ પહોચ્યો હોવાનો અજંપો પણ થાય છે.
આ દેશ સ્વર્ગભૂમિસમો હતો અને નંદનવનના અનુભવ કરાવતો હતો. એવો પડઘો તો કૈલાસ અને હિમાલય પર્વતો તેમજ ગંગોત્રી-જમુનોત્રી અને અલકનંદા મંદાક્રાંતા તેમજ આદેશનો સૂવર્ણયુગ એમ સહુ કોઈ કહેતા રહ્યા છે જેમણે આ દેશને નરી આંખે નિરખ્યા છે.
આપણો હિન્દુસ્તાન ‘સારે જહાંસે અચ્છા’ હતો એમ આપણાદેશના વતનપરસ્ત કવિ ઈકબાલે લખ્યું છે.
આપણા દેશના ઋષિઓએ તો એવું કહ્યું છે કે, આ દેશનાં દરેક મનુષ્યે સંવેદનશીલ બનવું જોઈએ. એક બીજાનાં હૃદય સુધી પહોચીને ભાઈચારો કેળવવાનાં ઉમદા ઉદાહરણ પૂરાં પાડવા જોઈએ.
આપણા દેશમાં મંદિર સંસ્કૃતિ પ્રવર્તે છે. એમ ઋષિમૂનિ એની સંસ્કૃતિ પણ પ્રવર્તાવી જોઈએ.
‘સત્ય’ જ વાણીનું આભૂષણ છે.
વ્રતોમાં સત્યવ્રતને જ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. સત્યનું પલ્લું જ સર્વદા નમે છે.
આમ જીવનનો સમગ્રસાર સત્યના પાલનમાં છે. સત્ય જ જીવનધર્મ છે. સત્યનું આચરણ સમગ્ર જીવ જગતને માટે કલ્યાણ કરનારૂ નિવડે છે ને સૌમાં મધુરતાનું સ્ફૂરણ થાય છે જે હિતકારી બને છે. આથી સત્યનું આચરણ, ઉચ્ચારણ અને શ્રવણ હંમેશા મધુરતાથી જીવાતા જીવનમાં કરીએ અને જીવનને ઉજાળીએ.
જીવનને ઉજાળવુંએટલે મતિભ્રષ્ટ ન થવું. બુધ્ધિને બગડવા ન દેવી, દુરાચાર ન આચરવા, રાષ્ટ્રદ્રોહ ન કરવો.
અત્યારે આખો દેશ રાજકીય ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે અને માનવ જીવનને સાંકળતા ઘણા ખરા ક્ષેત્રે મતિભ્રષ્ટ બન્યો છે. બેસુમાર ભ્રષ્ટાચારી બન્યો છે. ભેળસેળમાં પાવરધો બન્યો છે. માનવતા વિહોણો બન્યો છે.
આપણા નેતાઓ અહંકારી અને હલકટાઈમાં નિરંકુશ બન્યા છે. આખા દેશમાં અરાજકતા અને બિહામણી અંધાધુંધીના ઓછાયાથી ઘેરાયા છે. શહેરો અને ગામોમાં અવનવી કઠણાઈઓ પ્રવર્તે છે. આમ પ્રજા એનો ભોગ બનતી રહી છે. જીવતર દોહ્યલાં બન્યાનો પોકાર ચોતરફ ઉઠતો રહ્યો છે. પેટ્રોલ-ડિઝલનાં ભાવો આસમાને પહોચ્યા છે. મોંઘવારી બેકાબુ બની છે. જીવન જરૂરી ચીજોની કિંમતો ચરમસીમાએ પહોચી છે. તમામ સ્તરે કેળવણી ઉપર બેહુદા તરાપ પડી રહી છે. વહિવટી તંત્ર તદ્ન ખાડે ગયું છે.
આ તકે એમ કહેવું જ પડે છે કે, ‘કોરોના’ અને વરસાદ ચોમાસાની સ્થિતિ ઉપર આ દેશના આખા વર્ષનો આધાર રહેશે. અને આ બધાનો બોધપાઠ એ કે, જે દેશનો સમૂળગો સમાજ મહાત્મા ગાંધીની જેમ ‘સત્ય’ તેમજ ‘અહિંસા’ને રાષ્ટ્રધર્મ ગણીને સત્ય ભાષીઓ તથા નિરઅહંકારીઓ તમામ અસત્યભાષીઓને અને અ અહંકારીઓને દેશવટો આપવાનો ધર્મ બજાવીને જ જંપે નહિ તે આપણા દેશની વર્તમાન અરાજકતા તથા અંધાધુંધીઓનો ભોગ બન્યા વિના રહે નહિ.