કઇ સારવાર લેવી તે આબાદ અધિકાર છે : પગલાં લેવા સામે સ્ટે
ઇન્ડીયન એરફોર્સમાં ફરજ બજાવતા અધિકારીએ વેકસીન લેવાની ના પાડતા તેમને એરફોર્સે શો કોઝ નોટિસ પાઠવી છે. આ નોટિસને એરફોર્સના અધિકારીએ હાઇકોર્ટમાં પડકારી છે. તેમા એવી રજુઆત કરી છે કે, વેકસીન લેવી કે નહી તે અંગે વ્યકિતનો અંગત અધિકાર છે તેના પર કોઇ ફરજ પાડી શકે નહી. અધિકારી પોતે આયુર્વેદમાં માને છે તેમને એલોપેથી પર વિશ્વાસ નથી તેથી વેકસીન લેવા ઇન્ડીયન એરફોર્સ ફરજ પાડી શકે નહી.
જસ્ટિસ એ.જે દેસાઇ અને અને જસ્ટિસ એ.પી ઠાકરની ખંડપીઠે ઇન્ડીયન એરફોર્સ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. અને અધિકારી સામે 1લી જુલાઇ સુધી કોઇ પગલા નહી લેવા આદેશ કર્યો છે. જામનગરમાં ઇન્ડીયન એરફોર્સમાં કોર્પોરલ તરીકે ફરજ બજાવતા યોગેન્દ્રકુમારે હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમા એવી રજુઆત કરી છે કે, તેણે કોવિડ-19 સામેની વેકસીન લેવાનો ઇન્કાર કરતા તેને ઇન્ડીયન એરફોર્સે નોકરીમાંથી બરતરફ કરવા તા.10મી મે ના રોજ શો કોઝ નોટિસ પાઠવી છે. આ નોટિસ ગેરકાયદેસર છે.
વેકસીન લેવી કે નહી તે અંગે કોઇ ફરજ પાડી શકે નહી. વેકસીન લેવાનો ઇન્કાર કરનારને નોકરીમાંથી કાઢી મુકવાનો નિર્ણય તદ્ન ગેરકાયદેસર છે. અધિકારી પોતે ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદની દવાઓ લે છે. માત્ર કટોકટીના સમયે જ તેઓ એલોપેથી દવાઓનો ઉપયોગ કરે છે. જયારે આયુર્વેદ પાસે બિમારીનું સમાધાન ન હોય ત્યારે જ તે એલોપેથીનો આશરો લે છે. ભારતીય વાયુસેનામાં જામનગર ખાતે ફરજ બજાવતા અધિકારીએ પોતાને પાઠવાયેલી નોટિસ સંદર્ભે હાઇકોર્ટનો આશરો લેતા સમગ્ર મુદ્દે ભારે ચકચાર મચી જવા પામી છે.
અધિકારીએ કમાન્ડીંગ ઓફિસરને પત્રમાં વેકસીન લેવા અનિચ્છા દર્શાવી
ઇન્ડીયન એરફોર્સના અધિકારી યોદેન્દ્ર કુમારે 26મી ફેબ્રુઆરીએ કમાન્ડીંગ ઓફિસરને પત્ર લખીને વેકસીન લેવા અનિચ્છા દર્શાવી હતી. અને એવી રજુઆત કરી હતીકે તે વર્ષોથી રોગપ્રતિકારક શકિત વધારવા માટે આયુર્વેદનો ઉપયોગ કરે છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકામાં પણ વેકસીન ફરજીયાત લેવાનો કોઇ ઉલ્લેખ નથી.